Aapnu Gujarat
ગુજરાત

જન્માષ્ટમી પ્રસંગે શહેરભરમાં શોભાયાત્રા-ધર્મસંમેલન

જન્માષ્ટમી આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે આને લઇને જોરદાર તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. વર્ષ ૧૯૧૭માં પ્રસ્થાપિત ભારત સેવાશ્રમ સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુકત ઉપક્રમે આગામી તા.૩જી સપ્ટેમ્બરના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના તહેવાર નિમિતે શહેરમાં ભવ્ય શોભાયાત્રા અને ધર્મસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સેવાશ્રમ સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સતત ૩૮મા વર્ષે જન્માષ્ટમીની શહેરમાં ભવ્ય શોભાયાત્રા, ધર્મસંમેલન સહિતના ધાર્મિક કાર્યક્રમો મારફતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ભારત સેવાશ્રમ સેવાસંઘના અધ્યક્ષ સ્વામી આત્મભોલાનંદજી, મહામંડલેશ્વર શિવરામદાસજી, ગૌભકત ચૈતન્ય શંભુ મહારાજ સહિત અનેક સંતો-મહંતો, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, વિહિપના ઉત્તર ગુજરાત પ્રાંતના અધ્યક્ષ રાજુભાઇ ઠાકર, પ્રાંત મંત્રી અશ્વિનભાઇ પટેલ સહિતના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેેશે. જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રામાં ગીતાનો કર્મબોધ આપતાં પૂર્ણપુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણની સુદર્શન ચક્રધારી મૂર્તિ, યુગાચાર્ય સ્વામી શ્રી પ્રણવાનંદજી મહારાજના તૈલચિત્રો, હિન્દુ દેવી-દેવતાઓની કલાત્મક તસવીરો, બેન્ડવાજા, સુશોભિત ટ્રકો, અખાડા, ભજનમંડળી સહિતના અનેક આકર્ષણો રહેશે એમ અત્રે ભારત સેવાશ્રમ સંઘના અધ્યક્ષ સ્વામી શ્રી આત્મભોલાનંદજી મહારાજ, વિહિપના મંત્રી શશીકાંત પટેલ અને ઉ.ગુ.ના પ્રાંતમંત્રી અશ્વિનભાઇ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જન્માષ્ટમીના પર્વ નિમિતે શહેરમાં તા.૩જી સપ્ટેમ્બરના રોજ નીકળનારી આ ભવ્ય શોભાયાત્રામાં આ વખતે સૌપ્રથમવાર તેના નિયત રૂટમાં ફેરફાર કરાયો છે. જેને પગલે આ વખતે શોભાયાત્રા બપોરે ૧૧-૩૦વાગ્યે સંસ્થાના સંકુલમાંથી પ્રસ્થાન કરી ઉસ્માનપુરા, વાડજ, રામદેવપીર ટેકરા, અખબારનગર, શાસ્ત્રીનગર, નારણપુરા, ઉસ્માનપુરા થઇ ભારત સેવાશ્રમ સંઘ, આશ્રમરોડ ખાતેના મંદિર પરિસરમાં પરત ફરશે. ભારત સેવાશ્રમ સંઘ, આશ્રમરોડના અધ્યક્ષ સ્વામી આત્મભોલાનંદજી મહારાજ ભગવી ધજા ફરકાવીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવશે. હિન્દુ સમાજને જાગૃત કરવા અને સમાજમાં, રાજયમાં અને રાષ્ટ્રમાં વસુદેવ કુટુંબ્કમ્‌ની ભાવના પ્રબળ બનાવવાના ઉમદા હેતુથી ભારત સેવાશ્રમ સંઘ અને વિહિપ દ્વારા છેલ્લા ૩૭ વર્ષોથી આ ભવ્ય શોભાયાત્રા અને ધર્મસંમેલનનું આયોજન કરાય છે. આ પ્રસંગે કૃષ્ણ, પૂજા, આરતી, વૈદિક વિશ્વશાંતિ યજ્ઞ, ગીતા પાઠ, હિન્દુ ધર્મ શિક્ષા સંસ્કૃતિ સંમેલન સહિતના આધ્યાત્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. જન્માષ્ટમી નિમિતે હજારોની સંખ્યામાં ભાગ લેનાર શ્રધ્ધાળુ જનતા માટે ફરાળી પ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સંસ્થાના સંકુલમાં આશીહારા કરાટે શો, યોગાસન પ્રદર્શન, પ્રણવાનંદ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ દ્વારા સાંજે છ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. ભારત સેવાશ્રમ સંઘના અધ્યક્ષ સ્વામી શ્રી આત્મભોલાનંદજી મહારાજ, વિહિપના મંત્રી શશીકાંત પટેલ અને ઉ.ગુ.ના પ્રાંતમંત્રી અશ્વિનભાઇ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, ભારત સેવાશ્રમ સંઘ ધર્મ, સંસ્કાર, શિક્ષા, જનજાગૃતિ, અસ્પૃશ્યતા નિવારણ, આદિવાસી કલ્યાણ, પરદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર સહિતની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ છેલ્લા ૧૦૨ વર્ષોથી આગળ ધપાવી રહી છે. તા.૩જી સપ્ટેમ્બરે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ નિમિતે સવારે આઠ વાગ્યે શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા, સવારે ૯-૦૦ વાગ્યે વૈદિક શાંતિ યજ્ઞ અને સવારે ૯-૩૦ વાગ્યે ગીતાપાઠ કરાશે. સવારે ૧૦-૩૦ વાગ્યે ધર્મસંમેલન યોજાશે, ત્યારબાદ સવારે ૧૧-૩૦ વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન ભારત સેવાશ્રમ સંઘ, આશ્રમરોડ ખાતેથી થશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી જનતા અને શ્રધ્ધાળુ ભકતો શોભાયાત્રામાં જોડાશે અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ સાથે ઉજવણી કરશે.

Related posts

રાજીનામાનો વિવાદ : આખરે ભરતસિંહનો વિદેશ પ્રવાસ રદ

aapnugujarat

चुनाव की घोषणा हो उसके पहले शहर में ६.५७ करोड़ के लागत कन्टेनर की खरीदी होगी

aapnugujarat

ભાનુશાળી કેસ : મનીષા સહિત ૪ આરોપી ભાગેડુ જાહેર કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1