Aapnu Gujarat
બ્લોગ

દારૂબંધી નીતિનાં સકારાત્મક પરિણામો મળ્યાં નથી

ગુજરાત હાઈકોર્ટનું માનવું છે કે રાજ્યમાં દારૂબંધી નીતિનાં સકારાત્મક પરિણામો મળ્યાં નથી. એનું કારણ એ છે કે કાં તો નીતિ અસરકારક નથી અથવા કાયદાનો અમલ કરાવવામાં કંઈક ખોટું થયું છે.ગુજરાત હાઈકોર્ટે આવું અનુમાન વ્યક્ત કરવા સાથે કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે કે હવે સમય આવી ગયો છે કે સરકાર દમણનો કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો રદ કરે અને એને ગુજરાતમાં ભેળવી દે. તો જ દારૂબંધી કાયદાના અમલ અસરકારક બનશે.ગુજરાત રાજ્યમાં છેક ૧૯૬૦ની સાલથી દારૂબંધી અમલમાં છે.ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલાએ તાજેતરમાં આપેલા એક ચુકાદામાં એવું અનુમાન વ્યક્ત કર્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી નીતિનાં સકારાત્મક પરિણામો આવ્યા નથી. કાં તો આ નીતિ અસરકારક નથી અથવા તો કાયદાની અમલબજાવણીમાં કંઈક ખોટું થયું છે.દમણના પરવાનાધારક દારૂના વેપારીઓએ નોંધાવેલી પીટિશન્સના સમૂહને નકારી કાઢતી વખતે કોર્ટે ઉપર મુજબ જણાવ્યું હતું. દમણના એ વેપારીઓની માગણી હતી કે ગુજરાત પોલીસે એમની સામે નોંધેલી એફઆઈઆર રદ કરવામાં આવે. ગુજરાત પોલીસે રાજ્યમાં બોમ્બે પ્રોહિબિશન એક્ટ હેઠળ કેટલાક લોકોની દારૂ સાથે ધરપકડ કરી હતી અને પોલીસે કોર્ટમાં એમને સપ્લાયર્સ તરીકે ઓળખાવ્યા હતા.ન્યાયમૂર્તિ પારડીવાલાએ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે હું એ હકીકતની ન્યાયિક નોંધ લઉં છું કે ગુજરાત રાજ્યમાં દારૂબંધી નીતિનાં સકારાત્મક પરિણામો આવ્યા નથી. તમને દારૂ કોઈ જાહેર રસ્તા ઉપર કદાચ ભલે નહીં મળે, પરંતુ અત્યાર સુધીમાં ગુજરાતની જુદી જુદી અદાલતોમાં એવા અનેક કેસો નોંધાયા છે, અને પેન્ડિંગ પણ છે, જેના પરથી સાબિત થાય છે કે રાજ્યમાં દારૂબંધી નીતિ અસરકારક રહી નથી અથવા તો એની અમલબજાવણીમાં કંઈક ખોટું થયું છે.ન્યાયમૂર્તિ પારડીવાલાએ વધુમાં કહ્યું કે, ગુજરાત રાજ્યમાં ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૭ના દિવસ સુધીમાં કુલ ૩,૯૯,૨૨૧ કેસો પેન્ડિંગ હતા, એમાંના ૫૫,૬૪૫ કેસો બોમ્બે પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધવામાં આવેલા છે. ગુજરાતમાં દારૂબંધી નીતિ સફળ થઈ નથી એનું કારણ એ છે કે ગુજરાતમાં એવા ઘણા એન્ટ્રી પોઈન્ટ્‌સ છે જે મારફત રાજ્યમાં દારૂ સહેલાઈથી લાવી શકાય છે.