Aapnu Gujarat
ગુજરાત

શાહીબાગ પોલીસ હેડકવાર્ટસમાં ચાલતા જુગારધામ પકડી પડાયું

શહેરના શાહીબાગ હેડકવાર્ટર્સમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ મોડી રાત્રે સ્ટેટ મોનિટરીંગ સેલે કરતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી. કારણ કે, પોલીસ હેડકવાર્ટર્સમાં જુગાર રમતા જુગારીઓ બીજુ કોઇ નહી પરંતુ પોલીસ પુત્રો જ હતા. પોલીસે પોલીસ કર્મચારી અને ચાર લાઇનબોય (પોલીસ કર્મચારીઓના પુત્ર) સહિત આઠ લોકોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લઇ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જો કે, પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતી આ ઘટનાથી શાહીબાગ પોલીસ હેડકવાર્ટર્સ વધુ એક વખત વિવાદોમાં સપડાયું છે. પોલીસવાનમાંથી ડીઝલ ચોરી કરતા પોલીસ કર્મચારીના પુત્રોનું કારસ્તાન સામે આવ્યાને હજુ ગણતરીની દિવસો થયા છે ત્યારે હેડકવાર્ટર્સમાં મોડી રાત્રે જુગારધામ પકડાતાં પોલીસની છબી સામે ગંભીર સવાલો ઉઠયા છે. શહેર પોલીસની તમામ કામગીરી પોલીસ હેડકવાર્ટર્સથી થાય છે. શાહીબાગ ખાતે આવેલ પોલીસ હેડકવાર્ટર્સમાં પોલીસ કર્મચારીઓને તાલીમ, વાહનોની ફાળવી તેમજ ડોગસ્કોવોડ સહિત અલગ અલગ ટીમો અને પોલીસ વિભાગના એડમિનનું તમામ કામકાજ થાય છે. ઉચ્ચ અધિકારીઓ, સહિત હજારો પોલીસ કર્મચારીઓ હેડકવાર્ટર્સમાં ફરજ બજાવે છે. આખો દિવસ પોલીસની અવરજવરથી ધમધમતું હેડકવાર્ટર્સમાં હવે ગુનાહિત કૃત્યો પણ છાનાછપના ચાલી રહ્યા હોવાની વાતો સામે આવી રહી છે. પોલીસ શહેરમાં ધમધમતા જુગારના અડ્ડા પર દરોડા પાડીને સપાટો બોલાવી રહી છે ત્યારે તેમના જ હેડકવાર્ટર્સમાં જુગારધામ ચાલી રહ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે શાહીબાગ હેડકવાર્ટર્સની અંદર આવેલ કોમ્યુનિટી હોલ પાસે ખુલ્લા મેદાનમાં જુગારનો અડ્ડો ધમધમી રહ્યો છે. બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ કર્મચારીઓએ આ મામલે પૂરતી તપાસ કરી હતી. જુગારની બાતમી સાચી નીકળતાંની સાથે જ સ્ટેટ મોનિટરિંગ સેલે મોડી રાત્રે શાહીબાગ હેડકવાર્ટર્સમાં આવેલ ખુલ્લા મેદાનમાં દરોડા પાડ્‌યા હતા અને જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે જુગાર ધામ ચલાવતા પોલીસ કોન્સ્ટેબલ મનોહર કાળીદાસ બાગુલ (રહે, શાહીબાગ પોલીસ હેડકવાર્ટર્સ), તેમજ લાઇન બોય દીપક ઉર્ફે દીપુ ભીમરાવ પાટીલ (રહે, શાહીબાગ પોલીસ હેડકવાર્ટર્સ), વિશાલ ઉર્ફે વિશાલસિંહ સુરેશભાઇ વાધેલા (રહે, શાહીબાગ પોલીસ હેડકવાર્ટર્સ), નરેશ રમણભાઇ ચાવડા (રહે, શાહીબાગ પોલીસ હેડકવાર્ટર્સ), માજિદખાન નસીબખાન પઠાણ (રહે, ગર્વમેન્ટ કોલોની, દરિયાખાન ઘુમ્મટ), અજય દંતાણી (રહે મગનજી દૂધવાળીની ચાલી, સાબરમતી), અલ્પેશ ઉમેદસિંહ ચૌહાણ (રહે ઇમાનદારની ચાલી, દૂધેશ્વર) અને વિજય મફતલાલ પરમાર (રહે, શાહીબાગ પોલીસ હેડકવાર્ટર્સ)ની રંગે હાથ ધરપકડ કરી છે. મનોહર અને તેનો મિત્ર માજિદખાન ખુલ્લામાં જુગારધામ ચલાવતા હતા. સ્ટેટમોનિટરિંગ સેલે પોલીસ હેડકોન્સ્ટેબલ મનોહર સહિત ચાર લાઇન બોય અને અન્ય ત્રણ યુવકોની ધરપકડ કરીને તેમના વિરુદ્ધમાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે તેમની પાસેથી ૧.૬૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. મનોહર છેલ્લા ઘણા સમયથી પોલીસ હેડકવાર્ટર્સમાં હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. અત્રે ઉલ્લેખનીય છેકે શાહીબાગ હેડકવાર્ટર્સમાં અનેક વિવાદો રહેલા છે.
થોડાક દિવસ પહેલા પોલીસની પ્રિઝનર વાનમાંથી ડીઝલની ચોરી કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડમાં લાઇનબોયની સંડોવણી સામે આવતા વિવાદ સર્જાયો હતો. આ પહેલાં પણ હેડકવાર્ટર્સમાં પોલીસ જુગાર રમતા વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો હતો.

Related posts

ઓનલાઇન ફંડ એકત્ર કરનાર લોકોની સંખ્યા ૧૦ ગણી વધી

aapnugujarat

ઉત્તરપ્રદેશ : ચાર વર્ષમાં ૨૦ લાખને રોજગારી પુરી પડાશે : ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા પ્રતિનિધિમંડળની સાથે ગુજરાતની મુલાકાતે

aapnugujarat

ખાંભા પંથકમાં ઘેટા-બકરામાં ભેદી રોગચાળો આવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1