Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

માતા વૈષ્ણોદેવીનો નવો માર્ગ ખોલવા માટેના હુકમ પર સ્ટે

સુપ્રીમ કોર્ટે વૈષ્ણોદેવીના નવા માર્ગને ખોલવાના નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ ઉપર સ્ટે મુકી દીધો છે. એનજીટીએ ૨૪મી નવેમ્બરથી બેટરીથી ચાલતી કાર અને ચાલતા જતા લોકો માટે વૈષ્ણોદેવી મંદિરના નવા માર્ગને ખોલવાનો આદેશ જારી કર્યો હતો. જસ્ટિસ એમબી લાકુર અને જસ્ટિસ દિપક ગુપ્તાની બનેલી બેંચે આ મુજબનો આદેશ કર્યો હતો. માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, ૨૪મી નવેમ્બરથી નવા રસ્તાને ખોલવાની બાબત શક્ય નથી. બોર્ડ તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતાગીએ કહ્યું હતું કે, નવા માર્ગના નિર્માણનું કામ ચાલી રહ્યું છે પરંતુ આ રસ્તો ફેબ્રુઆરીમાં જ ખોલી શકાશે. પહેલાથી જ બે રસ્તા ચાલુ છે. બોર્ડ દ્વારા હવે ત્રીજો રસ્તો બનાવાઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૩મી નવેમ્બરના દિવસે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે (એનજીટી) માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડને આદેશ કરતા કહ્યું હતું કે, વૈષ્ણોદેવીની યાત્રા દરમિયાન એક દિવસમાં માત્ર ૫૦૦૦૦ શ્રદ્ધાળુઓને દર્શન કરવા માટેની મંજુરી આપવામાં આવે. એનજીટીએ ગયા સોમવારે એક અરજી ઉપર સુનાવણી કરતી વેળા કહ્યું હતું કે, માતા વૈષ્ણોદેવીના મંદિરમાં હજુ સુધી એક દિવસમાં વધુ શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા હતા પરંતુ હવે એક દિવસમાં ૫૦૦૦૦ શ્રદ્ધાળુઓને જ દર્શન કરવા માટેની મંજુરી આપવામાં આવશે. જુદી જુદી બાબતોને ધ્યાનમાં લઇને આ આદેશ કરવામાં આવ્યો હતો. એનજીટીએ યાત્રા માર્ગ ઉપર કોઇપણ પ્રકારના નિર્માણ ઉપર પણ પ્રતિબંધ મુકી દીધો હતો. અત્રે નોંધનીય છે કે, દેશ અને દુનિયામાંથી માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. માતાના દર્શન માટે દરેક શ્રદ્ધાળુને કટરા સ્થિત શ્રાઈન બોર્ડ કચેરીથી પત્રિકા લઇને યાત્રા શરૂ કરવાની જરૂર હોય છે. ત્યારબાદ યાત્રીઓને બાણગંગાના માર્ગથી ૧૪ કિલોમીટરની યાત્રા શરૂ કરવાની જરૂર હોય છે. એનજીટીએ પોતાના આદેશમાં કહ્યું હતું કે, કટરામાં ગંદગી ફેળાવનાર લોકો ઉપર પણ દંડ લાગૂ કરવામાં આવશે. માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા જતાં લોકોને પાંચ બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. એનજીટીએ પોતાના આદેશમાં કહ્યું હતું કે, જો શ્રાઇન બોર્ડને આનાથી વધારે શ્રદ્ધાળુઓને યાત્રા નોંધણીની સૂચના મળે છે તો વધારાના શ્રદ્ધાળુઓને કટરા અને અર્ધકુંવારીમાં રોકવા માટેની વ્યવસ્થા કરવાની રહેશે. આની સાથે સાથે એનજીટીએ અન્ય કેટલાક આદેશો જારી કર્યા હતા. યાત્રીઓની સુવિધા માટે પુરતી વ્યવસ્થા કરવાની બાબત શ્રાઇન બોર્ડ માટે પડકારરુપ રહેશે. કટરામાં નોંધણી કરાવીને આગળ વધનાર શ્રદ્ધાળુઓની સંખ્યા વધારે રહેશે તો નિયંત્રણોના કાયદા હેઠળ રોકાવવાની જરૂર પડી શકે છે. આવી સ્થિતિમાં આગલા દિવસ માટે પત્રિકા મળશે. આનાથી માતાના ધામની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન પત્રિકા લેવાની બાબત વધારે ઉપયોગી રહેશે. વૈષ્ણોદેવી દર્શન માટે આવનાર શ્રદ્ધાળુઓ અને ત્યાના વહીવટીતંત્રને આ પવિત્ર સ્થળ ઉપર સ્વચ્છતાને લઇને સાવધાની રાખવી પડશે. જો કોઇ પણ કટરામાં ગંદગી કરતા નજરે પડશે તો તેમના પર ૨૦૦૦ રૂપિયાના દંડ લાગૂ કરવામાં આવશે.

Related posts

૧ એપ્રિલથી મોંઘી થઇ જશે હવાઇ મુસાફરી

editor

નીતિ આયોગ ટૂંક સમયમાં તૈયાર કરશે મેથેનોલ મિશન માટે રોડમેપ

aapnugujarat

ઓઇલ પઝલ : પેટ્રોલની કિંમત લીટરદીઠ ૯૦ સુધી પહોંચી શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1