Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

જાપાનમાં 155 ધરતીકંપ : નવા વર્ષના પ્રથમ દિવસે જ 20ના મોત

જાપાનમાં નવા વર્ષના પ્રથમ દિવસથી ધરતીકંપના આંચકા આવી રહ્યા છે જે હજુ પણ ચાલુ છે અને છેલ્લા 24 કલાકમાં કુલ 155 ધરતીકંપ આવી ગયા છે. સૌથી પહેલા 7.6ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો જેના કારણે સમુદ્રમાં સુનામી આવવાનું એલર્ટ અપાયું હતું. ધરતીકંપને લગતી ઘટનાઓમાં અત્યાર સુધીમાં લગભગ 20 લોકોના મોત નિપજ્યા છે. જાપાનના સમગ્ર પશ્ચિમી દરિયાકિનારે સુનામીનો ખતરો તોળાય છે.

જાપાનની ટીવી ચેનલે જણાવ્યું કે વાજિમા પાસે સુનામીની અસર શરૂ થઈ ગઈ છે અને દરિયાનું પાણી એક મીટર વધી ગયું છે. આ ઉપરાંત ઇશિકાવા પાસે પાંચ મીટરની ઉંચાઈના સુનામીના મોજાં આવવાની શક્યતા છે. આ વિસ્તારમાં વસતા લોકોને તાત્કાલિક ઉંચાઈવાળી જગ્યા પર જતા રહેવા સૂચના આપવામાં આવી છે. લોકોને શક્ય એટલી ઝડપથી દરિયાકિનારાથી દૂર જવા માટે જણાવાયું છે.

જાપાનમાં અગાઉ સુનામી વખતે ન્યુક્લિયર રિએક્ટરને નુકસાન થયું હતું અને કિરણોત્સર્ગ ફેલાયો હતો. આ વખતે પણ કોઈ ન્યુક્લિયર રિએક્ટર તૂટી ન જાય તે માટે સરકાર મિટિંગ કરી રહી છે. આ વિસ્તારમાં ટ્રેઈન અને એરપોર્ટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. હજુ બેથી ત્રણ દિવસ સુધી જાપાનમાં ધરતીકંપના આંચકા આવે તેવી શક્યતા છે. નવા વર્ષના પ્રારંભમાં જ જાપાન માટે મુશ્કેલી શરૂ થઈ ગઈ છે.

જાપાનના દરિયાકિનારાની આસપાસ હજારો ટાપુઓ પણ આવેલા છે તેથી ત્યાં કેટલું નુકસાન થયું છે તે જાણવા માટે અધિકારીઓ પહોંચી રહ્યા છે. ઘણી જગ્યાએ ઈમારતો તૂટી પડી છે અને હજારો મકાનોને નુકસાન થયું છે જેના કારણે મૃત્યુઆંક 20 સુધી પહોંચી ગયો છે. કેટલાય મહત્ત્વના રોડ અધવચ્ચેથી ફાટી ગયા છે અને તેના પર વાહન ચલાવવાનું મુશ્કેલ છે.

જાપાનના વડાપ્રધાને જણાવ્યું કે તેમનો દેશ ધરતીકંપમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ઘણા મકાનો જમીનદોસ્ત થઈ જવાના કારણે તેમાં આગ લાગી ગઈ હતી. પોલીસ અને સ્થાનિક સત્તાવાળાઓએ કેટલાક મકાનોમાંથી મૃતદેહો કાઢ્યા હતા. હજુ ઘણી જગ્યાએ લોકો બિલ્ડિંગોમાં ફસાયેલા હોવાની શક્યતા છે. જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડાએ જણાવ્યું કે આપણે ફસાઈ ગયેલા લોકોને શક્ય એટલી ઝડપથી બચાવવાના છે. જાપાનના નોટો વિસ્તારમાં ભૂકંપના કારણે સૌથી વધારે નુકસાન થયું છે અને ત્યાં રાહત કામ માટે એક હજાર સૈનિકોને મોકલવામાં આવ્યા છે. હજુ કેટલીક જગ્યાએ આગ ચાલુ છે. ફાયર બ્રિગેડને 100થી વધુ મકાનોમાં આગ લાગી હોવાના કોલ મળ્યા છે.

Related posts

European Union drops threat of sanctions against Maldives, political situation has improved

aapnugujarat

रूस ने पनडुब्बी अग्निकांड की विस्तृत जानकारी देने से किया इंकार

aapnugujarat

US ने एसटीईएम-ओपीटी से जुड़े नियमों में दी ढील

aapnugujarat
UA-96247877-1