Aapnu Gujarat
બ્લોગ

પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનું ઢચુંપચું

ગત એપ્રિલ મહિનામાં મહારાષ્ટ્રના બીડ જિલ્લાને પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો અસરકારક અમલ કરવા બદલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં શરૂ કરેલી આ એક મહત્વની યોજના છે. જોકે ગયા અઠવાડિયે અખબારોમાં એવા અહેવાલ છપાયા કે ખેડૂતોને તેમના પાકને થયેલા નુકસાન માટે વીમા યોજના હેઠળ રૂા. ૧, ૨, ૩ અને ૫ના વળતર આપવામાં આવ્યા છે. આ જિલ્લામાં ખેડૂતો પાસેથી પ્રીમિયમ પેટે રૂા. ૫૧.૪૨ લાખના કરવામાં આવેલા કલેક્શન સામે આ વળતર આપવામાં આવ્યું છે.કોલ્હાપુરના ખેડૂતોના યુનિયન સ્વાભિમાની શેતકરી સંગઠનના પ્રવક્તા યોગેશ પાંડેએ એન.ડી.ટીવીને જણાવ્યું હતું કે, વીમા કંપનીઓ નિષ્ફળ ગયેલા પાકના વળતર પેટે વીમા કંપનીઓ અત્યંત નજીવું કહેવાય તેટલું વળતર આપે છે અથવા તો પાક વીમાના નાણાં ચૂકવવામાં અસહ્ય વિલંબે કરે છે.બીડ જિલ્લાના કેજ તાલુકાના ૨૦૦૦થી વધુ ખેડૂતોને પાક વીમાના વળતર પેટે રૂા. ૧ અને ૫ આપવામાં આવ્યા છે. ૭૭૩ ખેડૂતોને તો પાક વીમાના વળતર પેટે માત્ર એક રૂપિયો જ આપવામાં આવ્યો હતો. ૬૬૯ ખેડૂતોને રૂ. ૨ અને ૭૦૨ ખેડૂતોને રૂ. ૪નું વળતર આપવામાં આવ્યું હતું. બીડની જિલ્લા સહકારી બેન્કની શાખાએ તાજેતરમાં જ બહાર પાડેલા આંકડાઓમાં આ વિગતો આપવામાં આવી હતી.છેલ્લા થોડા વરસોથી મહારાષ્ટ્રનું કૃષિક્ષેત્ર ગંભીર કૃષિ કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ વરસે ૧૦૯૨ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. આમ રોજના ૭ ખેડૂતોએ આત્મહત્યા કરેલી છે.કૃષિ મોરચે સૌથી ખરાબ અસરનો બોગ બનેલા મરાઠવાડાના પરભણી જિલ્લામાં ખેડૂતોના સમુહે રસ્તા રોકો આંદોલન કરીને પાક વીમો આપવાની માગણી કરી હતી. મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં જ તેમણે દેખાવો યોજ્યા હતા. પાક વીમાની ચૂકવણીમાં જંગી વિલંબ થયો હોવાથી અને અપૂરતું વળતર આપવામાં આવ્યું હોવાથી રાજ્યના ખેડૂતોમાં હતાશાની લાગણી વ્યાપક બની છે. સતત વધતી રહી છે.૨૦૧૭ની ખરીફ મોસમની વાત કરીએ તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ મૂકવામાં આવેલા ક્લેઈમ પેટે વીમા કંપનીઓએ ખેડૂતોને રૂા.૨૨૬૯ કરોડ ચૂકવવાના હતા તેમ છતાં મે મહિનાની ૧૦મી તારીખ સુધીમાં વીમા કંપનીએ રૂા. ૧૬૫ કરોડ ચૂકવવામાં આવ્યા છે. પાક વીમાના કુલ દાવાઓની તુલનાએ માત્ર ૭.૨ ટકા રકમ જ ચૂકવવામાં આવી છે. જાહેર ક્ષેત્રની કૃષિ વીમાના ક્ષેત્રની કંપનીનું પરફોર્મન્સ આ બાબતમાં સૌથી વધુ કંગાળ રહ્યું હતું. તેણે ૧૮.૭ લાખ ખેડૂતોને રૂા. ૧૦૧૪ કરોડ ચૂકવવાના હતા. મે મહિનાની ૧૦મી તારીખ સુધીમાં આ વીમા કંપનીએ ૪૦ ખેડૂતોને વીમાની રકમ પેટે માત્ર ૯ લાખ ચૂકવ્યા છે.
