Aapnu Gujarat
ગુજરાત

સાબરમતી પોલીસ સ્ટેશનમાં આરોપીને ઢોર માર મરાતા સનસનાટી

શહેરના સાબરમતી પોલીસમથકમાં છારાનગરના એક બુટલેગર આરોપીને સાબરમતી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં ફરજ બજાવતાં પીએસઆઇ અને બે કોન્સ્ટેબલોએ એટલી હદે ઢોર માર માર્યો હતો કે, આરોપી બુટલેગર પોલીસ સ્ટેશનની બહાર જ બેભાન થઇ ઢળી પડયો હતો, તેની તબિયત જોરદાર રીતે લથડતાં પોલીસ ગભરાઇ ગઇ હતી અને તેને તાત્કાલિક પોલીસની જીપમાં જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની વિગત એવી છે કે, સાબરમતી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના જવાનોને ગઇકાલે બાતમી મળી હતી કે, કાળીગામ વિસ્તારમાં છારાનગરમાં રહેતો સુનીલ છારા નામનો બુટલેગર કલોલની આસપાસના ગામડાઓમાં દેશી દારૂ લેવા ગયો છે. જેથી ડી સ્ટાફના માણસોએ ચેનપુર ફાટકથી ખોડિયાર મંદિર ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન એકટીવા પર સુનીલ છારા અન્ય એક શખ્સ સાથે દારૂના જથ્થા સાથે ચેનપુર તરફથી આવતાં પોલીસે આંતરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસને જોઇ ગભરાઇ ગયેલો સુનીલ છારાએ પોતાનું એકટીવા ભગાવી મૂકયું હતું અને ન્યુ રાણીપના નવા ઓવરબ્રીજ પાસે પોતાનું એકટીવા મૂકી નાસી છૂટયો હતો. પોલીસે એકટીવામાંથી ૧૦૦ લિટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. દરમ્યાન આજે પોલીસે તેને આ કેસમાં આખરે ઝડપી લીધો હતો અને તેને ઉઠાવી સાબરમતી પોલીસમથકે લઇ આવી હતી. ડી સ્ટાફમાં ફરજ બજાવતાં પીએસઆઇ અને બે કોન્સ્ટેબલોએ આરોપી સુનીલ છારાને પેટમાં, પેશાબના ભાગ સહિતના શરીરના જુદા જુદા અંગોએ લાતો અને બેરહમીથી ઢોર માર માર્યો હતો. પોલીસે આરોપીને એટલી હદે ઢોર માર માર્યો હતો કે, તે રીતસરનો ઢળી પડયો હતો અને બેભાન થઇ ગયો હતો. તેની તબિયત ગંભીર રીતે લથડી જતાં પોલીસ પણ એક તબક્કે ગભરાઇ ગઇ હતી. બીજીબાજુ, આરોપીના પરિવારજનો પોલીસમથકે દોડી આવ્યા હતા અને તેને અમાનવીય રીતે ઢોર માર મારેલો જોઇ અને તેની તબિયત લથડેલી જોઇ તેઓએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. વાત વધુ વણસતાં આખરે પોલીસે આરોપી સુનીલ છારાને તેમની પોલીસ જીપમાં જ સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાની ફરજ પડી હતી. જો કે, તેના પરિવારજનોએ આ સમગ્ર મામલામાં જવાબદાર પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા ઉચ્ચ કક્ષાએ માંગ કરી છે.

Related posts

13 जून को टकराएगा ‘वायु’ गुजरात के तट से

aapnugujarat

गुजरात बीजेपी अध्यक्ष जीतू वघानी का बेटा फेल, तीन साल का बैन

aapnugujarat

અમ્યુકો કચેરીમાં બાઉન્સરો તૈનાત કરાતાં જોરદાર વિવાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1