Aapnu Gujarat
ગુજરાત

ગોતા બ્રિજ પર સ્કૂલવાન કાર સાથે ટકરાઈ ગઈ : વિદ્યાર્થીઓનો બચાવ

શહેરમાં બેફામ ડ્રાઇવીંગ, હીટ એન્ડ રન સહિતના માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થતો જાય છે. ગફલતભરી અને બેફામ રીતે વાહનો હંકારતા લોકો પર લગામ કસવામાં ટ્રાફિક પોલીસ સરેઆમ નિષ્ફળ રહી છે, જેના કારણે આવા બનાવો વધતા જાય છે. આજે આવા જ એક ગંભીર અકસ્માતમાં ગોતાબ્રીજ પર એક મહિલા કારચાલકે સ્કૂલવાનને જોરદાર ટક્કર મારતાં સ્કૂલ વાન ડિવાઇડર પર ચઢી ગઇ હતી. જો કે, સદ્‌નસીબે વાનમાં બેઠેલા વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. મહિલા કારચાલકની ટક્કરથી નિયંત્રણ ગુમાવાયેલ સ્કૂલ વાન અન્ય કોઇ વાહનની અડફેટે ના આવી તે પણ ઘણી રાહતની વાત હતી, નહી તો મોટી દુર્ઘટના સર્જાઇ શકત. જો કે, આ અકસ્માતમાં મહિલા કારચાલક પણ ઇજાગ્રસ્ત થઇ હતી. આ બનાવને પગલે ગોતા બ્રીજ પર લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. બનાવની જાણ થતાં એ ડિવીઝન ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગેની વિગત એવી છે કે, વિક્રમભાઇ પટેલના નામના સ્કૂલવાનના ચાલક આજે સવારે સોલાબ્રીજ તરફથી નિર્માણ સ્કૂલના બાર જેટલા વિદ્યાર્થીઓને લઇને સ્કૂલ તરફ જવા નીકળ્યા હતા. સ્કૂલવાન ગોતાબ્રીજ પર પહોંચી ત્યારે પાછળથી એક અલ્ટો કારે જોરદાર રીતે ટક્કર મારી હતી, તેના કારણે સ્કૂલવાન ડિવાઇડર પર ચઢી ગઇ હતી, તો અલ્ટો કારને પણ ઘણું નુકસાન થયું હતું. જો કે, રાહતની સૌથી મોટી વાત એ હતી કે, વાનમાં બેઠેલા તમામ ૧૨ બાળકોનો આબાદ બચાવ થયો હતો. બીજું કે, સારુ છે કે, સ્કૂલવાન ડિવાઇડર પર ચઢીને અટકી ગઇ નહી તો, જો વાન ડિવાઇડર ક્રોસ કરીને સામેની બાજુએ જતી રહી હોત તો, પૂરપાટઝડપે સામેથી આવતા વાહનો સાથે પણ અથડાત અને મોટો અકસ્માત કે દુર્ઘટના સર્જાત પરંતુ સદ્‌ભાગ્યે બાળકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને પગલે વાનમાં બેઠેલા બાળકો ગભરાઇ ગયા હતા અને રોકકળ કરવા માંડયા હતા. વાનચાલકે બાળકોને શાંતિથી બહાર કાઢયા હતા અને તેઓને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. બીજીબાજુ, અકસ્માતને પગલે બ્રીજ પર સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા અને થોડીવાર માટે ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. કેટલાક વાહનચાલકો પણ તેમના વાહનો સાઇડમાં ઉભા રાખી અકસ્માતનો તાગ મેળવવા નીચે ઉતર્યા હતા. દરમ્યાન અકસ્માતની જાણ થતાં એ ડિવીઝન ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
જો કે, આ બનાવ નજરે જોનાર કેટલાક લોકોએ જણાવ્યું હતું કે, સ્કૂલવાનમાંથી કોઇ વિદ્યાર્થીનીની બેગ પડી જતાં વાન રોડની વચ્ચે ઉભી રખાઇ હતી અને તેના કારણે પાછળથી પૂરપાટઝડપે આવતી અલ્ટોકારની મહિલા ચાલક વાહન પર નિયંત્રણ રાખી શકી ન હતી અને વાનને જોરદાર ટક્કર મારી દીધી હતી. લોકોએ બેફામ ઝડપે અને ગફલતભરી રીતે વાહનો હંકારનારા ચાલકો વિરૂધ્ધ ટ્રાફિક પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નહી આવતી હોવાના કારણે આવા અકસ્માતો વધી રહ્યા હોવાની ફરિયાદ વ્યકત કરી હતી. આ અકસ્માતમાં મહિલા કારચાલકને પણ ઇજાઓ પહોંચી હતી અને તેની કારને પણ ઘણું નુકસાન થયું હતું.

Related posts

गांधीनगर के कुडासण रोड पर कार का टायर फटने पर दो विद्यार्थिनी की मौत हुई

aapnugujarat

ગુજરાતને થતો અન્યાય હવે ભુતકાળ બની ગયો : રૂપાણી

aapnugujarat

થરામાં ગંદકીનું સામ્રાજ્ય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1