Aapnu Gujarat
ગુજરાત

પિરાણા ડમ્પીંગ સાઇટ કેપીંગ પ્રોજેકટ હાથ ધરવાનો નિર્ણય

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે અમ્યુકો માટે વર્ષોથી માથાના દુઃખાવા સમાન અને શહેરના દક્ષિણ વિસ્તારના રહીશો માટે દુર્ગંધ અને વાયુ પ્રદૂષણને લઇ ત્રાહિમામ્‌ બનેલી પીરાણા ડમ્પીંગ સાઇટની સમસ્યાના નિવારણ માટેનો દાવો કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનરે આજે રજૂ કરેલા બજેટમાં પીરાણા ડમ્પીંગ સાઇટ કેપીંગ પ્રોજેકટ માટે રૂ.૩૦૦ કરોડની ફાળવણી કરાઇ હોવાનું જણાવતાં કહ્યું કે, આ પ્રોજેકટ અંતર્ગત વધુ રકમની જોગવાઇ કરાઇ છે કારણ કે, આ સમસ્યા વધુ ગંભીર અને ચિંતાજનક બની છે ત્યારે તેનું આ તબકકે વેળાસર નિવારણ કરવું જરૂરી બની ગયું છે. અન્યથા ભવિષ્યમાં આર્થિક બોજ વધવાની સાથે શહેરીજનોના આરોગ્ય અને સ્વાસ્થ્ય પર સીધી અસર થવાની દહેશત છે, તેથી તેનું નિવારણ કરવું જ રહ્યું. મ્યુનિસિપલ કમિશનર નહેરાએ વધુમાં જણાવ્યું કે, પીરાણાની ડમ્પીંગ સાઇટ ખાતે શહેરભરનો કચરો મોટા મોટા ડમ્પરો દ્વારા વર્ષોથી ઠલવાઇ રહ્યો છે, જેના કારણે આજે કચરાના આ ઢગની ઉંચાઇ ૧૭૦ ફુટને પણ આંબી ગઇ છે. આ સંજોગોમાં ગંદકી અને પ્રદૂષણની સાથે સાથે સમગ્ર વિસ્તાર અને આસપાસના વિસ્તારમાં હવાનું પ્રદૂષણ હવે ચિંતાજનક હદે વધી રહ્યું છે. આ સમસ્યાનું આજે નહી તો, કાલે પણ નિવારણ કરવું જ પડશે અને ત્યારે કદાચ બહુ મોડું થઇ ગયું હશે. જો વર્ષો બાદ તે અંગે પગલા લેવાય તો શકય છે કે, તેના નિવારણમાં બહુ મોટો આર્થિક ખર્ચો આવે અને સાથે સાથે લોકોના આરોગ્ય પર પણ તેની માઠી અસરો પડે તેવી દહેશત છે. તેથી આ બજેટમાં અમે પીરાણા ડમ્પીંગ સાઇટની સમસ્યાના નિવારણ માટે પ્રાધાન્યતા માટે આ પ્રોજેકટ અંતર્ગત રૂ.૩૦૦ કરોડની જોગવાઇ કરી છે. જેને પગલે પીરાણા ડમ્પીંગ સાઇટ કેપીંગ પ્રોજેકટ હાથ ધરી આ સમસ્યાનું કાયમી નિવારણ લાવવાની દિશામાં પ્રયાસ કરાશે જેનાથી દક્ષિણ વિસ્તારના લોકોને દુર્ગંધ અને હવાના પ્રદૂષણમાંથી મુકિત મળશે.

Related posts

નોકરીની લાલચો આપીને ઠગાઈ કરતી ગેંગ પકડાઈ

aapnugujarat

લોકસભા ચૂંટણી ૨૦૧૯ : ગુજરાત ભાજપે જાહેર કરી નિરીક્ષકોની યાદી

aapnugujarat

હવે આરટીઓમાં કર્મીઓ કામને લઇ ભારે ઉદાસીન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1