દમણ એવું સ્થળ છે જ્યાં દારૂ પુષ્કળ પ્રમાણમાં અને મોટા જથ્થામાં ઉપલબ્ધ છે. ત્યાંથી દારૂ ગેરકાયદેસર રીતે ગુજરાતમાં લાવવામાં આવે છે, એવી નોંધ પણ ન્યાયમૂર્તિ પારડીવાલાએ લીધી છે.કોર્ટે વધુમાં એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે હવે સમય આવી ગયો છે કે કેન્દ્ર સરકારે દમણને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકેનો દરજ્જો રદ કરવો જોઈએ અને એને ગુજરાતમાં ભેળવી દેવું જોઈએ જેથી દારૂબંધી કાયદો ત્યાં પણ લાગુ થઈ શકે. આ નિર્ણય કેન્દ્ર સરકારે લેવાનો છે. મોડું થઈ જાય એની પહેલાં નિર્ણય લઈ લેવો જોઈએ.સંપૂર્ણ દારૂબંધી ધરાવતા ગુજરાત રાજ્યમાં સરકારે જાન્યુઆરીથી માર્ચ-૨૦૧૮ સુધીમાં દારૂ સંબંધી કુલ ૪૮,૨૭૩ કેસ કરીને કુલ ૧,૯૫,૫૩૬ લિટર દેશી દારૂ અને ૨૧,૨૭,૯૯૬ વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે.એટલે કે,ભાજપ સરકારે રાજ્યમાં કડકમાં કડક કાયડો કરવા છતાં દારૂ અંગે દર મહીને સરેરાશ ૧૬૦૯૧ કેસ કરવા સાથે સરેરાશ ૭,૦૯૩૩૨ બોટલ વિદેશી દારૂ પકડાય છે.જયારે રાજ્યમાં છેલ્લા બે મહિનામાં જ રૂપિયા ૨૩ કરોડનો વિદેશી અને રૂપિયા ૨૩ લાખનો દેશી દારૂ પકડવામાં આવ્યો છે.તેના કારણે સરકારના ચુસ્ત દારૂબંધીના દાવા સામે દર મહીને સરેરાશ ૧૧.૫૦ કરોડનો વિદેશી દારૂ તેમજ ૧૧.૫૦ લાખનો દેશી દારૂ પણ પકડાય છે.ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, સરકારની દ્રઢ ઇચ્છાશક્તિ તથા સ્ટેટ મેનોટરીંગ સેલની અસરકારક કામગીરીના પરિણામે દેશી તથા વિદેશી દારૂના ગુનાઓમાં વર્ષ ૨૦૧૬ની સામે વર્ષ-૨૦૧૭માં ૪૮ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે.ગુજરાતમાં વર્ષ ૨૦૧૬માં દેશી દારૂ સંબંધી ૧,૫૩,૧૫૬ ગુનાઓ નોંધાયા હતા.પરંતુ રાજ્ય સરકારે નશાબંધીના કાયદામાં ત્રણ ગણો વધારો કરીને કાયદો વધુ કડક બનાવતા વર્ષ ૨૦૧૭માં દેશી-વિદેશી દારૂ સંબંધી ગુનાઓની સંખ્યા ઘટીને ૭૯,૫૫૮ થઈ છે.એટલે કે, આ ગુનાઓમાં ૪૮ ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.તેમણે વધુ માહિતી આપતા કહ્યું છે કે,રાજ્યમાં જાન્યુઆરીથી માર્ચ-૨૦૧૮ સુધીમાં દારૂ સંબંધી કુલ ૪૮,૨૭૩ કેસ કરીને કુલ ૧,૯૫,૫૩૬ લિટર દેશી દારૂ અને ૨૧,૨૭,૯૯૬ વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે.જયારે રાજ્યમાં ચાલુ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં અંદાજે રૂપિયા ૨૩ કરોડનો વિદેશી અને રૂપિયા ૨૩ લાખનો દેશી દારૂ પકડવામાં આવ્યો છે. જેમાં કુલ ૧૭,૨૪૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.