Aapnu Gujarat
બ્લોગ

ગુજરાત વિધાનસભામાં દલિત પ્રતિનિધિત્વ

વિધાનસભાની અનુસૂચિત જાતિની ૧૩ અનામત બેઠકોમાં સાત પર ભારતીય જનતા પક્ષ, પાંચ પર કૉંગ્રેસ અને એક પર કૉંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર વિજયી થયા છે. ૨૦૧૨માં ભા.જ.પ.ને ૧૦ બેઠકો મળી હતી. એ જોતાં આ વખતે ભા.જ.પે. ૩ બેઠકો ગુમાવી છે. ૨૦૧૨થી ૨૦૧૭ના ગાળામાં વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારિતામંત્રી રહેલા રમણલાલ વોરા અને આત્મારામ પરમાર ચૂંટણી હારી ગયા છે તો આ જ ગાળાના બે દલિત સંસદીય સચિવો પૂનમભાઈ મકવાણા અને જેઠાભાઈ સોલંકીને ભા.જ.પે. ટિકિટ આપી નહોતી. તેથી ભા.જ.પ.ના અગ્રણી દલિત નેતાઓ ચૌદમી વિધાનસભામાં જોવા મળશે નહીં.ગુજરાત વિધાનસભાની ૧૩ અનામત બેઠકો : ગાંધીધામ (જિ. કચ્છ), દસાડા (જિ. સુરેન્દ્રનગર), રાજકોટ ગ્રામ (જિ. રાજકોટ), કાલાવાડ (જિ. જામનગર), કોડીનાર (જિ. જૂનાગઢ), અસારવા (જિ. અમદાવાદ), દાણીલીમડા (જિ. અમદાવાદ), કડી (જિ. મહેસાણા), વડગામ (જિ. બનાસકાંઠા), ઈડર (જિ. સાબરકાંઠા), વડોદરા શહેર (જિ. વડોદરા) અને બારડોલી (જિ. સુરત). ૧૩ અનામત બેઠકો પર ૧૭ રાજકીય પક્ષોના ૬૯ અને ૪૭ અપક્ષો સહિત કુલ ૧૧૬ ઉમેદવારો હતા. તેમાં ૧૪ મહિલા અને ૧૦૨ પુરુષ ઉમેદવારો હતાં. જે ૧૭ રાજકીય પક્ષો અનામત બેઠકો પર ચૂંટણી લડ્યા તેના નામ : ભારતીય જનતા પક્ષ, ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ, નૅશનાલિસ્ટ કૉંગ્રેસપાર્ટી, બહુજન સમાજ પક્ષ, બહુજન મુક્તિ પાર્ટી, બહુજન સુરક્ષાદળ, બહુજન રિપબ્લિકન સૉશ્યાલિસ્ટ પાર્ટી, રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા, ઑલ ઇન્ડિયા હિંદુસ્તાન કૉંગ્રેસ પાર્ટી, સમાજવાદી પાર્ટી (ચંદ્રશેખર), આમ આદમી પાર્ટી, વ્યવસ્થા-પરિવર્તન પાર્ટી, ગુજરાત જનચેતના પાર્ટી, નવીન ભારત નિર્માણ મંચ, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, આપની સરકાર પાર્ટી અને રાષ્ટ્રીય ક્રાંતિકારી સમાજવાદી પાર્ટી. રાજકીય પક્ષોનાં આ નામો પરથી જણાય છે કે દલિતોના પાંચ પક્ષો આ ચૂંટણી લડ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી પણ મેદાનમાં હતી પણ શિવસેના નહોતી! સૌથી વધુ આઠ પક્ષોના ઉમેદવારો ગાંધીધામ બેઠક પર હતા. સૌથી ઓછા ત્રણ પક્ષોના ઉમેદવારો બારડોલી બેઠક પર હતા. સૌથી વધુ આઠ અપક્ષ ઉમેદવારો રાજકોટ ગ્રામ બેઠક પર અને બારડોલી બેઠક પર એક જ અપક્ષ ઉમેદવાર હતા. રાજકોટ ગ્રામ અને ગાંધીધામ બેઠક પર સૌથી વધુ ૧૪-૧૪ ઉમેદવારો હતા. સૌથી ઓછા પાંચ ઉમેદવારો બારડોલી બેઠક પર હતા. ભારતીય જનતા પક્ષે તમામ ૧૩ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. કૉંગ્રેસે ૧૨ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને વડગામ બેઠક પર અપક્ષ ઉમેદવારનું સમર્થન કર્યું હતું. બહુજનસમાજ પક્ષે કોડીનાર સિવાયની ૧૨ બેઠકો પર ઉમેદવારી કરી હતી.