ગયા વર્ષે ખરીફ મોસમમાં ચોમાસામાં બહુ જ લાંબા સમય સુધી વરસાદ ખેંચાઈ ગયો હતો. પરિણામે ખેડૂતો માટે પાક લેવો બહુ જ કઠિન બની ગયો હતો. તેમાંય વરસાદની અછત હોવાને કારણે પાક લેવામાં મુશ્કેલી પી હતી. તેમ જ જીવાત લાગી જવાને કારણે કપાસની ઉપજમાં અગાઉના વરસની તુલનામાં ૪૦ ટકાનો ઘટાડો થઈ ગયો હતો. ત્યારબાદની રોપણીની મોસમ માટે બિયારણ અને ખાતર સહિતની વસ્તુઓ લેવા માટે ખેડૂતો પાસે પૈસા જ ન હોવાથી તેઓ હતાશ થયા હતા.ખેડૂતોના સમુહે એવો દાવો કર્યો હતો કે જેમને પાક લોન જોઈતી હોય તેમણે સરકારની યોજનામા ભાગ લેવા માટે ફરજિયાત સહી કરવાનીર હેશે. સરકારે તૈયાર કરેલી વિગતોમાં જોવા મળ્યું હતું કે મહારાષ્ટ્રના ૮૧ લાખ ખેડૂતોએ પાક વીમા માટે તેમના નામ રજિસ્ટર કરાવ્યા તા. તેમાંથી ૪૫ લાખ ખેડૂતોને તેનો લાભ મળવો જોઈતો હતો. જોકે માત્ર ૩.૫ લાખ ખેડૂતોને (માત્ર ૮ ટકા ખેડૂત લાભાર્થીઓ) જ પાક વીમાનું વળતર મળ્યું હતું.પાંચમી એપ્રિલે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સંકળાયેલા ખેડૂતોના યુનિયન ભારતીય કિસાન સંઘ (બી.કે.એસ)એ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી ફાઈલ કરી હતી. આ અરજીના માધ્યમતી પાક વીમાની યોજનાની ક્લોઝ ૨ નાબૂદ કરી દેવાની માગણી કરવામાં આવી હતી. આ ક્લોઝને પરિણામે ખેડૂતો માટે પાક વીમો લેવો ફરજિયાત બની જતો હતો. ખેડૂતો કોઈપણ પાક માટે લોન માગે ત્યારે તેમને માટે વીમો લેવો ફરજિયાત બની જતો હતો. ભારતીય કિસાન સંઘની ગુજરાત શાખાના પ્રમુખ વિઠ્ઠલ દૂધાતરાએ હિન્દુ બિઝનેસ લાઈનને જણાવ્યું હતું કે ક્લોઝ ૨ને કારણે લોનની રકમમાંથી પાક વીમાના પ્રીમિયમની રકમ સીધી જ કાપી લેવામાં આવતી હતી. ખેડૂતોને તેની જાણકારી પણ આપવામાં આવતી નહોતી. વીમા કંપનીોના પ્રતિનિધિઓનો તેઓ સંપર્ક જ કરી શકતા નહોતા. પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની આ કલમ ખેડૂતોના હિતવિરોધી હતી. વીમો ફરજિયાત હોઈ જ શકે નહિ.ભારતીય કિસાન સંઘે આ યોજનાને વધુ પારદર્શક કરવાની માગણી કરી તી. તેણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના તેના વર્તમાન સ્વરૃપમાં ખેડૂતોના હિતના વિરોધમાં જઈ રહી છે. આ યોજનાનાના અમલીકરણની ઘણી બાબતો સારી પણ છે. તેમાં -નોટીફાઈડ ક્રોપ- અને -નોટિફાઈડ એરિયા- વિચાર ઘણો સારો છે. જે પાકને નોટિફાય ન કરવામાં આવ્યા હોય તે પાકને વીમા હેઠળ કવચ મલતું નથી. તદુપરાંત ભારતીય કિસાન સંઘે તેની જાહેર હિતની અરજીમાં જણાવ્યું હતું કે વીમા કંપનીઓએ એક્નોલેજમેન્ટના એટલે કે તેમને પ્રીમિયમ મળ્યુ હોવાના કોઈ જ દસ્તાવેજો આપવાના રહેતા નથી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે આ બાબત અંગે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ – કેગ પાસે ઓડિટ કરાવવું જોઈએ.ભારતીય કિસાન સંઘે ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાંથી પ્રીમિયમની રકમ કાપી લેવાના એકપક્ષી નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. આ યોજના સાથે સંકળાયેલી ખાનગી પાર્ટીઓની ભૂમિકા અંગે પણ તેણે આશંકા વ્યક્ત કરી હતી. આ ખાનગી પાર્ટીઓ વિશ્વાસપાત્ર ન હોવાની સંભાવના છે.