જેમાં ૧૮૫૦ વાહન કબ્જે લેવામાં આવ્યા છે.આ ઉપરાંત જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં જુગારના કુલ ૧૮૩૭ કેસ કરી ૭૬૭૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.તો છેલ્લાં ૩ માસમાં કુલ ૫૮૯૮ ઈસમો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ અટકાયતી પગલાં લેવા સાથે ૫૨૫ વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરવામાં આવી છે.દારૂબંધીના કાયદામાં થયેલા ફેરફાર બાદ રાજ્ય પોલીસ દ્વારા અંદાજે કુલ ૧૦ હજાર વાહનો જપ્ત કરવામાં આવ્યા છે જે પૈકી ૬,૦૦૦ જેટલા વાહનો હજુ પણ પોલીસ જપ્તી હેઠળ છે. જે ૪,૦૦૦ જેટલાં વાહનો છોડવા નીચલી અદાલતો દ્વારા હુકમ થયા છે.તે હુકમો સામે પણ ઉપરની અદાલતમાં અપીલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.પોલીસ મહાનિર્દેશક દ્વારા નવતર પ્રયાસના ભાગરૂપે દારૂ/જુગારની પ્રવૃત્તિને બંધ કરાવવા માટે છેલ્લા એક માસમાં બે વખત આ હેતુની સ્પેશલ ડ્રાઇવ પણ કરવામાં આવી છે. જેમાં તા.૧૦/૦૩/૧૮ થી તા. ૧૬/૦૩/૧૮ સુધી એક સપ્તાહની ડ્રાઇવ દરમિયાન કુલ ૯૫૦ કેસો કરી ૭૫૪ આરોપીઓની ધરપકડ સાથે રૂપિયા ૨.૮૫ કરોડની કિંમતનો વિદેશી દારૂ અને ૨૭ હજાર લીટર દેશી દારૂ પકડવામાં આવ્યો છે. આ જ ડ્રાઇવ દરમ્યાન જુગારના ૩૮૪ કેસો સામે કુલ ૧૪૨૫ આરોપીઓની ધરપકડ કરી રૂપિયા ૧૫ કરોડની કિંમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.૧૯૬૦માં ગુજરાત રાજય મુંબઈથી અલગ થયુ ત્યારે આપણે સ્વૈચ્છીક રીતે દારૂબંધી સ્વીકારી હતી, છતાં ૧૯૬૦થી હમણાં સુધી ગુજરાતના કોઈ દારૂડીયાએ બુમ પાડી નથી કે દારૂ મળતો નથી, કદાચ ગુજરાતના કોઈ ગામડામાં કોઈ મહિલાને પાણી લેવા માટે માઈલો સુધી ચાલવુ પડે, પણ દારૂ પીનારને તો પાણી કરતા પણ નજીકમાં દારૂ મળી જાય છે. આવુ કેમ થાય છે તેની માટે મને લાગે છે કે ૧૯૬૦થી આપણે ગાંધીના ગુજરાતના નામે દંભ કરતા આવ્યા છીએ, ગુજરાતમાં દર દસમાંથી છ માણસ દારૂ પીવે છે, છતાં જયારે દારૂની વાત નિકળે ત્યારે દારૂ પીને સે લીવર ખરાબ હો જાતા હૈ, તેવો અમિતાભ બચ્ચન જેવો ડાયલોગ બોલે છે. કેટલાંક નાકના ટેરવા ચડાવે તો, કેટલાંક દારૂની કારણે થઈ રહેલા નુકશાન ઉપર લેકચર આપે, જયારે કોઈ દારૂ પીનારને તમે કહો કે ભાઈ તુ પોતે તો રોજ દારૂ પીવે છે, પછી મગજનું દહી શુ કામ કરે છે ત્યારે તે કહે હું માત્ર બે પેગ જ લઉ છુ બે પેગ તો શરીર માટે સારા. આપણે ગુજરાતમાં હેલ્થ કોન્સીયશ લોકોની સંખ્યા વધારે છે.