ભારતીય જનતા પક્ષના સાત વિજેતા ઉમેદવારો છે : પ્રદીપ પરમાર (અસારવા), ઈશ્વર પરમાર (બારડોલી), હિતુ કનોડિયા (ઈડર), લાખાભાઈ સાગઠિયા (રાજકોટગ્રામ), કરશનભાઈ સોલંકી (કડી), માલતી મહેશ્વરી (ગાંધીધામ) અને મનીષા વકીલ (વડોદરા શહેર) કૉંગ્રેસના પાંચ વિજેતા ઉમેદવારો છે : શૈલેષ પરમાર (દાણીલીમડા), નૌશાદ સોલંકી (દસાડા), પ્રવીણ મુસડિયા (કાલાવાડ), મોહનભાઈ વાળા (કોડીનાર), પ્રવીણ મારુ (ગઢડા). વડગામની બેઠક કૉંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીએ જીતી છે.ગઈ વિધાનસભાના ભા.જ.પ.ના ૧૦ દલિત ધારાસભ્યોમાંથી છને પક્ષે ટિકિટ આપી નહોતી. જે ચારને રિપિટ કર્યા હતા, તેમાંથી માત્ર બે જ જીત્યા છે અને બે હાર્યા છે. કૉંગ્રેસે તેના ત્રણેય ધારાસભ્યોને પુનઃ ઉમેદવારો બનાવ્યા હતા પણ એક જ જીતી શક્યા છે અને બે હાર્યા છે. ચૌદમી ગુજરાત વિધાન સભામાં જે ૧૩ દલિતો ચૂંટાયા છે, તેમાં ૯ પહેલી જ વખત ધારાસભામાં પ્રવેશે તે ખૂબ જ નોંધનીય બાબત છે. ભા.જ.પ.નાં ઈશ્વર પરમાર અને મનીષા વકીલ તથા કૉંગ્રેસના શૈલેષ પરમાર અગાઉની વિધાનસભાના સભ્ય હતાં જ્યારે કૉંગ્રેસના પ્રવીણ મારુ અગિયારમી વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે. બે મહિલાઓ અને બંને ભા.જ.પ.ના, ધારાસભ્ય બન્યાં છે. તેમાંથી એક પ્રથમ વાર ચૂંટાયાં છે.૨૦૧૨માં સૌથી વધુ મત મેળવવાનો અને સૌથી મોટી લીડથી ચૂંટણી જીતવાનો ભા.જ.પ.ના વડોદરા શહેરના ઉમેદવાર મનીષા વકીલનો વિક્રમ ૨૦૧૭માં પણ અકબંધ રહ્યો છે. તેમણે ૧,૧૬,૩૬૭ મત મેળવી તેમના હરીફ કૉંગ્રેસના ઉમેદવારને ૫૨,૩૮૩ મતની લીડથી શિકસ્ત આપી છે. તેમના ૨૦૧૨ના મત કરતાં મત અને લીડ બંનેમાં વધારો થયો છે. સૌથી ઓછા મત (૬૯,૪૫૭) કૉંગ્રેસના ગઢડાના ઉમેદવાર પ્રવીણ મારુને મળ્યા છે. જો કે સૌથી ઓછી લીડ(૨૧૭૯)થી ભાજપના રાજકોટ ગ્રામના ઉમેદવાર લાખાભાઈ સાગઠિયા વિજેતા બન્યા છે. ગુજરાતના દલિત – આંદોલનનો ચહેરો બની રાષ્ટ્રીય કક્ષાએ ઊભરેલા જિજ્ઞેશ મેવાણીનો મળેલા મત(૯૫,૪૯૭)માં ચોથો ક્રમ છે. તેઓ ૧૯,૬૯૬ મતની લીડ સાથે દલિત ઉમેદવારોની લીડમાં સાતમો ક્રમ ધરાવે છે. વડગામ બેઠક પર કૉંગ્રેસને ૨૦૧૨માં મળેલી લીડ ૨૦૧૭માં ઘટી છે.