Aapnu Gujarat
ગુજરાત

લોકશાહીની રક્ષાકાજે ચૂંટણી બેલેટ પેપરથી કરાવવા માંગ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવેલા પરિણામો અને જે પ્રકારે ભાજપ હારતાં હારતાં છેવટે જીતી ગઇ તે પરિસ્થિતિ જોતાં પાસ સાથે જોડાયેલા અતુલ પટેલ, વંદના પટેલ સહિતના આગેવાનોથી રચાયેલી ઇવીએમ હટાવો, લોકતંત્ર બચાવો આંદોલન સમિતિ દ્વારા આજે ઇવીએમ પર ફરી એકવાર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને સમગ્ર દેશમાંથી ચૂંટણી પ્રક્રિયામાંથી ઇવીએમને કાયમી ધોરણે તિલાંજલિ આપી તેના સ્થાને બેલેટ પેપર મારફતે જ કોઇપણ ચૂંટણી કરાવવા ઉગ્ર માંગણી કરી હતી. આ આંદોલન સમિતિ દ્વારા તા.૨૨મી જાન્યુઆરીથી ઇવીએમના વિરોધમાં રાજયમાં રિવર્સ દાંડીયાત્રા નીકાળવાની જાહેરાત કરવામાં આવી હતી, જે તા.૨૬મીએ ગાંધીનગરમાં ધ્વજવંદન કરી ઇવીએમ વિરૂધ્ધના રાજયવ્યાપી આંદોલનનું રણશિંગુ ફુંકશે એમ અત્રે સમિતિના કન્વીનરો અતુલ પટેલ, વંદના પટેલ અને હસમુખ સકસેનાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોને જોઇને હજુ પણ લોકોના મનમાં ઇવીએમને લઇ ઘણી આશંકાઓ અને સવાલો પ્રવર્તી રહ્યા છે. અગાઉ પણ ઇવીએમ મુદ્દે અન્ય રાજકીય પક્ષોના અગ્રણીઓ સુશ્રી માયાવતી, અરવિંદ કેજરીવાલ, અજય માકન, સુબ્રમણ્યમ સ્વામી, અખિલેશ યાદવ સહિતના નેતાઓએ પણ શંકાની સોંય તાકી હતી. આ વખતની ચૂંટણીમાં વીવીપેટ મશીનોનો ઉપયોગ કરાયો હોવાછતાં મતગણતરી વખતે વીવીપેટની અંદર પડેલા ૨૫ ટકા મતોની ગણતરી નહી કરાવીને ચૂંટણી પંચે લોકોની વિશ્વસનીયતાને ઠેસ પહોંચાડી છે. મતદાન વખતે પણ કેટલાય ઉમેદવારોએ ઇવીએમને લઇ ફરિયાદો ઉઠાવી હતી અને ભારે વિવાદ સર્જાયા હતા. ઇવીએમ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પણ કેટલાક ઉમેદવારો જવાની તૈયારી કરી રહ્યા છે. એટલું જ નહી, અમેરિકા, જર્મની, જાપાન, આયર્લેન્ડ, કેલિફોર્નિયા સહિતના દેશોમાંથી ઇવીએમને હટાવી દેવામાં આવ્યા છે અને ત્યાં પણ બેલેટપેપરથી જ ચૂંટણી થાય છે ત્યારે ભારત દેશમાં પણ ઇવીએમને તિલાંજલિ આપી કોઇપણ ચૂંટણી બેલેટપેપર મારફતે જ કરાવવી જોઇએ. ભારતીય લોકતંત્રની રક્ષા માટે આ આંદોલન સમિતિ દ્વારા તા.૨૨મી જાન્યુઆરીથી સવારે ૯-૦૦ વાગ્યે દાંડી ખાતેથી રિવર્સ દાંડીયાત્રાની શરૂઆત કરવામાં આવશે, જે દાંડીયાત્રાના ઉંધા માર્ગે એટલે કે, દાંડીથી નવસારી, સુરત, દેલાડ, ભકતમ, ઉમરછી, માંગરોળ, અંકલેશ્વર, દેહરોલ, આંખી, કારેલી, બોરસદ, આણંદ, માતર, નવાગામ, અસલાલી, સાબરમતી આશ્રમ અને છેલ્લે તા.૨૬મીએ ગાંધીનગર આવશે. જયાં ધ્વજવંદન કરી ઇવીએમ હટાવવા અને બેલેટપેપર સીસ્ટમ અમલી બનાવવા રાજયવ્યાપી આંદોલનનું રણશિંગુ ફુંકાશે એમ સમિતિના કન્વીનરો અતુલ પટેલ, વંદના પટેલ અને હસમુખ સકસેનાએ ઉમેર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આગામી દિવસોમાં આ આંદોલનને રાષ્ટ્રવ્યાપી પણ બનાવવામાં આવશે. આ આંદોલનને હાર્દિક પટેલ દ્વારા પણ સમર્થન આપવામાં આવશે એવી આશા તેમણે વ્યકત કરી હતી.

 

Related posts

રાજ્ય સરકારમાં મંત્રી વાસણભાઈ આહીરે સોમનાથ મહાદેવને શિશ ઝુકાવ્યું

aapnugujarat

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા કે બી શાહ સ્કુલમાં મેલેરીયા- ડેન્ગ્યુ અંગે જનજાગૃતિ કાર્યક્રમ કરાયો

aapnugujarat

મિની બસની અડફેટે આવતા ત્રણ લોકોના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1