ભારતીય કિસાન સંઘ દ્વારા ફાઈલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ વીમાનું પ્રીમિયમ ચૂકવવું ફરજિયાત બનાવવામાં આવ્યું હોવાની બાબતને ખેડૂતોના આર્થિક શોષણ તરીકે ઓળખાવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે પાક વીમા સામે ખેડૂતો તેમની જમીન મોર્ટગેજ કરી દેતા હોવાની સ્થિતિમાં તેમને માટે પાક વીમો લેવો ફરજિયાત બનાવવાની જરૂર નથી. આ સાથે જ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનામાં કેટલાક પાકના પ્રીમિયમના ટકા નક્કી ન કરવામાં આવ્યા હોય તે અંગે પ્રવર્તતી અનિશ્ચિતતા તથા પાક અને તેના પર મળતા વીમા આવરણ અંગેની ચોકસાઈના અભાવની આકરી ટીકા કરી હતી. જાહેર હિતની અરજીમાં ફિલ્ડ સર્વે કરવાની જોગવાઈ ન હોવાની બાબત સામે પણ સવાલ ઊઠાવવામાં આવ્યો હતો. વીમાની પોલીસીઓ ઇશ્યૂ કરતી વખતે તેમણે ફિલ્ડ સર્વે તો ફરજિયાત કરવો જ જોઈએ તેવી બીકેએસની લાગણી હતી.જાહેર હિતની અરજીમાં પૂર પછી પાકને થતાં નુકસાન નક્કી કરવાની બાબતમાં જોવા મળતી આંટીઘૂંટીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વીમાની રકમ ચૂકવવા માટે ખેડૂતો દ્વારા દાવાઓ મૂકવામાં આવે ત્યાં સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેયર પહોંચતા પણ નથી.પ્રધાનમંત્રી પાક વીમા યોજના ૨૦, એપ્રિલ ૨૦૧૬થી અમલમાં મૂકવામાં આવી છે. પાક નિષ્ફળ જાય તેવા સંજોગોમાં ખેડૂતોને વીમો મળી રહે તેવા ઇરાદાથી આ યોજના ચાલુ કરવામાં આવી હતી.
આ યોજના હેઠળ જે તે ખેતરમાં છેલ્લા સાત વર્ષ દરમિયાન થયેલા સરેરાશ પાક અને વાસ્તવમાં આ વરસે થયેલા ઉપજ વચ્ચેના ગાળાની રકમની ચૂકવણી કરવાની હતી.નાણાં સંસ્થાઓ પાસેથી લોન લેવા માગતા તમામ ખેડૂતો માટે આ યોજનામાં ભાગ લેવો ફરજિયાત છે. નોટિફાય કરેલા પાક માટે નુકસાનીનું જોખમ કેટલું છે તેને આધારે તેને કેટલું વળતર આપવું તે નક્કી કરવામાં આવે છે. આ યોજનામાં લણણી પછીને બે અઠવાડિયા સુધી થયેલા નુકસાનને પણ આવરી લેવામાં આવે છે. તેવી જ રીતે દુષ્કાળ,પૂર અને કરાં પડવાને કારણે જનારા નુકસાનને પણ તેમાં આવરી લેવામાં આવે છે.આ યોજના શરૂ કરવા પાછળનો મૂળભૂત ઉદ્દેશ જૂની પાક વીમા યોજનામાંની ક્ષતિઓને સુધારી લેવાનો હતો. નેશનલ એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ સ્કીમ ૧૯૯૯માં જૂની પાક વીમા યોજના ચાલુ કરવામાં આવી હતી. ૨૦૧૧ની સાલમાં નેશનલ એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ સ્કીમમાં સુધારાઓક ર્યા પછીય તેમાં રહી ગયેલી ક્ષતિ રહી ગઈ હતી. ૨૦૧૧ની યોજનામાં મર્યાદિત જોખમને કવર કરવામાં આવતું હતું. ખેડૂતો દ્વારા ચૂકવવામાં આવતા પ્રીમિયમ પર કોઈ જ અપર લિમિટ મૂકવામાં આવેલી નહોતી. તેવીજ રીતે સરકાર દ્વારા ચૂકવવામાં આવતા પ્રીમિયમના હિસ્સાની પણ મર્યાદા બાંધવામાં આવી નહોતી.