અનુસૂચિત જાતિની અનામત બેઠકો પર હારેલા ઉમેદવારોમાં સૌથી વધુ મત (૮૯,૯૬૫) રાજકોટ ગ્રામ બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયાને મળ્યા હતા. તે પછીના ક્રમે પણ કૉંગ્રેસના બે ઉમેદવારો છે. કડીના રમેશ ચાવડાને ૮૮,૯૦૫ અને ઈડરના મણિલાલ વાઘેલાને ૮૪,૦૦૨ મત મળ્યા હતા. ભા.જ.પ.ના વડગામના ઉમેદવાર વિજય ચક્રવર્તી ૭૫,૮૦૧ મત સાથે ચોથા ક્રમે રહ્યા છે. તેરમી વિધાનસભાના અધ્યક્ષ, વરિષ્ઠ બી.જે.પી. નેતા અને દસાડાના બી.જે.પી. ઉમેદવાર રમણલાલ વોરા ૭૦,૨૮૧ મત મેળવીને પાંચમા ક્રમે હતા. રૂપાણી મંત્રીમંડળના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી આત્મારામ પરમાર ૬૦,૦૩૩ મત મેળવીને હારેલા ઉમેદવારોમાં સાતમા નંબરે હતા. હારેલા ઉમેદવારોમાં સૌથી ઓછા મત (૩૭,૯૭૪) કૉંગ્રેસના અસારવા બેઠકના કનુભાઈના વાઘેલાના ફાળે ગયા છે. ૨૦૧૨માં અસારવા બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર તમામ ૧૩ અનામત બેઠકોમાં સૌથી તળિયે હતા, તે પરંપરા ૨૦૧૭માં જળવાઈ રહી છે.૧૩ અનામત બેઠકોમાં સૌથી વધુ પાંચ (૫) બેઠકો (દસાડા, રાજકોટ ગ્રામ, કાલાવાડ, કોડીનાર અને ગઢડા) સૌરાષ્ટ્રમાં આવેલી છે. આ પાંચ(૫)માંથી જ ચાર( ૪) બેઠકો કૉંગ્રેસે મેળવી છે. રાજકોટગ્રામની બેઠક કૉંગ્રેસે બહુ નજીવા માર્જિનથી ગુમાવી છે. એ રીતે ગ્રામીણ સૌરાષ્ટ્રના મતદારોનું સત્તાધારી બી.જે.પી. વિરોધી વલણ દલિત અનામત બેઠકો પર પણ જોવા મળ્યું છે. ૨૦૧૨માં આ એકેય બેઠક કૉંગ્રેસ પાસે નહોતી. ઉત્તર ગુજરાતની વડગામ, કડી અને ઈડર પૈકીની બે બેઠકો કૉંગ્રેસ પાસે હતી. પરંતુ કડી બેઠક કૉંગ્રેસે ગુમાવી છે તો વડગામ કૉંગ્રેસ સમર્થિત અપક્ષના ફાળે ગઈ છે. ઉત્તર ગુજરાતના પાટીદારોનો બી.જે.પી. વિરોધી રોષ અનામત બેઠકના કૉંગ્રેસના ઉમેદવારને ફળ્યો નથી. અમદાવાદની બે પૈકી દાણીલીમડા બેઠક કૉંગ્રેસે, તો અસારવા ભા.જ.પે. મેળવી છે. મધ્ય ગુજરાતની વડોદરા શહેર અને દક્ષિણ ગુજરાતની બારડોલી બેઠકો બી.જે.પી.એ જાળવી રાખી છે.ચૌદમી ગુજરાત વિધાનસભામાં જે દલિત પ્રતિનિધિત્વ જોવા મળશે, તેમાં ઉંમરની દૃષ્ટિએ ગણતરી કરીએ તો સરેરાશ ઉંમર ૪૬.૬ વરસ છે. એટલે એકંદરે યુવાન પ્રતિનિધિત્વ દલિતોને મળ્યું છે. સૌથી મોટી ઉમરના, ૬૦ વરસના, કડીના ભા.જ.પ.ના ધારાસભ્ય કરસનભાઈ સોલંકી છે. જ્યારે સૌથી નાની ઉંમરના, માત્ર ૨૮ વરસનાં, ગાંધીધામનાં માલતી મહેશ્વરી છે. ૪૦થી ઓછી વયના, ૩૭ વરસના, જિજ્ઞેશ મેવાણી છે. ૪૧થી ૪૫ની વયના બે, ૪૬થી ૫૦ના પાંચ અને ૫૦ કરતાં વધુના ત્રણ દલિત ધારાસભ્યો છે. ૧૩ પૈકીના ૧૨ ધારાસભ્યો પરિણિત છે. અડધા કરતાં વધુ, ૧૩માંથી સાત ધારાસભ્યો મતવિસ્તારની બહારના છે. સ્થાનિક ધારાસભ્યોની સંખ્યા છ જ છે. આ ધારાસભ્યોમાં સૌથી ઓછું, ૪ ધોરણ સુધીનું શિક્ષણ મેળવેલા, બી.