Aapnu Gujarat
રાષ્ટ્રીય

નીતીશકુમાર ગમે ત્યારે મુખ્યમંત્રી પદ છોડી શકે છે

બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર આજકાલ દરેક કામ બહુ જ ઝડપથી કરી રહ્યા છે. અધિકારીઓ અને મંત્રીમંડળ પર પોતાનો પ્રભાવ પાથરી પ્રત્યેક પ્રશાસનિક કાર્યમાં ઝડપ કરી અને કરાવી રહ્યા છે. તેમને નજીકથી ઓળખનારા લોકો કહે છે કે આટલી ઝડપ તેમના સ્વભાવથી વિપરીત છે.
નીતીશકુમારની ઝડપનું રહસ્ય હજુ પ્રગટ થયું નથી. તાજેતરમાં તેમણે ચંપારણ અને મુંગેરમાં ૧૨૦૦ કરોડના ખર્ચે બે મેડીકલ કોલેજ બનાવવાની મંજૂરી આપી દીધી. હજી ન તો બિલ્ડીંગનું મોડલ નક્કી થયું છે, ન જમીનનું અધિગ્રહણ. તેમ છતાં નીતીશકુમારે ક્યા આધારે મંજૂરી આપી તે કોયડો છે. એવી જ રીતે નીતીશકુમારના દબાણને વશ થઈ માર્ગ અને મકાન વિભાગે ઉતાવળમાં બખ્તીયારપુરની રૂ. ૧૨૮ કરોડના બે પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે બખ્તિયારપુર નીતીશકુમારનું જૂનું સંસદીય ક્ષેત્ર છે. અગાઉ નીતીશકુમારે પ્રશાસનિક કાર્યો માટે જે માપદંડ નક્કી કર્યા હતા તેનો હવે તેઓ પોતે જ ભંગ કરતા નજર આવી રહ્યા છે.
કેટલાક રાજકીય જાણભેદુઓના મત પ્રમાણે નીતીશકુમાર હવે મુખ્યમંત્રી તરીકે ઝાઝો સમય નથી. થોડા જ મહિનાઓમાં તેઓ બિહારની ગાદી ભાજપના કોઈ નેતાને સોંપીને સ્વયં નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સામેલ થઈ જશે.
ભાજપ ૨૦૨૪ની ચૂંટણી પણ જેડીયુને ગઠબંધનમાં રાખીને જ લડવાનો છે. આથી નીતીશકુમારને પટનાથી દિલ્હી મોકલવામાં આવશે તો પણ તેમનું પૂરેપૂરુ સન્માન જાળવવામાં આવશે. અગાઉ નીતીશ રાજ્યસભામાં જવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. તેમના એ નિવેદન તથા હાલમાં તેમણે વહિવટી કાર્યોને આપેલો વેગ પણ તેમની સીએમ તરીકે ઘડીઓ ગણાઈ રહી હોવાનો ઈશારો કરે છે.
તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવે એવી પણ અટકળ સેવાઈ રહી છે. આગામી દિવસોમાં બિહારની રાજનીતિમાં કંઈક નવાજૂની થવાના એંધાણમળી રહ્યા છે. નીતીશે જેમ સરકારી કામકાજમાં ઝડપ કરી છે તેમ મુખ્યમંત્રી આવાસ ખાલી કરી પોતે અગાઉ જે બંગલામાં રહેતા હતા ત્યાં જવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે. અગાઉ તેઓ મુખ્યમંત્રી નહોતા ત્યારે સેવન સર્ક્‌યુલર બંગલામાં રહેતા હતા. મુખ્યમંત્રી બન્યા પછી પણ તેઓ ત્યાં વર્ષો સુધી રહેલા. તેમની બંગલો બદલવાની કવાયત પણ એ જ સૂચવે છે કે ટૂંક સમયમાં તેઓ મુખ્યમંત્રીનું પદ છોડી દેવાના છે.

Related posts

ગુલમગમાં કેબલ કાર ટાવર ધરાશાયી થતાં સાતના મોત

aapnugujarat

Congress-JD(S) coalition coordination committee chief Siddaramaiah rules out mid term polls talks

aapnugujarat

રામ સબકે ભગવાન : ફારુક અબ્દુલ્લા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1