Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસ વર્કિંગ કમીટી બેઠક, જન સંકલ્પ રેલી મોકુફ

પુલવામા હુમલા બાદ ગઇકાલે પાકિસ્તાનના ઘરમાં ઘૂસી જૈશ એ મોહમંદના આંતકવાદી ઠિકાનાઓ અને ૩૫૦ આંતકવાદીઓનો સફાયો કર્યા બાદ આજે પાકિસ્તાને વળતા પ્રહારમાં એફ-૧૬ લડાકુ વિમાન દ્વારા આજે ભારતીય સેના પર હુમલાનો પ્રયાસ કર્યો પરંતુ ભારતે પણ તેને તરત જ રીએકટ કરી એફ-૧૬ના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને તેનો પીછો કરી પાકિસ્તાનની સીમા સુધી ત્રણ કિલોમીટર અંદર સુધી ખદેડી મૂકયુ હતુ. આમ, ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદ પરની યુધ્ધ જેવી વર્તમાન પરિસ્થિતિને લઈ શહેરમાં આવતીકાલે યોજાનારી કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક અને અડાલજના ત્રિમંદિર ખાતે યોજાનારી જનસંકલ્પ રેલી આખરે મુલતવી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશના જવાનો સરહદ પર લડી રહ્યા હોય અને પોતાની જાનની બાજી લગાવી રહ્યા હોય ત્યારે હાલના તબક્કે રાજનીતિ નહી પરંતુ દેશની સુરક્ષા અને સલામતીને સૌથી અગ્રીમતા હોવી જોઇએ એવું વલણ અખત્યાર કરી કોંગ્રેસ વર્કિંગ કમીટીની આવતીકાલે યોજાનારી બેઠક અને જન સંકલ્પ રેલી હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. હવે આ કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠક અને જન સંકલ્પ રેલી આગામી દિવસોમાં પરિસ્થિતિ થાળે પડયા બાદ યોજાય તેવી શકયતા છે. કોંગ્રેસ પક્ષ દેશના જવાનોની લડત અને ભારત સરકારની સાથે ખડેપગે ઉભી છે. સને ૧૯૬૨ બાદ સૌપ્રથમવાર કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠક અમદાવાદમાં સરદાર પટેલ સ્મારક ભવન ખાતે યોજાવા જઇ રહી હતી અને ત્યારબાદ બપોરે એક વાગ્યે અડાલજ ત્રિમંદિર પાસે કોંગ્રેસની જન સંકલ્પ રેલી યોજાનાર હતી. આ બેઠક અને રેલીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ અને મહાનુભાવો પણ હાજર રહેવાના હતા. આ અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટિ્‌વટ કરીને માહિતી આપી હતી કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આવતીકાલે તા.૨૮ ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અને રેલી દેશની પ્રવર્તમાન સ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં લઇ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. દરમ્યાન વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ પ્રવકતાએ પણ આવતીકાલની કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠક અને જન સંકલ્પ રેલી હાલ પૂરતા મોકૂફ રખાયા હોવાની જાહેરાત કરી હતી.
પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાકિસ્તાન સામને લડાઇમાં જોરદાર સાહસ અને વીરતા દાખવનારા ભારતીય સેનાના જવાનોને સો સો સલામ કરી તેમના શૌર્યને બિરદાવ્યું છે અને દેશમાં હાલ પ્રવર્તી રહેલી સ્થિતિ અને સંજોગોમાં કોંગ્રેસ પક્ષ જવાનોની અને સરકારની સાથે અને પડખે હોવાની પણ સાફ જાહેરાત કરી હતી. દેશમાં કટોકટીના આ સમયમાં કોંગ્રેસ પક્ષ ભારતીય સેના અને સરકારના તમામ નિર્ણયોમાં તેમની સાથે હોવાનો મત વિપક્ષ દ્વારા રજૂ કરાતાં સૈન્ય અને સરકારનું મનોબળ પણ ઉંચુ આવ્યું હતું. કોંગ્રેસ વર્કીંગ કમીટીની આગામી બેઠક અને જન સંક્લ્પ રેલી હવે કયારે યોજવી તે અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે.

Related posts

નવાવાડજમાં જૂથ અથડામણ : ત્રણને ઇજા

aapnugujarat

હાર્દિક પટેલ પોતાના જ દાવમાં ફસાઇ ગયો : રિપોર્ટ

aapnugujarat

ભાજપે બિમલ શાહ, કમા રાઠોડ સહિત ૨૪ને સસ્પેન્ડ કર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1