ગુજરાત સરકારનું નશાબંધી ખાતુ દારૂ પીવા માટે જે પરમીટ આપે છે, તેનું નામ પણ બદલી હેલ્થ પરમીટ કરી નાખ્યુ છે.આમ પ્રજા સરકારને મુર્ખ બનાવે અને સરકાર પ્રજાને મુર્ખ બનાવે. પ્રજાને દારૂ પીવો છે અને સરકારને દારૂ વેચવા દેવો પડે તેના પોતાના અલગ કારણો છે.ગુજરાતમાં બે નંબરમાં વેચાતા દારૂની પોતાનું એક અલગ આર્થિક વ્યવસ્થા તંત્ર છે, જે તંત્રમાં પોલીસ, સ્થાનિક નેતા બુટલેગર , દારૂ અને સચિવાલયના તેમજ દારૂ પીનારના તાર એવી રીતે જોડાયેલા છે કે તેને કઈ રીતે અલગ કરવા તે કહેવુ મુશ્કેલ છે. દારૂના ધંધાનું ટન ઓવર બીજા કોઈ પણ ધંધા કરતા મોટુ અને ખુબ જ ફાસ્ટ છે, એક વાત નક્કી છે કે જો કોઈ રાજય સરકાર ના ઈચ્છે તો દારૂ વેચવો લગભગ મુશ્કેલ થઈ જાય , પણ સરકાર પણ લાચાર હોય છે કારણ કે આપણા મતથી ચુટાઈ આવે છે,અને આપણે કોને મત આપવો તે હજી રાજયના ઘણા વિસ્તાર બુટલેગર નક્કી કરતા હોય છે, કારણ ગરીબીમાં જીવતા લોકો માટે તે સ્થાનિક બુટલેગર જ તેમની સરકાર અને માઈ-બાપ હોય છે. બુટલેગરની સ્થાનિક લોકો ઉપર પક્કડ હોવાને કારણે સ્થાનિક નેતાઓને બુટલેગર સાથે હાથ મીલાવવો પડે છે, કારણ ચુંટણી વખતે માત્ર એક બુટલેગરને હાથમાં લેવામાં આવે તો પાંચ-દસ હજાર મતનું ગોઠવાઈ જાય છે. જો નેતાઓ જે સરકારનો ભાગ છે તેમની ઈચ્છા જ દારૂ વેચવા દેવાની હોય તો પોલીસને તો વહેતી ગંગામાં હાથ ધોવા જેવુ પવિત્ર કામ કરવાનું છે.બીજી તરફ જયા વધુ દારૂ વેચાય ત્યાં પોસ્ટીંગ લેવા માટે પોલીસ ઈન્સપેકટરને વધુ પૈસા આપવા પડે, હમણાં ગુજરાતના કેટલાંય પોલીસ સ્ટેશનનો ભાવ દસથી વીસ લાખ રૂપિયા ચાલે છે. આ એક પાછુ અલગ અર્થતંત્ર છે, જેમાં નેતાથી લઈ ડીજીપી ઓફિસ સુધી બધાની ગોઠવણ હોય છે. હવે જે પોલીસ ઈન્સપેકટર પૈસા ખર્ચી પોસ્ટીંગ લેતો હોય તો દારૂ તો વેચવા દેવો જ પડે નહીંતર રીકવરી કેવી રીતે કરવી. હવે ઈન્સપેકટરથી લઈ ડીએસપી સુધી ટેન્ડર સીસ્ટમ પણ શરૂ થઈ છે જે વધુ ભાવ બોલે તેને પોસ્ટીંગ આપવામાં આવે છે. કેટલાંક પોલીસ અધિકારીઓ દારૂ પીનાર વ્યકિતઓ સામે પોતાની નારાજગી વ્યકત કરે છે, પણ તેમને બુટલેગર પાસેથી દારૂના પૈસા લેવામાં સંકોચ થતો નથી.થોડા મહિના પહેલા એક ડીએસપી એક સરહદી જિલ્લામાં ૭૫ લાખ રૂપિયા જેવી માતબર રકમ ચુકવી પોસ્ટીંગ લીધા હોવાની પણ ચર્ચા છે. હવે આવી સ્થિતિમાં તમે કઈ રીતે દારૂબંધીનો અમલ કરી શકો, જયારે લઠ્ઠકાંડ થાય અથવા દારૂ અંગે હોબાળો થાય ત્યારે સિનિયર પોલીસ અધિકારીઓ અને રાજય સરકાર તરત કહે બતાવો દારૂ કયાં વેચાય છે., અરે કેડમાં છોકરા જેવો ઘાટ છે દારૂ કયાં મળતો નથી તે પ્રશ્ન છે.છતાં દરેક વખતે હોબાળા પછી પોલીસ એકાદ બે સ્થળે દરોડા પાડે , થોડા દિવસ અડ્ડાઓ બંધ થાય પછી બીજા નવા સ્થળે અડ્ડો શરૂ થઈ જાય, પ્રજા-પોલીસ અને સરકાર ત્રણેને આ નાટક કરવામી મઝા આવે છે અને નાટક ફાવી પણ ગયુ છે.ગુજરાતમાં ભલે કહેવાતી દારૂબંધી હોય પણ તેના ફાયદાઓ પણ છે, અહિયા તમામ દારૂડીયાઓને દારૂ તો સંતાઈને જ પીવો પડે છે. તેમને કાયદાનો નહીં, પણ પોલીસના તોડ અને તેની કહેવાતી સામાજીક પ્રતિષ્ઠાની ચીંતા હોય છે.
