Aapnu Gujarat
શિક્ષણ

આરટીઇ હેઠળ ઓનલાઇન પ્રવેશો માટે આજથી પ્રક્રિયા

રાઇટ ટુ એજયુકેશન (આરટીઇ) હેઠળ આજથી અમદાવાદ શહેર સહિત રાજયભરની પ્રાથમિક શાળાઓમાં સમાજના ગરીબ અને નબળા વર્ગના બાળકો માટે ૨૫ ટકા અનામત બેઠકોે પર ઓનલાઇન પ્રવેશ આપવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે. તા.૭મી માર્ચ સુધી બાળકોના વાલીઓ ઓનલાઇન અરજી કરી શકશે. આ પ્રક્રિયામાં અમદાવાદ શહેરમાં આ વર્ષે ૧૯ હજાર જેટલા બાળકોને જયારે રાજયભરમાં મળી કુલ ૮૦ હજાર જેટલા બાળકોને આરટીઇ એકટ હેઠળ પ્રવેશ અપાય તેવી શકયતા છે. જો કે, આરટીઇ એકટ હેઠળ પ્રવેશ આપવામાં તંત્રના ધાંધિયા અને વ્યાપક ફરિયાદો પણ એટલા જ પ્રમાણમાં ઉઠતી હોઇ આ વખતે સરકાર અને શિક્ષણ સત્તાવાળાઓ બને એટલા વિવાદ ખાળવાનો પ્રયાસ કર્યો છે. બાળકોના વાલીઓ તરફથી ઓનલાઇન અરજીઓ સ્વીકારાયા બાદ તેની પુખ્ત વિચારણા અને ચકાસણી બાદ તા.૯મી માર્ચથી રાજય સરકારના શિક્ષણ સત્તાવાળાઓ દ્વારા ઓનલાઇન લોટરી સીસ્ટમ મારફતે ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. પંસદ થયેલા બાળકોને જે તે શાળા તરફથી જાણ કરવામાં આવશે. સરકાર દ્વારા ગુજરાતી માધ્યમની ૪૪૦થી વધુ, હિન્દી માધ્યમની ૮૦, અંગ્રેજી માધ્યમની ૨૫૫, ઉર્દૂની ત્રણ અનએ સીબીએસઇની તમામ શાળાઓને આરટીઇ એકટ હેઠળની પ્રવેશ પ્રક્રિયામાં સમાવિષ્ટ કરાઇ છે. આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા ઇચ્છતા બાળકોના વાલીઓએ રૂ.એક લાખની વાર્ષિક આવકના પ્રમાણપત્ર, એસસી,એસટી સહિતના જાતિના પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, બીપીએલ, કાર્ડ, જન્મનો દાખલો, લાઇટબીલ, ટેલિફોન બીલની છેલ્લી કોપી અને તેની બે મહિનાના બીલની કોપી સહિતના સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. ગત વર્ષે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં ગુગલ મેપના સહારે શાળાઓની ફાળવણી સહિતની બાબતોમાં ઉઠેલી વ્યાપક ફરિયાદો અને કથિત ગેરરીતિઓને લઇ ત્રણ હજારથી વધુ બાળકો આરટીઇ હેઠળ પ્રવેશથી વંચિત રહ્યા હતા, જેને લઇ ભારે ઉહાપોહ મચ્યો હતો. ગુગલ મેપના સહારે શાળાની ફાળવણી કરવામાં નિયમોની જોગવાઇનો ભંગ કરી બાળકના રહેઠાણથી પંદર કિલોમીટર દૂર હોય તેવી શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયા હતા અને ગંભીર છબરડા સામે આવ્યા હતા, જે મુદ્દે હાઇકોર્ટમાં પણ રિટ અરજી થઇ હતી. હાઇકોર્ટે આ તમામ ખામીઓ નિવારવા સહિતના જરૂરી હુકમો પણ કર્યા હતા, તેથી સત્તાવાળાઓએ આ વખતે આ બધી બાબતોમાં પૂરતી તકેદારી રાખી છે. આ વખતે વાલીઓ વેબસાઇટ પર તેમના બાળકો માટે પસંદ કરવાની થતી શાળા અને તેના બિલ્ડીંગનો ફોટો પણ જોઇ શકશે. આરટીઇ હેઠળ ગત વર્ષે અમદાવાદ શહેરમાં ૧૧,૧૯૦ બાળકોને જયારે ગ્રામ્યમાં ૭૦૦૧ બાળકોને પ્રવેશ અપાયો હતો. આ વખતે પણ શહેરમાં ૧૯ હજાર જેટલા બાળકોને પ્રવેશ અપાવાની શકયતા છે. આજથી શરૂ થઇ રહેલી પ્રવેશ પ્રક્રિયા બાદ ખબર પડશે કે, તંત્ર દ્વારા ખામી નિવારણ કરતાં કેવા પગલાં ભર્યા છે.

Related posts

કેનેડામાં કામ શોધવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે

aapnugujarat

अब सीए में सीपीटी की जगह फाउंडेशन एक्जाम

aapnugujarat

બાળકોના વિકાસ માટે શાળાઓ ખોલવી પણ આવશ્યક છે : ગુલેરિયા

editor

Leave a Comment

UA-96247877-1