Aapnu Gujarat
ગુજરાત

જમીન રિ-સર્વે ગોટાળાને લઇ વર્ગવિગ્રહ થઇ શકે છે : વિપક્ષ

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન મહેસૂલવિભાગના પ્રશ્નો અને તેના મુદ્દાઓ પણ ભારે ચર્ચામાં રહ્યા હતા. વિપક્ષ કોંગ્રેસે તો એક તબક્કે રાજયમાં જમીન રી સર્વે (ફેરમાપણી) મામલે સરકાર પર ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, જમીન રિ સર્વેમાં ભારે વિસંગતતાઓ અને અસ્પષ્ટતાઓ પ્રવર્તતી હોઇ રાજયમાં વર્ગવિગ્રહ ફાટી નીકળશે. જો કે, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે વિપક્ષને આશ્વાસન આપ્યું હતું કે, આવું કંઇ જ નહી થાય, સરકાર તટસ્થ અને ન્યાયી રીતે રિ સર્વે માટે કટિબધ્ધ છે, રાજયના કોઇપણ ખેડૂતને અન્યાય થવા દેવામાં નહી આવે. નીતિન પટેલે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, ખેડૂતો તરફથી જયાં સુધી સંતોષકારક સંમંતિ નહી અપાય ત્યાં સુધી કોઇપણ કિસ્સામાં પ્રમોલગેશન આખરી કરાશે નહી. રાજયમાં ખેડૂતોની જમીનોની ફેરમાપણીને લઇ અગાઉ વિપક્ષ કોંગ્રેસ દ્વારા સરકાર પર જોરદાર પ્રહારો કરાયા હતા અને ગંભીર આક્ષેપ લગાવાયા હતા કે, સરકારે સેટલાઇટ રિ સર્વે કરાવ્યો છે, તેમાં ભારે વિસંગતતાઓ અને ગોટાળા સર્જાયા છે. ઘણા કિસ્સાઓમાં ખેડૂતોની જમીનો ગાયબ થઇ ગઇ છે, તો કેટલાય કિસ્સાઓમાં કોઇની જમીન કોઇનામાં જતી રહી છે તો વળી કોઇને જમીનવિહોણાં જ દર્શાવાયા છે. આ સહિતની અનેક ગેરરીતિઓ જમીન ફેરમાપણીમાં બહાર આવી હોવાના આરોપ વિપક્ષે લગાવ્યા હતા. દરમ્યાન આજે વિધાનસભા ગૃહમાં પણ કોંગ્રેસે ફરી એકવાર જમીન ફેરમાપણીના મુદ્દે વિરોધ ઉઠાવી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર સીધા આક્ષેપ કર્યા હતા કે, જમીન ફેરમાપણી જૂની પધ્ધતિ મુજબ મેન્યુઅલી થતી હતી, તે જ પ્રકારે થવી જોઇએ અને સ્થળ પર જઇ જાત તપાસ કરી ફેરમાપણી થાય તે જ ન્યાયોચિત છે પરંતુ સરકારે જમીનોની સેટેલાઇટ રિ સર્વે કરાવ્યા, તેમાં ગંભીર ગોટાળા સર્જાયા છે, જેને લઇ રાજયમાં વર્ગવિગ્રહ ફાટી નીકળવાની દહેશત પ્રવર્તી રહી છે. ખાસ કરીને ખેડૂતો સરકારના અન્યાયનો ભોગ બન્યા છે. વિપક્ષના અન્ય ધારાસભ્યોએ પણ ધાનાણીના વિરોધના સૂરમાં સૂર પૂરાવ્યો હતો અને ઉગ્ર માંગણી કરી હતી. જેથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિપક્ષના આક્ષેપનો જવાબ આપતાં અને તેમને ભરોસો આપતાં જણાવ્યું હતું કે, જમીન રિ સર્વે મામલે સરકાર તટસ્થ, પારદર્શી અને ન્યાયી કાર્યવાહી કરવા કટિબધ્ધ છે. રાજયના કોઇપણ ખેડૂતને અન્યાય નહી થાય. કોઇની જમીન પણ કોઇની પાસે નહી જાય. જયાં સુધી ખેડૂતોની સંતોષકારક સંમંતિ નહી આવે ત્યાં સુધી જમીનનું પ્રમોલગેશન નિર્ણિત નહી કરાય. નાયબ મુખ્યમંત્રીએ એવી પણ ખાતરી ઉચ્ચારી હતી કે, રાજયમાં વર્ગવિગ્રહ જેવું કંઇ નહી થાય. મુખ્યમંત્રીએ ખેડૂતોના હિતમાં આ મામલે કેબીનેટમાં નિર્ણય લીધો છે.

Related posts

NEW YEAR EVENT AT HARE KRISHNA MANDIR, BHADAJ

aapnugujarat

ઘરે બેઠા વાળને કલર કરાવવાના ચક્કરમાં મહિલાએ ૧ લાખ રુપિયા ગુમાવ્યા

editor

हार्दिक पटेल को सुप्रीम कोर्ट से राहत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1