હેક્ટર દીઠ નક્કી કરવામાં આવેલી વીમાની રકમ પાક વીમા અંગેની જિલ્લા અને રાજ્ય સ્તરની કમિટી દ્વારા નક્કી કરવામાં આવતી હતી.રાજ્ય સરકારો દ્વારા વીમાના પ્રીમિયમ ચૂકવવામાં કરવામાં આવતા વિલંબને પરિણો આ યોજના તકલીફમાં આવી હતી. તેની સાથે જ પાકને નુકસાન થાય ત્યારે તેની પૂરતી આકારણી કરવાની સિસ્ટમ ખતમ થઈ જતાં સમસ્યા વધુ તીવ્ર બની હતી. આ યોજના અંગેની માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર ફેબ્રુઆરી સુધીમાં આ વીમા યોજના માટે બીડ મંગાવવા બંધાયેલી છે. વીમા યોજનામાં ભાગ લેવા માટે કંપનીઓને પસંદ કરવા માટે બીડ મંગાવવામાં આવે છે. આ માટે નોટિફિકેશન પણ બહાર પાડવાના હોય છે.
માર્ચ મહિનામાં ખરીફ પાક માટે અને સપ્ટેમ્બર મહિનામાં રવી પાક માટે નોટિફિકેશન બહાર પાડવાના હોય છે.તેમાં પાક, કંપનીના નામ, સરેરાશ ઉપજ, વાસ્તવિક પ્રીમિયમ સહિતની તમામ વિગતો આપવાની હોય છે. આ માટે પ્રીમિયમ ભરવાની ખેડૂતો માટેની ડેડલાઈન ૩૧મી જુલાઈની રાખવામાં આવે છે. રવી પાકની વીમામાં આ ડેડલાઈન ૩૧મી ડિસેમ્બરની હોય છે.ખરીફ પાકના વીમા માટે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અને રવી પાકના વીમા માટે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારોએ વીમાના પ્રીમિયમનો આરંભિક હપ્તો ચૂકવી દેવાનો હોય છે. ત્યારબાદ બાકી રહેતા પ્રીમિયમનો ૫૦ ટકા હિસ્સો ખરીફ પાક માટે નવેમ્બર ડિસેમ્બરમાં અને રવી પાક માટે એપ્રિલ મે મહિનામાં ચૂકવી દેવાનો હોય છે. આ સમયે તેમણે દરેક ગામમાં, તાલુકામાં અને જિલ્લામાં જઈને ચોક્કસ સંખ્યામાં ખેતરોમા જઈને ક્રોપ કટિંગના અખતરાઓ કરવાના હોય છે. પાકની લણણી થઈ જાય તે પછી તેની વિગતો આપવાની હોય છે. વીમા કંપનીઓએ તેનું પ્રોસેસિંગ કરીને ત્રણ જ અઠવાડિયામાં વીમા ક્લેઈમના નાણાં ચૂકવી આપવાના હોય છે.જોકે નક્કી કરી આપવામાં આવેલી આ તારીખોનું જવલ્લે જ પાલન કરવામાં આવે છે. ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં ખરીફ પાક અંગેનું નોટિફિકેશન જ ૨૨મી જુલાઈ ૨૦૧૭ના બહાર પાડવામાં આવ્યું હતું. ૨૨મી જુલાઈ સુધીમાં વાવણીનું મોટાભાગનું કામ પૂરું થઈ ગયું હોય છે.
