Aapnu Gujarat
ગુજરાત

વડોદરા જિલ્લાના ખેડૂતો પપૈયા અને કેળ જેવા પાકોને બચાવવા ક્રોપ કવરની પધ્ધતિ અપનાવી રહ્યા છે

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બામણગામ સહિતના ગામોના ખેડૂતો પપૈયાની બાગાયતી ખેતી કરે છે. પપૈયાની ખેતીને સસલા અને ઉંદરથી ઘણું જોખમ રહે છે જે કુમળા છોડને ખાઇ જાય છે. આ જોખમ સામે છોડના રક્ષણ માટે ખેડૂતોએ ક્રોપ કવરની એક નવી ટેકનીક અપનાવી છે. બાગાયત ખાતાના વર્તુળોના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે ખેડૂતોએ ક્રોપ કવરને અપનાવવાનુ શરૂ કર્યુ હતું અને આ વર્ષે તેનો વ્યાપ સારો એવો વધ્યો છે. ક્રોપ કવર કુમળા રોપાઓને આકરા તાપ સામે પણ રક્ષણ આપે છે.

ક્રોપ કવર પધ્ધતિમાં સામાન્યત : મોલ્સમાં જે નોન વોવન મટીરીયલની થેલીઓ ખરીદેલો માલ સામાન મૂકવા માટે આપવામાં આવે છે, તેવી થેલીઓનું આવરણ પ્રત્યેક છોડ પર ચઢાવવામાં આવે છે. બાગાયત અધિકારી શ્રી જૈમિન પટેલના જણાવ્યા પ્રમાણે પપૈયા નાના છોડ અત્યંત કુણા હોવાથી સસલા અને ઉંદર આ છોડને કોતરી ખાય છે. ઘણીવાર તો ખેડૂતે ખેતરમાં ૩ હજાર છોડ વાવ્યા હોય તો બે હજારથી વધુ છોડ કોતરી ખાઇને સસલા-ઉંદર ખૂબ મોટું નુકશાન પહોંચાડે છે. તેની સામે આ ક્રોપ કવર છોડનું રક્ષણ કરે છે. સામાન્યત : નર્સરી માંથી ખરીદાતા પપૈયાના રોપાની કિંમત નંગ દીઠ ૧૦ થી ૧૨ રૂપિયા હોય છે. નોન વોવન મટીરીયલની થેલી સવાથી દોઢ રૂપિયે નંગ મળે છે. જે ઓછા ખર્ચે પાકને બચાવે છે.

નાયબ બાગાયત નિયામકશ્રી હિમાંશુ પારેખ જણાવે છે કે નોન વોવન મટીરીયલનું આ ક્રોપ કવર ખેડૂત મિત્ર બનતુ જણાય છે. રાજ્યના ખેડૂતોની સાથે, જિલ્લાના ખેડૂતો આ પધ્ધતિ આપમેળે અપનાવી રહ્યા છે એ પ્રગતિશીલતાની નિશાની છે.

શ્રી જૈમીન પટેલના જણાવ્યા પ્રમાણે કેળના પાકમાં અને શાકભાજીના પાકોમાં, તડબૂચમાં નોન વોવન મટીરીયલની ટનલ બનાવીને એટલે કે આ મટીરીયલનો રોલ સાડીની જેમ વાવેતર પર પાથરીને, જીવાતમુક્ત તંદુરસ્ત છોડ ઉછેરવામાં આવી રહ્યા છે. પપૈયામાં વ્હાઇટ ફ્લાય ના નિયંત્રણમાં આ કવર પધ્ધતિ ઉપયોગી જણાઇ છે.

ઉલ્લેખનીય છે કે પહેલા એક જ કંપની આ નોન વોવન મટીરીયલના ક્રોપ કવર બનાવતી હતી. હવે ચાર જેટલી કંપનીઓએ તેનું ઉત્પાદન શરૂ કર્યું છે એટલે સ્પર્ધાત્મક કિંમતે મટીરીયલ મળતુ થયું છે. એક અંદાજ પ્રમાણે આ વર્ષે વડોદરા જિલ્લામાં જેમણે પપૈયાનુ વાવેતર કર્યુ છે એ પૈકીના ૭૦% ખેડૂતોએ ક્રોપ કવરનો આશ્રય લીધો છે. હાલમાં તો કોઇ જોગવાઇ નથી પરંતુ ભવિષ્યમાં બાગાયત ખાતુ ક્રોપ કવરનો સહાય યોજનામાં સમાવેશ કરે એ ઇચ્છનીય છે.

Related posts

खनीज-खनन क्षेत्र को उद्योग का दर्जा देने की घोषणा हुई

aapnugujarat

ભીના કચરામાંથી બાયોગેસ બનાવી વેચાણ કરવા તૈયારી

aapnugujarat

सूरत में कॉलेज की विद्यार्थिनी ने हॉस्टल में फांसी लगाई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1