Aapnu Gujarat
ગુજરાત

જામનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના એકમાત્ર વૈશ્વિક પરંપરાગત ચિકિત્સા કેન્દ્રનું કરશે ખાતમુહર્ત

જામનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના એકમાત્ર વૈશ્વિક પરંપરાગત ચિકિત્સા કેન્દ્રનું કરશે ખાતમુહર્ત

જામનગર , ભારત સરકારના આયુષ વિભાગના કેબીનેટ પ્રધાન સર્બાનંદ સોનોવાલ તેમજ આયુષ વિભાગના સચિવ પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચાએ જામનગર ખાતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા સ્થાપવામાં આવનાર ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના શિલાન્યાસ સ્થળની મુલાકાત લીધી હતી. બે સપ્તાહ પહેલા જ, આયુષ મંત્રાલયે ભારતમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ની સ્થાપના માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) સાથે હોસ્ટ કન્ટ્રી એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ના શિલાન્યાસ તેમજ ભૂમિપૂજનનો કાર્યક્રમ તા.19મી એપ્રિલે જામનગર, ગુજરાત ખાતે યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમ માં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને WHO ના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયસસની ઉપસ્થિતિમાં સંપન્ન થશે. આ કાર્યક્રમના સંદર્ભે આજ રોજ કેન્દ્રીય મંત્રી અને આયુષ મંત્રાલયના સચિવએ જામનગરમાં કાર્યક્રમના સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી તેમજ તે અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. કાર્યક્રમ સ્થળ મુલાકાત બાદ, કેન્દ્રીય મંત્રીએ જિલ્લા અધિકારીઓ સાથે આઈ.ટી.આર.એ. ખાતે એક સમીક્ષા બેઠક યોજી હતી.બેઠક બાદ આઈ.ટી.આર.એ.ના પી.એમ. મહેતા ઓડિટોરિયમ ખાતે માનનીય મંત્રી તેમજ સચિવએ ગ્લોબલ સેન્ટર ઓફ ટ્રેડિશનલ મેડિસિન વિશે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે સંબોધનમાં આયુષ મંત્રાલય અને WHO વચ્ચેની સમજુતીના મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ ફેંક્યો હતો. સાથે સાથે કોવીડ-૧૯ મહામારી પછીના સમયગાળામાં વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સાના વધતા જતા મહત્વ પર પણ ભાર મુક્યો હતો. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના ભૂમિપૂજન સમારોહ વિષયક વાત કરતા, સર્બાનંદ સોનાવલે કહ્યું કે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો પ્રાથમિક ઉદ્દેશ્ય વિશ્વભરની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓથી થતા લાભને આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે જોડાવાનો છે. આ પહેલ ભારત તેમજ વૈશ્વિક સમુદાય માટે વિશ્વાસપાત્ર અને જન સામાન્ય માટે પોસાય તેવી આરોગ્ય સેવાઓના વિકાસમાં મદદ કરશે. તેમણે જણાવ્યું કે આપણે આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો આભાર માનવાનો રહે છે કે તેમના અથક પ્રયત્નોને કારણે જ આ શક્ય બન્યું છે. આધુનિક વિજ્ઞાન, નવીનીકરણ અને પરંપરાગત ચિકિત્સાનો સમન્વય એક મજબૂત અને સ્થિર સ્વાસ્થ્ય પ્રણાલીના નિર્માણનો માર્ગ મોકળો થશે. આયુષ મંત્રાલય વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સહયોગ તેમજ ભારત સરકારના વ્યૂહાત્મક પ્રયાસોના ફળ તરીકે જામનગરમાં યોજાનાર કાર્યક્રમ ને ખૂબ જ સકારાત્મક અને ભવિષ્યમાં વધુ તક ઉભી કરતા પ્રસંગ તરીકે જોઈ રહ્યું છે.

વિશ્વ સ્વાસ્થ્ય કેન્દ્રના નવા કેન્દ્રનું નિર્માણ પરંપરાગત ચિકિત્સાનાં સંદર્ભે વિશ્વના તમામ ક્ષેત્રોને જોડવા અને લાભ આપવા માટે કરવામાં આવી રહ્યું છે અને જામનગર આ ક્ષેત્રમાં હબ તરીકે ઉભરી આવશે. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) ચાર મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે – સંશોધન અને શિક્ષણ; માહિતી અને પૃથ્થકરણ; સ્થિરતા અને સમાનતા તેમજ વૈશ્વિક આરોગ્ય સેવાઓમાં પરંપરાગત ચિકિત્સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનીકરણ અને ટેકનોલોજી. તે પરંપરાગત ચિકિત્સાપદ્ધતિઓ અને ઉત્પાદનો પર નીતિઓ અને ધોરણો માટે નક્કર આધાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને વિશ્વભરના દેશોને તેમની આરોગ્ય પ્રણાલીમાં તેને યોગ્ય તરીકે સંકલિત કરવામાં અને શ્રેષ્ઠ-સ્થિર અસર માટે તેની ગુણવત્તા અને સલામતીને નિયંત્રિત કરવામાં મદદ કરશે.આયુષ મંત્રાલય વિશે

આયુષ મંત્રાલયની રચના 9મી નવેમ્બર 2014ના રોજ આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિના ગહન જ્ઞાનને પુનર્જીવિત કરવા અને સ્વાસ્થ્યરક્ષા માટે આયુષ પ્રણાલીના શ્રેષ્ઠ વિકાસ અને પ્રસારના હેતુસર કરવામાં આવી હતી. અગાઉ, 1995માં રચાયેલ ભારતીય ચિકિત્સા અને હોમિયોપેથી વિભાગ (ISM&H) આ પદ્ધતિઓના વિકાસનું કાર્ય કરતો હતો. ત્યારબાદ નવેમ્બર 2003માં આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીમાં શિક્ષણ અને સંશોધન તરફ ધ્યાન કેન્દ્રિત કરીને તેનું નામ બદલીને આયુર્વેદ, યોગ અને નિસર્ગોપચાર, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીના પ્રથમ અક્ષરો (AYUSH-આયુષ) રાખવામાં આવ્યું.

Related posts

અમદાવાદમાંથી અંગ્રેજી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

aapnugujarat

बिना मास्क घूमने वालों पर कड़ी कार्रवाई

editor

ભચાઉ નજીક બસ અને ટ્રેકટર વચ્ચે ગંભીર અકસ્માત : ૧૦ના કરૂણ મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1