Aapnu Gujarat
ગુજરાત

બીજા સોમવારે શિવ મંદિરમાં શ્રદ્ધાળુ ઉમટ્યા

દેવાધિદેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર હોઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના શિવાલયો ઓમ નમઃ શિવાય, હર હર શંભુ, બમ્‌ બમ્‌ ભોલેના નાદથી ગુંજી ઉઠયા હતા. તો બાર જયોતિર્લિંગ પૈકીના પ્રથમ જયોતિર્લિંગ એવા સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ સહિતના તીર્થધામોમાં તો, દેવાધિદેવને આજે વિશેષ સાજ-શણગાર કરવામાં આવ્યા હતા અને તેમની ખાસ પૂજા-અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી. શ્રાવણમાસનો આજે બીજો સોમવાર હોઇ શિવભકતોએ ભોળાનાથના દર્શન માટે રીતસરની પડાપડી કરી હતી. સૌરાષ્ટ્રના સોમનાથ મહાદેવ, દ્વારકા પાસેના નાગેશ્વર મહાદેવ, ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ, જૂનાગઢના ભવનાથ મહાદેવ, ભૂલેશ્વર મહાદેવ, વડોદરા નજીકના કાયાવરોહણ સહિતના તીર્થધામોમાં તો, શિવભકતોનું જાણે ઘોડાપૂર ઉમટયું હતું. રાજયભરના શિવાલયોમાં આજે લાખો શ્રધ્ધાળુ ભકતોએ ભોળાનાથને દૂધ-જળ, બિલ્વપત્ર, ધાન્ય, ફળ-ફુલના મહાઅભિષેક કરી પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઇ રાજયભરના શિવાલયોમાં શ્રાવણિયા સોમવાર અને શિવભકિતનો માહોલ છવાયો હતો. શ્રાવણ માસના આજના બીજા સોમવારને લઇ જગપ્રસિધ્ધ સોમનાથ મહાદેવમાં તો આજે દેવાધિદેવ મહાદેવનો રામેશ્વરમ્‌નો અદ્‌ભુત અને નયનરમ્ય શણગાર કરવામાં આવ્યો હતો, જેને લઇને શ્રધ્ધાળુ ભકતોમાં શિવભકિતનો ધોધ વહ્યો હતો. સોમનાથ મહાદેવ મંદિરની બહાર બે કિલોમીટર સુધી લાંબી લાઇનો લગાવી શ્રધ્ધાળુઓ ભોળાનાથ પ્રત્યેની પોતાની શ્રધ્ધા, આસ્થા અને ભકિત પ્રગટ કર્યા હતા. આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર હોઇ વહેલી સવારથી જ અમદાવાદના સુપ્રસિધ્ધ રખિયાલના ચકુડીયા મહાદેવ, રાયપુર ચકલાના ચકુડીયા મહાદેવ, થલતેજ ખાતેના કૈલાસ ટેકરી, સારંગપુરના પ્રાચીન કર્ણમુકતેશ્વર મહાદેવ, બોડકદેવના પારદેશ્વર મહાદેવ, ગાંધીનગરના સુપ્રસિધ્ધ ધોળેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં શ્રધ્ધાળુ ભકતો ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટયા હતા. રાજયભરના શિવાલયો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, મહામત્યુજંય મંત્રના જાપથી ગુંજી ઉઠયા હતા. તો સૌરાષ્ટ્રના જગપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ, દ્વારકા પાસેના નાગેશ્વર મહાદેવ, જૂનાગઢના ભવનાથ મહાદેવ, પાંડવકાળના ભૂલેશ્વર મહાદેવ, વડોદરા નજીકના કાયાવરોહણ સહિતના શિવ મંદિરોમાં પૂજન-અર્ચન, મહાઆરતી, શિવપુરાણ, દૂધ-જળ, ધન-ધાન્યનો અભિષેક કરી શ્રધ્ધાળુઓ શિવભકિતના માહોલમાં મગ્ન બન્યા હતા. કેટલાક પરમ શિવભકતો તો સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન ઉપવાસ, નિર્જળા ઉપવાસ, તપ અને આરાધાન કરતા હોય છે. શિવજીને ભોળાનાથ કહેવાય છે કારણ કે, તે ભોળા દેવ છે, ભકતો પર ખૂબ જલ્દીથી પ્રસન્ન થાય છે. બીજા દેવી-દેવતાઓને રીઝવવા ભારે કષ્ટિ વેઠવી પડે પરંતુ ભોળાનાથ તો, માત્ર એક લોટા જળથી પ્રસન્ન થાય છે અને રીઝી જાય છે. ભોળાનાથ એકમાત્ર એવા દેવ છે જેને તમે ગમે ત્યારે દર્શન માટે ઉઠાડી શકો છો અને ગમે તે સમયે ભકિત કરી શકો છો. શિવાલયમાં કયારયે તાળા નથી હોતા તેનું એ જ કારણ મુખ્ય છે. શાસ્ત્રોમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે સોમવાર શિવજીને અતિપ્રિય વાર છે. આજે શ્રાવણ માસના બીજા સોમવારે શિવાલયોમાં ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના, મહાઆરતી, યજ્ઞ, શિવધૂન, મહાપ્રસાદ સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. શિવાલયો ઓમ નમઃ શિવાય, હર હર શંભુ, બમ બમ ભોલે સહિતના પવિત્ર નાદ, મહામૃત્યુજંય જાપથી ગુંજતા રહ્યા હતા.

Related posts

૭૫ મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી

editor

NDRFની ટીમોને સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં મોકલાઈ

aapnugujarat

बीआरटीएस बस खरीदी मामले में बड़ा घाटोला : ऑडिट रिपोर्ट में खुलासा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1