Aapnu Gujarat
રમતગમત

પાક. સામેની ઈનિંગ બાદ સિદ્ધિ મેળવ્યાની લાગણી અનુભવી : HARDIK PANDYA

ભારતના વિસ્ફોટક ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાએ એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં નાયકની ભૂમિકા ભજવતા અંતિમ ઓવરમાં છગ્ગો ફટકાર્યો હતો અને ભારતને વિજયી પ્રારંભ કરાવ્યો હતો. જો કે ચાર વર્ષ પૂર્વે હાર્દિકને આ જ મેદાનમાં પાકિસ્તાન સામેની મેચમાં પીઠની ઈજાને કારણે સ્ટ્રેચર પરથી મેદાનની બહાર ગયો હતો. લગભગ ત્રણ વર્ષ તે ક્રિકેટથી દૂર રહ્યો હતો. હાર્દિક ઈજામાંથી કમબેક કર્યા બાદ શાનદાર ફોર્મમાં છે અને એશિયા કપના પ્રથમ મુકાબલામાં જ કટ્ટર હરીફ ગણાતા પાકિસ્તાનને પછડાટ આપી હતી. હાર્દિકે પાકિસ્તાન સામેની ઈનિંગ બાદ સિદ્ધી મેળવ્યાની લાગણી અનુભવી હોવાનું જણાવ્યું હતું. હાર્દિકે ૧૭ બોલમાં અણનમ ૩૩ રન કર્યા હતા. પંડ્યાએ જાડેજા સાથે ૫૨ રનની વિજયી ભાગીદારી નોંધાવી હતી. ભારતના ટોચના બેટ્‌સમેનો રાહુલ અને રોહિત મોટી ઈનિંગ રમી શક્યા નહતા. હાર્દિકે જણાવ્યું કે, આ જીતથી હું ઘણો ખુશ છું કારણ કે અમારા માટે તે મહત્વપૂર્ણ છે. તમામના શ્વાસ થંભી ગયા હતા અને ટીમ તરીકે અમારી સામે આ પડકાર હતો. જાડેજાએ જે પ્રકારે સમજદારીપૂર્વક બેટિંગ કરી તે પ્રશંસનીય છે. હાર્દિકે વધુમાં ઉમેર્યું કે, હું થોડી ક્ષણ માટે ભૂતકાળમાં સરી ગયો હતો. મને સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યો હતો. આ જ ડ્રેસિંગ રૂમ હતો. આજે મને ફરી તક મળી છે અને હું સિદ્ધિ મેળવ્યાની લાગણી અનુભવી રહ્યો છું. હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમના પૂર્વ ફિઝિયો અને હાલમાં બીસીસીઆઈના સ્પોર્ટ્‌સ સાયન્સના વડા એવા નીતિન પટેલને તેની રિકવરી પાછળ આકરી મહેનતનો શ્રેય આપ્યો હતો. આ ઉપરાંત તેણે કંડિશનિંગ કોચ સોહમ દેસાઈની કામગીરીને બિરદાવી હતી. હાર્દિકે કહ્યું કે મારી સરફ અદભૂત રહી અને તેના ફળ મને મળ્યા છે પરંતુ પડદા પાછળના વ્યક્તિઓને શ્રેય ક્યારેય મળતો નથી. એટલા માટે જ હું જે લોકો હકદાર છે તેમને તેમનો શ્રેય આપવા ઈચ્છું છું. મારા કમબેક પાછળ નીતિન પટેલ અને સોહમ દેસાઈનો મોટો હાથ છે. પાકિસ્તાન સામેની યાદગાર ઈનિંગ બાદ હાર્દિક પંડ્યા ભાવૂક જણાયો હતો અને તેણે સોશિયલ મીડિયા પર હ્રદયસ્પર્શી પોસ્ટ મૂકી હતી. હાર્દિકને ચાર વર્ષ પૂર્વે આ જ મેદાનમાંથી સ્ટ્રેચર પર લઈ જતા હોય તથા રવિવારની ઈનિંગ બાદ તે વિજયની ઉજવણી કરતો હોય તેવી કોલાજ તસવીર તેણે પોસ્ટ કરી હતી. હાર્દિકે સાથે સંદેશમાં લખ્યું હતું કે, સેટબેક કરતા કમબેક હંમેશા મહાન હોય છે. ભારતને પાકિસ્તાન સામેની એશિયા કપની પ્રથમ મેચમાં અંતિમ ઓવરમાં જીત માટે સાત રનની જરૂર હતી. ભારતના ઓલરાઉન્ડર હાર્દિકની મેજીકલ ઈનિંગને પગલે ભારતે પાંચ વિકેટે પાકિસ્તાનને રગદોળ્યું હતું. હાર્દિકે મેચ બાદ જણાવ્યું કે, હું એક સમયે એક ઓવરની જ યોજના બનાવું છું. પાક. સામેની મેચમાં અંતિમ ઓવરમાં સાત રનની જરૂર હતી પરંતુ મારા પર સહેજ પણ દબાણ ન હતું અને જો કદાચ છેલ્લી ઓવરમાં ૧૫ રન પણ કરવાના હોત તો તે હું પાર પાડી શક્યો હોત. આ પ્રકારના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે પ્રત્યેક ઓવરનું આયોજન કરવું પડે છે. મને ખ્યાલ હતો કે એક યુવા બોલર છે (નસીમ શાહ) તેમજ એક લેગ સ્પિનર (મોહમ્મદ નવાઝ). મારાથી વધુ તેના (નવાઝ) પર વધુ દબાણ હશે. હું ફક્ત બોલર ભૂલ કરે તેની રાહ જોઈ રહ્યો હતો.

Related posts

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે નાગપુરમાં વન-ડે જંગ

aapnugujarat

ICC टेस्ट रैंकिंग: कोहली को पीछे छोड़कर स्मिथ बने NO.1 बल्लेबाज

aapnugujarat

કુમાર સાંગાકારાએ ફર્સ્ટ ક્લાક ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની ઘોષણા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1