Aapnu Gujarat
ગુજરાત

મહિલા સુરક્ષા દિવસની ઉજવણીની સાથે નર્મદા જિલ્લામાં  મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ

રાજ્ય સરકારના મહાત્વાકાંક્ષી મહિલા સશક્તિકરણ પખવાડીયા ની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત આજે રાજપીપલા ધાબા ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ પ્રથમ દિવસે મહિલા સુરક્ષા દિવસ કાર્યક્રમને દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે બાળ સુરક્ષા આયોગનાં ડિરેક્ટર શ્રીમતી ભારતીબેન તડવી, ગુજરાત બાળ કાઉન્સીલના સભ્ય કુ. વંદનાબેન ભટ્ટ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. નિપાબેન પટેલ, જિલ્લા આંકડા અધિકારીશ્રી આર.આર. ભાભોર વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં દરેક ક્ષેત્રે મહિલાઓ અગ્રેસર છે. એક તબક્કો એવો હતો કે મહિલાઓ અબળા કહેવાતી પરંતુ હવે રાજ્ય સરકારનાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમથી મહિલાઓ જાગૃત થઇ છે. રાજ્ય સરકારની સેવાકીય ભરતીમાં પણ ૫૦ ટકા જેટલી ભરતી મહિલાઓની થઇ રહી છે. સુરક્ષા જેવા ક્ષેત્રોમાં પણ મહિલાઓની મોટા પ્રમાણમાં ભરતી થાય છે. મહિલાઓ પોતે નિર્ણય લેતી થઇ છે. બન્ને હાથે દિવ્યાંગ અમેરિકાની બાળાની પાયલોટ બનવાની ઇચ્છા શક્તિનો દ્રષ્ટાંત આપતાં તેમણે ઉમેર્યું હતું કે, મહિલાઓ તેમની ઇચ્છા શક્તિથી સમાજના તેમજ પરિવારના ઉત્થાન માટે દરેક ક્ષેત્રે અને દરેક સ્થળે નિર્ભયતાથી કામ કરતી થઇ છે. મહિલાઓામાં અતૂટ શક્તિઓ રહેલી છે તેને જાગૃત કરવા સહિયારા પુરૂષાર્થથી મહિલા સશક્તિકરણ માટે કટિબધ્ધ બનવા શ્રી નિનામાએ ખાસ અનુરોધ કર્યો હતો.

ગુજરાત બાળ સુરક્ષા આયોગનાં ડિરેક્ટર શ્રીમતી ભારતીબેન તડવીએ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તે ઉક્તિ સાથે જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં અસુવિધાઓ વચ્ચે પણ મહિલાઓ અથાગ પ્રયત્નોથી આગળ આવી છે. હવે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ માટે વિવિધ યોજનાઓના લાભો થકી સુવિધાઓ આપવામાં આવે છે. રાજ્ય સરકારના કન્યા કેળવણી કાર્યક્રમથી મહિલાઓમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે. રાજ્ય સરકાર વિવિધ ક્ષેત્રની ભરતીઓમાં મહિલાઓ માટે ભરતી કરે છે. હવે દિકરા-દિકરીના ભેદભાવ ભૂલાયા છે. સમાન અધિકાર સાથે સમાન શિક્ષણ પણ પ્રાપ્ત કરે છે. દેશ અને રાજ્યની મહિલા પ્રતિભાઓ દેશનું નામ ઉજ્જવળ કરી રહી છે. ભારતની માતાઓએ અનેક સપુતોને જન્મ આપી આઝાદી અપાવી છે. સરકાર દ્વારા સ્કીલ ડેવલપમેન્ટના કાર્યક્રમ થકી પણ ઉજ્જવળ કારકિર્દી ઘડી શકાય છે. મહિલા જાગૃત્તિ થકી દેશને પરમ વૈભવના શિખરે પહોંચાડવા શ્રીમતી તડવીએ અનુરોધ કર્યો હતો.

બાળ કાઉન્સીલના સભ્ય અને રાજપીપલા બાર એસોસીએશનના પ્રમુખશ્રી કુ. વંદનાબેન ભટ્ટે કાયદાકીય રીતે મહિલાઓને અપાતી સુરક્ષા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું અને જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. નિપાબેન પટેલે મહિલાઓને કોઇ પણ પરિસ્થિતિ વચ્ચે પણ શિક્ષણ પ્રત્યે જાગૃત થવા, મહિલા જાગૃત્તિથી સમાજનો વિકાસ કરવા અને કોઇપણ ક્ષેત્રે પારંગતતા મેળવી નામના હાંસલ કરવા ખાસ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સેલ્ફ ડીફેન્સ અંગે ડેમોન્સ્ટ્રેશન પણ રજુ કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક સર્વશ્રી ગોહિલ અને શ્રી મોણપરા, જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીશ્રી મુકેશભાઇ વારસુર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ચેતનભાઇ પરમાર, કાયદા તજજ્ઞ શ્રીમતી અશ્વિનાબેન શુક્લા, શ્રીમતી જ્યોતિબેન સથવારા, શહેરની અગ્રણી મહિલાઓ, વિવિધ કન્યા શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, આંગણવાડીની કાર્યકર બહેનો, વિવિધ કન્યા શાળાઓની બાળાઓ, વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.  ૦ ૦ ૦ ૦

Related posts

મગફળી કાંડ : ઝાલાવાડિયાની ઓડિયો કલીપથી ખળભળાટ

aapnugujarat

પ્રેમીયુગલે સાબરમતી નદીમાં ઝંપલાવયું

aapnugujarat

સગીરાને વેચી દેવાના કાંડનો પર્દાફાશ : ચારની અટકાયત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1