જે.પી.ના કરસનભાઈ સોલંકી છે. બી.જે.પી.ના લાખાભાઈ સાગઠિયા ધોરણ ૯ સુધી, હાલના સામાજિક ન્યાય અને અધિકારિતામંત્રી ઈશ્વર પરમાર ધો-૧૧ કૉમર્સ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવે છે. ભા.જ.પ.ના બીજા બે ધારાસભ્યો પ્રદીપ પરમાર ન્યૂ એસ.એસ.સી. અને હિતુ કનોડિયાએ એચ.એસ.સી.નો અભ્યાસ કરેલ છે.જ્યારે બંને મહિલા ધારાસભ્યો ઉચ્ચશિક્ષણ મેળવેલાં છે. કૉંગ્રેસના પાંચ અને એક અપક્ષ ઉમેદવાર પણ ઉચ્ચશિક્ષણ મેળવેલા છે. બી.જે.પી.ના પાંચ પુરુષ ધારાસભ્યોનું ઓછું શિક્ષણ ખટકે તેવું છે.ચૂંટણીપંચ સમક્ષની ૧૩ ધારાસભ્યોની ઉમેદવારી સાથેની ઍફિડેવિટ ચકાસતાં જણાય છે કે લાખાભાઈ સાગઠિયા, મોહનભાઈ વાળા અને જિજ્ઞેશ મેવાણીએ આવકવેરાનું રિટર્ન ભર્યું ન હોવાનું કે તે બાબત તેમને લાગુ પડતી ન હોવાનું જણાવ્યું છે. કાલાવાડના ધારાસભ્ય પ્રવીણ મુસડિયાએ છેલ્લું ઇન્કમટૅક્ષ રિટર્ન ૨૦૧૩-૧૪નું ભર્યું હોવાનું જણાવ્યું છે. બાકીના ધારાસભ્યોએ ૨૦૧૬-૧૭નું રિટર્ન ફાઇલ કરાવ્યું છે. ઉમેદવારીપત્ર ભરતી વખતે તેમની હાથ પરની સિલકની વિગતો જોઈએ તો દાણીલીમડાના શૈલેષ પરમાર અને દસાડાના નૌશાદ સોલંકી (બંને કૉંગ્રેસ) એ પાંચ-પાંચ લાખ રૂપિયા કૅસ ઇન હૅન્ડ દર્શાવ્યા છે. સૌથી ઓછી હાથ પરની સિલક મનીષા વકીલે રૂ.૫,૦૦૦/- જણાવી છે. ઍફિડેવિટ મુજબ સૌથી ગરીબ દલિત ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી છે. તેમની કુલ મિલકત માત્ર રૂ. ૧૦.૨૫ લાખ છે, જે તમામ જીવનવીમાની પૉલિસી છે. જો કે જિજ્ઞેશ મેવાણી પાસે હાથ પરની સિલક રૂ.૧,૨૫,૦૦૦/- હતી! જિજ્ઞેશ મેવાણી કરતાં થોડા જ વધુ માલદાર માલતીબહેન મહેશ્વરી છે. તેમની મિલકત ૧૧.૭૬ લાખ છે, પણ હાથ પરની સંયુક્ત સિલક રૂ.૫,૪૦,૬૫૪ છે! ૧૩ દલિત પ્રતિનિધિઓના ધંધારોજગારની વિગતો પણ રસપ્રદ છે. માલતી મહેશ્વરી ગૃહિણી છે, મનીષા વકીલ શાળામાં સુપરવાઇઝરની નોકરી કરે છે, હિતુ કનોડિયા કલાકાર છે, જિજ્ઞેશ મેવાણી ઍડ્‌વોકેટ છે, શૈલેષ પરમાર ખેતી, ગ્રીન લોન અને કંસ્ટ્રક્શન, પ્રદીપ પરમાર વેપાર, નૌશાદ સોલંકી ટેક્‌નિકલ કન્સલ્ટન્ટ, લાખાભાઈ સાગઠિયા ખેતી, પ્રવીણ મારુ ધંધો, કરશન સોલંકી ખેતી અને કન્સ્ટ્રક્શન તો મંત્રી ઈશ્વર પરમાર કાર્ટિંગ અને ખેતીમાંથી આવક મેળવે છે. ૧૩માંથી નવ ધારાસભ્યો વેપાર અને તે પણ બાંધકામ સાથે સંકળાયેલા હોય અને તેરમાંથી એકેય દલિતો પરંપરાગત ધંધો – વ્યવસાય ન કરતા હોય તે નોંધનીય છે.