Aapnu Gujarat
શિક્ષણ

બોર્ડ પરીક્ષા : ૧૦ ગણિતની પરીક્ષા ફરીથી લેવા માંગણી

ધોરણ-૧૦ના ગણિત વિષયની ગઇકાલે લેવાયેલી પરીક્ષામાં ગણિતનું પ્રશ્નપત્ર બહુ અઘરું અને વિચિત્ર પેપર સ્ટાઇલમાં નીકળતાં વિદ્યાર્થીઓને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો, તો વાલીઓ પણ તેમના સંતાનોની પરીક્ષા બગડતા ઉંડા આઘાતમાં સરી પડયા હતા. ગઇકાલે જ વિદ્યાર્થીઓ અને વાલીઓએ બોર્ડ સત્તાવાળાઓની આવી ગંભીર ચૂકને લઇ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. બીજીબાજુ, આજે ખુદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યોએ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં આગળ આવી બોર્ડના અધ્યક્ષને લેખિતમાં પત્ર પાઠવી ધોરણ-૧૦ના ગણિત વિષયની પરીક્ષા ફરીથી લેવા ઉગ્ર માંગણી કરી છે. બોર્ડના સદસ્ય ડો.પ્રિયવદન બારોટ અને ડો.નિદત બારોટે બોર્ડને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓની કારકિર્દી માટે બોર્ડની પરીક્ષાનું વર્ષ મહત્વનું હોઇ બોર્ડ તરફથી થયેલી ભૂલ ગંભીરતાથી લેવાવી જોઇએ, બોર્ડની ભૂલનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓ બનવા જોઇએ નહી. બોર્ડના સદસ્યો દ્વારા પત્રમાં એવી પણ માંગ કરી છે કે, બોર્ડ સત્તાધીશોએ આ સમગ્ર મામલે તાત્કાલિક અસરથી વિષય નિષ્ણાતોનો અભિપ્રાય મેળવી ગઇકાલે લેવાયેલી ધોરણ-૧૦ના ગણિત વિષયની પરીક્ષા જરૂર પડયે રદ કરી તે ફરીથી લેવાની વ્યવસ્થા કરવી જોઇએ. બોર્ડના સદસ્ય ડો.પ્રિયવદન બારોટ અને ડો.નિદત બારોટે વધુમાં જણાવ્યું છે કે, બોર્ડની એ જવાબદારી હોય છે કે, વિદ્યાર્થીઓને જે પ્રમાણે તૈયારી કરવાનું શાળાઓ દ્વારા માર્ગદર્શન અપાયું હોય તેને અનુરૂપ મૂલ્યાંકન માટે પ્રશ્નપત્ર તૈયાર થવુ જોઇએ. પ્રશ્નપત્ર તૈયાર કરવામાં મુખ્ય સિધ્ધાંત એ હોય છે કે, પ્રશ્નપત્રમાં પ્રશ્નનો ક્રમ સરળથી કઠિન તરફ હોવો જોઇએ કે જેથી વિદ્યાર્થી પરીક્ષા આપે તો તે શરૂઆતમાં સરળ પ્રશ્નો પૂછાયા હોવાથી પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે. પરંતુ ગઇકાલે લેવાયેલી ગણિતની પરીક્ષામાં આનાથી તદ્‌ન વિપરીત વ્યવસ્થા જોવા મળી હતી.
સમગ્ર પ્રશ્નપત્રમાં બ્લુ પ્રિન્ટ મુજબ, કોઇ ધારાધોરણ જળવાયા નથી. પ્રકરણ પ્રમાણે પ્રશ્નોના ગુણભાર પણ જળવાયા નથી. સેક્શન-એ જે પ્રમાણમાં સરળ હોવું જોઇએ તેના બદલે સૌથી વધુ અઘરૂ અને કઠિન હતું. નાના બાળકોના માનસ પર અત્યંત વિપરીત અને હતાશાભરી અસર પડતાં તેઓ આગળના સરળ પ્રશ્નો પણ સારી રીતે લખી શકયા નથી તેવી વ્યાપક ફરિયાદો અનેક શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ કરી છે ત્યારે બોર્ડ તરફથી આ ભૂલને ગંભીરતાથી લઇ ધોરણ-૧૦ના ગણિત વિષયની પરીક્ષા બોર્ડ સત્તાવાળાઓએ ફરીથી લેવાની વ્યવસ્થા કરવી જોઇએ. દરમ્યાન ગુજરાત રાજય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા પણ ધોરણ-૧૦ના ગણિત વિષયના અઘરા પ્રશ્નપત્રને લઇ બોર્ડના અધ્યક્ષને પત્ર પાઠવી માંગણી કરવામાં આવી છે કે, વિદ્યાર્થીઓને અન્યાય ના થાય તે માટે શકય હોય તો ગણિત વિષયની પરીક્ષા ફરીથી લેવી જોઇએ અથવા વિદ્યાર્થીઓને ગ્રેસીંગ માર્ક્સ આપી તેમનું વર્ષ ના બગડે તેનું ધ્યાન રાખવું જોઇએ. મહામંડળ દ્વારા ગણિતનું અઘરૂ પેપર કાઢવા માટે જવાબદાર પેપર સેટર કોઇ ખાનગી ટયુશન કલાસીસ કે ખાનગી પ્રકાશન સાથે સંકળાયેલા છે કે કેમ તેની પણ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરવામાં આવી છે. દરમિયાન માંગણીના સંદર્ભમાં શિક્ષણ બોર્ડે આજે મોડી સાંજે ખુલાસો કરતા કહ્યું હતું કે, પેપર સંતુલિત હતું. ફરી પરીક્ષા લેવાનો કોઇ જ પ્રશ્ન નથી.

Related posts

जेेेनयू छात्रों और टीचरों के संसद मार्च को पुलिस ने रोका, झड़प

aapnugujarat

લૉકડાઉનના કારણે વાલીઓને સ્કૂલ ફી ચૂકવવામાં મુશ્કેલી

editor

પશ્ચિમ વિભાગની યુનિ.ના કુલપતિઓનું સેમીનાર થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1