Aapnu Gujarat
ગુજરાત

શિક્ષકોની બેદરકારી : વિદ્યાર્થી રાતભર વર્ગખંડમાં પૂરાઇ રહ્યો

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારની છીકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ-૬ ના વિદ્યાર્થીને વર્ગ શિક્ષકોની બેદરકારીનો ભોગ બનવું પડ્‌યું હતું. શાળા છૂટવાના સમયે ક્લાસ ટીચરે વિદ્યાર્થી રૂમમાં હોવાછતાં બહારથી તાળું મારી રફુચક્કર થતા બાળકે કડકડતી ઠંડીમાં આખી રાત વર્ગખંડમાં જ વીતાવવી પડી હતી. બીજીબાજુ, બાળક શાળાએ ગયા બાદ ઘરે પરત ન ફરતા તેના પરિવારજનોએ પણ આખી રાત વ્હાલા સોયા પુત્રને શોધવા રઝળપાટ કરી સમગ્ર વિસ્તાર ખુંદી નાખ્યો હતો પરંતુ બાળક નહી મળતા પરિવારજનોમાં ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. દરમ્યાન આજે વહેલી સવારે પરિવારજનોએ શાળામાં તપાસ કરતા બાળક ક્લાસ રૂમમાંથી થર થર કાંપતી હાલતમાં હેમખમ મળી આવતા હાશકારો અનુભવ્યો હતો. જો કે, આ સમગ્ર ઘટનાના પગલે પરિવારજનો અને સ્થાનિક ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો. આ સમગ્ર બનાવને લઇ શિક્ષણજગતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા, કારણ કે જો કોઇ અનિચ્છનીય ઘટના કે બનાવ બન્યો હોત તો તેની જવાબદારી કોણ લેત તેને લઇ હવે ગંભીર સવાલો ઉઠયા છે અને વિવાદ વકરતાં જિલ્લા શિક્ષણાધિકારી એ. કે. મોઢે મેઘરજ તાલુકા શિક્ષણાધિકારીને મામલાની ગંભીરતા ધ્યાને લઇ તપાસના આદેશ આપી દીધા હતા. આ અંગેની વિગત છે કે, છીકારી પ્રાથિમક શાળામાં ધોરણ-૬ માં અભ્યાસ કરતો મૌલિક રમેશભાઈ ખરાડી નામનો વિદ્યાર્થી બુધવારે સાંજે ક્લાસ રૂમમાં હોવા છતાં શાળા છૂટવાના સમયે શિક્ષકે ગંભીર બેદરકારી દાખવી ક્લાસ રૂમને બહારથી તાળું મારી શાળાના શિક્ષકો ઘરે જતા રહેતા બાળક રૂમમાં પુરાઈ ગયો હતો. બાળક ઘરે ન પહોંચતા પરિવારજનોમાં ફાળ પડી હતી. તેના સહાધ્યાયીઓને પરિવારજનોએ પુછતા મૌલિક અંગે કઈ જાણતા ન હોવાનું જણાવતા બાળક ગુમ થવાની ઘટનાના પગલે ભારે ચકચાર મચી હતી. પરિવારજનોએ સમગ્ર વિસ્તારમાં ભારે શોધખોળ પછી બાળક શાળામાં તો નહીં રહી ગયું હોય ને તેવો વિચાર આવતા બાળકના પિતા શાળાના આચાર્યના ઘરે જઈ શાળાની ચાવી લઈ આવતા ક્લાસ રૂમ ખોલતાં મૌલિક બેંચીસ પરથી થરથર કાંપતી હાલતમાં મળી આવતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. બાળકના પિતા રમેશભાઈના જણાવ્યા અનુસાર, શાળાના શિક્ષકોની ગંભીર બેદરકારીના પગલે મારા પુત્ર અને પરિવારે ભારે યાતનામાંથી પસાર થઈ સહન કરવું પડ્‌યું હતું. શાળાના આચાર્ય વીણાબેન ભગોરાએ ધો-૬ ના વિદ્યાર્થી શાળાના ક્લાસ રૂમમાં રહી જવા અંગે જણાવ્યું હતું કે, શાળામાં શાળા છૂટવાના સમયે શાળામાં અભ્યાસ કરતા બાળકોની કમિટી અને શિક્ષકો દ્વારા તમામ રૂમમાં તપાસ કરવામાં આવે છે કે કોઈ બાળક રહી ગયું તો નથીને તમામ બાળકોને ઓસરીમાં એકઠા કરી ગણતરી કરી ઘરે મોકલવામાં આવે છે. બાળક કઈ રીતે ક્લાસ રૂમમાં રહી ગયું એ જ ચિંતાનો વિષય અમારા માટે છે. કદાચ બાળક બેંચીસ નીચે સુઈ રહ્યો હોય અને ક્લાસમાં તપાસ કરવા ગયેલા શિક્ષક કે વિદ્યાર્થીઓની નજરમાં ના આવ્યો હોય તેવુ બની શકે. જો જિલ્લા શિક્ષણાધિકારીએ સમગ્ર મામલામાં જે કોઇ કસૂરવાર હશે તેની સામે સખત કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Related posts

चांदखेडा में युवती की मौत को लेकर परिजनों का हंगामा

aapnugujarat

प्रोपर्टी टैक्स में आगामी २ वर्ष एक रुपये की वृद्धि नहीं होगी

aapnugujarat

CM Rupani marks his presence at the second high level meeting of NITI Aayog in Mumbai

aapnugujarat

Leave a Comment

UA-96247877-1