૪૭ અપક્ષ ઉમેદવારોમાંથી એક માત્ર કૉંગ્રેસ સમર્થિત જિજ્ઞેશ મેવાણી જ વિજયી બની શક્યા છે. બાકીના અપક્ષ ઉમેદવારોની ભૂમિકા ‘વોટ કટવા’થી વિશેષ રહી નથી. કુલ પાંચ દલિતપક્ષો આ ચૂંટણીમાં મેદાને હતા. બહુજન સમાજ પાર્ટીએ ૧૩માંથી ૧૨ બેઠકો પર ઉમેદવારો ખડા કર્યા હતા. આ બારેય ઉમેદવારોના કુલ મત ૨૦,૬૭૭ જ છે, જે સાવ નગણ્ય ગણાય. બી.એસ.પી.ના કોઈ ઉમેદવારને ૩૫૦૦ કરતાં વધુ મત મળ્યા નથી. સૌથી વધુ ૩૩૨૩ મત રાજકોટ ગ્રામના ઉમેદવારને અને સૌથી ઓછા મત ગઢડાના બ.સ.પા. ઉમેદવારને મળ્યા છે. ૧૨ પૈકીની છ બેઠકો પર બ.સ.પા. ત્રીજા ક્રમે, ચાર પર ચોથા ક્રમે, એક પર પાંચમા ક્રમે અને એક પર સાતમા ક્રમે હતી. જો કે ૧૩ બેઠકોમાંથી ૧૦ બેઠકો પર ‘નોટા’ ત્રીજા ક્રમે હોઈ જે ત્રણ શહેરી બેઠકો અસારવા, દાણીલીમડા અને રાજકોટ ગ્રામમાં જ બ.સ.પા. ઉમેદવારો ત્રીજા ક્રમે હતા. આ હકીકત દર્શાવે છે કે માયાવતીની બહુજન સમાજ પાર્ટી ગુજરાતમાં જેટલી ગાજે છે, તેટલો જનાધાર ધરાવતી નથી.
અડધો અડધ મહિલા મતદારો છતાં રાજકીય પક્ષો મહિલાઓને પૂરતી ટિકિટો ફાળવતા નથી. ૧૩ અનામત બેઠકો પર ૧૧૬ ઉમેદવારોમાં માત્ર ૧૪ જ મહિલા ઉમેદવારો હતાં. જેમાં બી.જે.પી.નાં બે, બી.એસ.પી.નાં ચાર, રાષ્ટ્રીય ક્રાંતિકારી સમાજવાદી પાર્ટીનાં એક અને સાત અપક્ષો હતાં. બી.જે.પી.નાં બંને મહિલા ઉમેદવારોની જીત એક સારી નિશાની છે, પરંતુ ૧૩ દલિત ધારાસભ્યોમાં માત્ર બે જ મહિલા ધારાસભ્યો છે, એટલે કે મહિલા પ્રતિનિધિત્વ ૧૫ ટકા જ છે, જે ઘણું ઓછું ગણાય. આશાવર્કર આંદોલનના લડાકુ નેતા ચંદ્રિકા સોલંકીને આ ચૂંટણીમાં માત્ર ૯૭૫ મત મળ્યા, તે દર્શાવે છે કે ચૂંટણીના રાજકારણમાં આંદોલનની મૂડી બહુ ખપ આવતી નથી. વડોદરા શહેરની બેઠક પર ચાર અને ગાંધીધામ બેઠક પર ત્રણ મહિલા ઉમેદવારો હતાં. તેના પરથી જણાય છે કે સૌથી વધુ મહિલા ઉમેદવારોએ મહિલા ઉમેદવારો સામે જ લડવાનું પસંદ કર્યું હતું. આ બાબત પણ ચિંતા ઉપજાવનારી ગણાય. પુરુષ રાજકારણીઓ મહિલાઓને ચૂંટણી જીતી શકવાની ઓછી શક્યતાવાળા ગણાવી ટિકિટ જ ના આપે અને ટિકિટ મળે તો તેણે ‘વોટ કટવા’ મહિલા ઉમેદવારોનો જ સામનો કરવો પડે તે ભારે વિચિત્ર લાગે છે.૨૦૧૭ની આ ચૂંટણી દલિતોના કોઈ સ્વતંત્ર અને ચોક્કસ મુદ્દે લડાઈ નહોતી કે તે રીતે રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી કરી નહોતી. તેમ છતાં ઉના-આંદોલન પછી ઊભરેલા જિજ્ઞેશ મેવાણીનો વિધાનસભા-પ્રવેશ કે ગઈ વિધાનસભાના ચારેય દલિત મંત્રીઓનું આ વિધાનસભામાં ન હોવું ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.

Related posts

:?? विचारणीय ??

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1