Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાના અધ્યક્ષપદે “મા નર્મદા મહોત્સવ”ની ઉજવણીના આયોજન સંદર્ભે યોજાયેલી બેઠક

ગુજરાત રાજ્ય માટે સરદાર સરોવર ડેમના દરવાજા બંધ થવાની ઐતિહાસિક ક્ષણને એક ઉત્સવ તરીકે ઉજવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા. ૬ ઠ્ઠી જુલાઇથી તા. ૧૫ મી જુલાઇ, ૨૦૧૭ દરમિયાન હાથ ધરાયેલી “મા નર્મદા મહોત્સવ” ની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં નર્મદા ડેમના પાણીથી લાભાન્વિત ગામોમાં યોજાનારી નર્મદા રથયાત્રાનું સુચારૂ આયોજન ઘડી કાઢવા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે ગઇકાલે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં શ્રી નિનામાએ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની વિવિધ કામગીરી માટેના નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરીને સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ સાથેની વિશેષ જવાબદારીઓ સુપ્રત કરી છે

નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંગતકુમાર મંડોત, જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.આર. પટેલ, નાયબ કલેક્ટરશ્રી ડી.એન. ચૌધરી અને સુશ્રી એસ.એમ. કાથડ, નર્મદા ડેમ સાઇટના અધિક્ષક ઇજનેરશ્રી આર.જી. કાનૂનગો, કાર્યપાલક ઇજનેરશ્રી ગરાસીયા, ગરૂડેશ્વર-તિલકવાડાના મામલતદારશ્રીઓ-તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ સમગ્ર કાર્યક્રમના સુવ્યવસ્થિત આયોજન, નિયત ડિઝાઇન મુજબ નર્મદા રથ તૈયાર કરવાની કામગીરી, મહિલા સંમેલન, ખેડૂત સભા, રાત્રિ મુકામના ગામોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રક્તદાન શિબિર, નર્મદા રથયાત્રા દરમિયાનના રૂટના સુપરવિઝન માટે રથ કો-ઓર્ડિનેટર, કોર ટીમના સભ્યોના સુસંકલન અને રથયાત્રા દરમિયાન સાયકલ રેલી તેમજ મેરેથોન દોડ, શૈક્ષણિક સંસ્થાઓમાં લોકજાગૃતિ અંગેની વક્તૃત-નિબંધ-ચિત્ર-ક્વીઝ સ્પર્ધાઓ, નર્મદા બંધના પાણીથી કૃષિને થયેલા લાભો વગેરે અંગેની ફિલ્મનું નિદર્શન, રોપાઓનું વિનામૂલ્યે વિતરણ તેમજ સમગ્ર ઉજવણીની વ્યાપક પ્રસાર-પ્રચાર પ્રસિધ્ધિ દ્વારા લોકજાગૃત્તિ કેળવાય તે રીતના કાર્યક્રમો સુપેરે પાર પડે તે જોવાની ખાસ સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.

નર્મદા જિલ્લામાં ઉક્ત ૧૦ દિવસના સમયગાળા દરમિયાન મા નર્મદા મહોત્સવની થનારી ઉજવણીમાં સરદાર સરોવર ડેમથી લાભાન્વિત તિલકવાડા તાલુકાના ૯૩ ગામો અને ગરૂડેશ્વર તાલુકાના ૪૪ ગામો મળી જિલ્લાના કુલ- ૧૩૭ ગામોમાં આ નર્મદા રથયાત્રાનું પરિભ્રમણ થશે અને ગામેગામ આ રથનું ભવ્ય સ્વાગત, આરતી સહિત લોકજાગૃત્તિને લગતા મહિલા વિકાસ, આરોગ્ય કલ્યાણ અને વિવિધ યોજનાલક્ષી સાહિત્યના વિતરણ સહિતના અનેકવિધ ભવ્યાતિભવ્ય-ભરચક કાર્યક્રમોના સથવારે “મા નર્મદા મહોત્સવ” ની અનોખી રીતે ઉજવણી કરાશે. સંબંધિત ગામોએ રોજેરોજ સવારે “મા નર્મદા” ની આરતી, ફ્લેગ હોસ્ટિંગ, સોંગ તેમજ અગાઉના ગામ સુધીની સાયકલ રેલી સાથે “મા નર્મદા” રથનું પ્રસ્થાન કરાવાશે.

જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આ ઉજવણીના કરાયેલા આયોજન અનુસાર તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકાના લાભાન્વિત ગામો પૈકી રોજ ૧૩ જેટલા ગામોમાં આ નર્મદા રથ ફરશે અને લોકજાગૃ્ત્તિના વિવિધ કાર્યક્રમો થકી ગ્રામજનોને જરૂરી જાણકારી સાથે માહિતગાર કરાશે, જેનો સંબંધિત ગામોના ગ્રામજનોને બહોળી સંખ્યામાં લાભ લેવા જિલ્લા વહિવટીતંત્ર તરફથી જાહેર આમંત્રણ પાઠવાયું છે.

Related posts

ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ વિરુદ્ધ સ્વયંમ સૈનિક દળ દ્વારા વિરોધ પ્રદર્શન

editor

દેસાસણ ગામ પંચાયત દ્વારા ગટર લાઈનમાં કૌભાંડ થયાના આરોપો

editor

ગુજરાતમાં મ્યૂકરમાઈકોસિસનો આતંક વધ્યો

editor

Leave a Comment

UA-96247877-1