Aapnu Gujarat
ગુજરાત

વાયબ્રન્ટ વેળા શંકાસ્પદ રીતે ઘૂસેલા આકીબની અટકાયત

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં તા.૧૮ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાંથી અમદાવાદમાં રહેતો શંકાસ્પદ વેપારી વીવીઆઇપી ગેલેરીમાંથી સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો હતો. આ વેપારીની છેલ્લા દસ દિવસથી ગાંધીનગર પોલીસ અને એટીએસ (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) પૂછપરછ કરી રહી છે. જેમાં તેના દુબઇ, શારજહાં સાથેના કનેક્શન બહાર આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. સુરક્ષા એજન્સીઓએ હવે તપાસનો ધમધમાટ તમામ પાસાઓને ધ્યાનમાં લઇ આગળ ધપાવ્યો છે. વાયબ્રન્ટ સમીટમાં સૌથી મોટા વીવીઆઇપી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ હતા અને તેથી તેમને લઇને આકીબના કોઇ પ્લાનીંગ હતા કે કેમ તેને લઇ પણ તપાસનીશ એજન્સીઓ હવે તપાસનો દોર ચલાવી રહી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના દાણીલીમડામાં રહેતો આકિબ અહેમદ મેમણ એન્ટિક વસ્તુઓનો વેપાર કરે છે. મહાત્મા મંદિરમાં તા.૧૮ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત સમિટના ઉદ્‌ઘાટન પ્રસંગમાં તે વીવીઆઇપી ગેલેરીમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા કરતી એજન્સીએ તેને ઝડપી લીધો હતો. આકિબ મેમણ મહાત્મા મંદિરમાં પ્રથમ માળે ઓમાનનાં ડેલિગેશનની સાથે પ્રવેશ્યો હતો. આકિબ અમદાવાદથી જીજે ૨૭ એએચ- ૭૬૧૮ નંબરની સફેદ રંગની સ્વિફ્‌ટ ડિઝાયર કારમાં ગાંધીનગર આવ્યો હતો અને આ કાર અસલાલીના ઘનશ્યામ એસ્ટેટથી ભાડેથી લીધી હતી. મહાત્મા મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર જ્યાંથી વડાપ્રધાન મોદી સહિત અન્ય દેશોના પ્રતિનિધિઓ પ્રવેશ લે છે, તેની સામે ઉભા રહીને આકિબ મેમણે મહાત્મા મંદિરના ફોટો પાડ્‌યા હતા અને તેના વ્યક્તિને મોકલીને આ ફોટો પરથી તેનો ગોલ્ડ પાસ બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આકિબ પાસે ગોલ્ડ પાસ ઉપરાંત પ્રેસનું કાર્ડ પણ મળી આવ્યું છે. છેલ્લા દસ દિવસથી તેની એટીએસ સહિતની એજન્સીઓ આકિબ મેમણની પૂછપરછ કરી રહી છે. પરંતુ હજી સુધી પોલીસને ધારી સફળતા મળી ન હોવાનું જાણવા મળ્યું છે. આકિબ એન્ટિક વસ્તુઓનો વેપાર કરતો હોવાથી દુબઇ, શારજહાં અને ઓમાન ઉપરાંત પાકિસ્તાનની મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું છે. તેના વેપારને લઇને પણ આ દેશોમાં ગયો હોવાનું કહેવાઇ રહ્યું છે. ઉદ્‌ઘાટનના દિવસે આકિબ બે પાસ લઇને આવ્યો હોવાની સંભાવના છે. પરંતુ તે ઓમાન ડેલિગેશનની સાથે વીવીઆઇપી ગેલેરીમાં પહોંચી ગયો હતો અને ત્યા શંકાસ્પદ હાલતમાં પકડાયો હતો. જો કે, હજુ સુધી આકિબના પાકિસ્તાન સાથે કોઈ તાર સંકળાયેલા હોય તેવુ પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું નથી. આકિબે પ્રેસના કાર્ડ પર મીડિયાની ગેટ-૬ થી જ્યાં એન્ટ્રી છે ત્યાંથી પ્રવેશ મેળવ્યો હતો. ગાંધીનગર પોલીસે જ તેને શંકાસ્પદ હાલતમાં મહાત્મા મંદિરના બહારના ભાગમાંથી પકડ્‌યો હોવાનું ડીએસપીનું કહેવું છે, પરંતુ તેની પાસેથી પાસ ક્યાંથી આવ્યા તેની પૂછપરછ ચાલી રહી છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે, આકિબ ભારતીય નાગરિક છે પરંતુ તેની પાસેથી ગવર્મેન્ટ ઑફ દુબઇનું ડાઇવિંગ લાયસન્સ મળી આવ્યું છે. ઉપરાંત તેની પાસેથી મળી આવેલા ગવર્મેન્ટ ઓફ દુબઇના આઇકાર્ડમાં તે દુબઇની એક ટ્રેડીંગ કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટનો કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ છેલ્લા દસ દિવસથી આકિબની તમામ મુદ્દે પૂછપરછ કરી રહી છે અને કોઇપણ પ્રકારનો ચાન્સ લેવા માંગતી નથી.

Related posts

ચૂંટણી ખર્ચ માટે ભાજપાનો ૨૦૦ કરોડનું ફંડ ઉઘરાવવાનો ટાર્ગેટ

aapnugujarat

મોલ કે શો રૂમમાં છેડતી થશે તો લાઇસન્સ રદ-દંડ કરાશે

aapnugujarat

ડભોઇ નંદોદી ભાગોળ વિસ્તારમાં ૨.૫ લાખની લૂંટ

editor

Leave a Comment

UA-96247877-1