Aapnu Gujarat
ગુજરાત

નરેશ પટેલે રાજકારણમાં જોડાવાનો નિર્ણય મોકૂફ રાખ્યો

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ એ રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગે સ્પષ્ટતા કરી દીધી છે. તેમણે જાહેરાત કરી દીધી છે કે તેમણે હાલ પુરતો રાજકારણમાં જોડાવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. રાજકારણમાં આવવાથી તેઓ વહેંચાઈ જશે તેવી ભાવનાને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. નરેશ પટેલે રાજકારણમાં આવતા પહેલા કરાવેલા સર્વેમાં શું પરિણામ આવ્યું તે અંગે પણ જણાવ્યું છે. તેમણે એ પણ જણાવ્યું કે તેઓ રાજકારણમાં નથી આવવા માગતા અને યુવાનો આગળ વધે તેવા પ્રયાસો ખોડલધામના નેજા હેઠળ કરવા માગે છે. મહત્વનું છે કે પાછલા લાંબા સમયથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી, તેઓ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે દેખાતા વિવિધ અટકળો લગાવવામાં આવી રહી હતી, આ સાથે રાજ્યમાં પહેલું પગથિયું ચઢી રહેલી આમ આદમી પાર્ટીએ પણ નરેશ પટેલને આમંત્રણ આપ્યું હતું. જોકે, તેમણે જાહેર કરી દીધું છે કે તેઓ હાલ રાજકારણમાં જોડાવા માગતા નથી.
ખોડલધામના નિર્માણથી જ આ સંસ્થા વિશ્વ સ્તરે પહોંચી છે. સર્વ સમાજના લોકો માના આશિર્વાદ લેવા આવે છે, ત્યારે સર્વ સમાજના લોકોને મારા વંદન. આટલું કહીને પોતાની વાત શરુ કર્યા બાદ રાજકારણમાં જોડાવાનો નિર્ણય મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, હું કોઈ પણ પાર્ટીમાં જોડાઉ તો એક પાર્ટીનો થઈ જાઉં, દરેક સમાજ વચ્ચે રહીને હું કામ ના કરી શકું. આવામાં વડીલોની ચિંતા મને યોગ્ય લાગી, ઘણાં બધા પ્રકલ્પો શિક્ષણ આરોગ્ય અને ખેતી જે દરેક સમાજને સ્પર્શવાના છે પ્રયત્ન કરી રહ્યા છીએ. પોતે ખોડલધામમાં શું કરવા માગે અને યુવાનો માટેની પ્રવૃતિઓ કરવા માગે છે તેવી જાણકારી આપીને જણાવ્યું કે હું હાલ પુરતો રાજકારણમાં મારા પ્રવેશને હાલ પુરતો મોકૂફ રાખું છું.
આ જાહેરાત કરતા પહેલા પોતાની વાત શરુ કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન મારી પાસે ખુબ સમય હતો, ત્યારે મેં સરદાર સાહેબ અને સ્વતંત્ર સેનાનીઓને વાંચ્યા હતા, ત્યારે મને રાજકારણમાં જઈને સેવા થઈ શકે તેવું લાગતું હતું. આ મારો વ્યક્તિગત વિચાર હતો જ્યારે આ મેં આ વિચાર પાટીદાર સમાજ વચ્ચે મૂક્યો ત્યારે લોકોની લાગણી એવી હતી કે તમારે સમાજને પણ પૂછવું જોઈએ. અગાઉ મેં જણાવ્યું હતું કે આ અંગે અમે એક સર્વે કરી રહ્યા છીએ. આ સર્વેનો રિપોર્ટ એવો છે કે વડીલો ખુબ ચિંતા કરે છે અને યુવાનો-બહેનો હજુ પણ ઈચ્છે છે કે હું રાજકારણમાં આવુ. બહેનો અને યુવાનોને જણાવતા મને આનંદ થાય છે કે ખોડલધામ જેમ અન્ય પરીક્ષાઓની તાલીમ આપે છે તેમ આજથી ખોડલધામના નેજા હેઠળ ખોડલધામ પોલિટિકલ એકેડમીની જાહેરાત કરીએ છીએ, અને દરેક સમાજના યુવાનોને આમંત્રિત કરીએ છીએ.
હાર્દિક પટેલ કોંગ્રેસને રામ-રામ કહીને ભાજપમાં જોડાયા તે પછી ઘણી અટકળો વહેતી થઈ હતી કે હવે ટૂંક સમયમાં જ ખોડલધામના નરેશ પટેલ પણ રાજકારણમાં પ્રવેશ કરશે. પરંતુ તેમણે જે સર્વેમાં વાત સામે આવી તેને માન આપીને રાજકારણમાં જોડાવાનો નિર્ણય આખરે પડતો મૂક્યો છે.

Related posts

દિયોદરના ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર સોંપ્યુ

aapnugujarat

PM મોદીના જન્મદિને ઠેર-ઠેર કાર્યક્રમો યોજાયા

editor

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1