દારૂબંધી હોવાને કારણે દારૂ પીનાર સતત પડોશીને પણ પોતે દારૂ પીવે છે તેની ખબર પડે નહીં તેની કાળજી રાખે છે. તેના કારણે હજી ગુજરાતમાં મોડે સુધી એકલી નિકળતી મહિલાઓને છેડતીનું પ્રમાણ ખુબ જ ઓછુ છે.હજી ગુજરાતમાં દારૂને સામાજીક સ્વીકાર્યતા મળી નથી, કેટલીક કોમમાં દારૂ પીવો સહજ બાબત હોવા છતાં તે કોમની સ્ત્રીઓ દારૂને તો ધીક્કારે જ છે., પણ દારૂબંધી હોવાને કારણે દારૂ પીનારની કેટલીક સમસ્યા પણ છે,. ઘી કરતા મોઘો દારૂ વધે તો તેને રાખવો કયાં તે એક સમસ્યા હોય છે,. નશો થઈ ગયા પછી પણ તે ઢોળી દેવાય નહીં તો રાખવો કયા તેના કરતા પેટમાં રેડી દેવો સારો પછી ભલે લીવર જવાબ આપી દે. જયા દારૂબંધી નથી તેવા રાજય કરતા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લીવર ફેઈલીયોરને કારણે મૃત્યુ પામનારની સંખ્યા ખુબ જ મોટી છે, ગુજરાતમાં દર વર્ષે દારૂને કારણે લીવર ખરાબ કરી મૃત્યુ પામનારનો સરકારી આંકડો એક હજારનો છે.વાત લઠ્ઠાકાંડની આપણી કહેવાતી દારૂબંધી જ લઠ્ઠાકાંડ માટે જવાબદાર છે, ગુજરાતને અડીને આવેલા કેન્દ્ર શાશીત પ્રદેશ દિવ અને દમણમાં હજી એક પણ વખત લઠ્ઠાકાંડ થયો નથી, તેનો અર્થ એક તરફ આપણે દારૂબંધીનો કડક અમલ કરી શકતા નથી, બીજી તરફ કહેવાતી દારૂબંધીને કારણે સસ્તો અને હલકો દારૂ પી લોકો મરી રહ્યા છે તેમને બચાવી શકતા નથી. હાલમાં જે કાયદો છે તે પ્રમાણે દારૂ વેચવો-રાખવો અને પીવો તે ગુનો છે, પણ જો તમે લઠાકાંડમાં સસ્તો દારૂ પી મરી જાવ તો સરકાર તમને વળતર ચુકવે છે. આ જરા વિચિત્ર લાગતી વાત છે. આવતીકાલે સીસ્ટમથી નારાજ કોઈ યુવક નકસલ અથવા ત્રાસવાદી થઈ જાય અને પછી તે પોલીસ સાથે અથડામણમાં માર્યો જાય તો બીચ્ચારો દુખી અને ગરીબ હતો તેમ કહી રાજય તેને વળતર ચુકવશે તેના જેવી વાત છે. છતાં મતનું રાજકારણ ચાલે છે તેની મારે અને તમારે કિમંત ચુકવવી જ પડશે

Related posts

પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનું ઢચુંપચું

aapnugujarat

યુપી-બિહારમાં યાદવ-દલિત-મુસ્લિમ ધરીને તોડવાની ભાજપની કોશિશ

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર : લોકનેતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1