રાજસ્થાનમાં રાયડાનો પાક મુખ્યત્વે લેવામાં આવે છે તેની વાવણી કરી જ દેવામાં આવે ત્યાં સુધીમાં આ નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે. રવી મોસમ માટે ત્રીજી નવેમ્બર ૨૦૧૭ના નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. ૨૦૧૮ની સાલની ખરીફ મોસમમાં પણ મોટાભાગના રાજ્યોએ નોટિફિકેશન મોડા બહાર પાડ્યા હતા. તેને પરિણામે સંખ્યાબંધ ખેડૂતો તેમના પાક માટે વીમો લઈ શક્યા નહોતા.રાષ્ટ્રીય સ્તરે પાક વીમાના ચૂકવવામાં આવેલા નાણાંને જોયા પછી ફૂલગુલાબી ચિત્ર ઉપસતું નથી. ૨૦૧૭-૧૮ના વર્ષના ખરીફ પાક માટે પ્રીમિયમ તરીકે રૂા. ૧૯૦૦૦ કરોડ એકત્રિત કરવામાં આવ્યા હતા. તેની સામે ક્લેઈમ રૃા.૧૩,૬૫૫ કરોડના મૂકવામાં આવ્યા હતા. ખરીફ પાક લેવાઈ ગયાના ચાર મહિના પછી ક્લેઈમ સામે માત્ર રૂા. ૪૦૨ કરોડની જ ચૂકવણી કરવામાં આવી હતી.સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટે તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં સરવે કર્યા હતા. તેમણે ખેડૂતો સાથે આ મુદ્દે વાતચીત પણ કરી હતી. સરકાર અને વીમા કંપનીઓ સાથે પણ મસલત કરી હતી. આ ચર્ચા દરમિયાન તેમને પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો જે રીતે અમલ થઈ રહ્યો છે તેની સામે ઘણી તકલીફો જોવા મળી હતી. સૌ પ્રથમ તો તેમને જાણવા મળ્યું હતું કે પાક નિષ્ફળ જવાની બાબતનો સરવે અપૂરતો કરવામાં આવ્યો હતો અથવા તો સરવે કરવામાં જ આવ્યો નહોતો. પાકની નુકસાની નક્કી કરવા માટે નિયુક્ત કરાયેલા સર્વેયરને બરાબર તાલીમ આપવામાં આવેલી નહોતી. તેઓ એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં નહોતા તેમ જ તેઓ ભ્રષ્ટ હોવાનું પણ ઘણી જગ્યાએ જોવા મળ્યું હતું.પ્રીમિયમની ચૂકવણી કરવા માટેના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાંય ૨૦૧૬ની ખરીફ મોસમમાં દેશભરમાં એક્ચ્યુરિયલ રેટ ૧૨.૬ ટકા રહ્યા હતા. એક્ચ્યુરિયલ રેટમાં ભવિષ્યમાં થનારા નુકસાનને આધારે નક્કી કરવામાં આવે છે. ગુજરાતમાં એક્ચ્યુરિયલ રેટ ૨૦.૫ ટકા અને રાજસ્થાનમાં ૧૯.૯ ટકા તથા મહારાષ્ટ્રમાં ૧૮.૯ ટકા હતો. તેથી ખરીફ ૨૦૧૬માં વીમા કંપનીઓએ રૂા. ૧૦૦૦૦ કરોડનો જંગી નફો કર્યો હતો.
તદુપરાંત જે ખેડૂતોએ લોન લીધી હોય તેમને જ પાક વીમાનો લાભ આપવામાં આવ્યો હતો. જે ખેડૂતોએ લોન નહોતી લીધી અને તેમ છતાંય પાક વીમાની યોજનાનો ઉપયોગ કર્યો હોય તેવા ખેડૂતોનું પ્રમાણ ૫ ટકાથી પણ ઓછું હતું. ભાગે ખેતી કરનારા (ભાડે લઈને ખેતી કરનારાઓ સહિત)ના ખેડૂતોને વીમા કવચનો લાભ આપવામાં આવ્યો નહોતો.પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની સમસ્યાઓમાં અપૂરતા વીમા કવચ, વળતર આપવામાં થતો વિલંબ, ખેડૂતોને અપાતું અપૂરતું વળતર ખાસ ધ્યાન ખેંચે તેવી છે. પરિણામે કફોડી સ્થિતિમાં મૂકાયેલા ખેડૂતો પાસે બહુ જ સીમિત પસંદગી રહી ગઈ છે. તેથી તેમણે નાણાં સંસ્થાઓને બદલે શાહુકારો જેવા નાણાંનો ધીરધાર કરનારાઓ પર મદાર બાંધવો પડી રહ્યો છે.

Related posts

કોરોનાનું ત્રીજું સ્પાઈક મ્યુટેશન પહેલાથી વધુ શક્તિશાળી

editor

ચીન પર પરાધીનતા અને બહિષ્કારની રાજનીતિ !

editor

સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પણ રાજકારણ પ્રેરિત ભાષણ કેટલું યોગ્ય…!!?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1