Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લામાં અંદાજે રૂા.૧૪૦.૧૦ લાખના ખર્ચે ૨૪ જેટલી પાણી પુરવઠા યોજના મંજૂર

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં અંદાજે રૂા. ૧૪૦.૧૦ લાખના ખર્ચે ૨૪ જેટલી પીવાના પાણીની યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. મંજૂર થયેલી આ યોજનાઓની કામગીરી ઝડપથી હાથ ધરી જે તે ગામના લાભાર્થીઓને સમયસર તેનો લાભ મળી રહે તે જોવા વાસ્મોના અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ બેઠકમાં ચર્ચા દરમિયાન નર્મદા ડેમના દરવાજા બંધ થવાથી હાલમાં પાણીની સપાટી ૧૩૮ મીટર સુધી હોઇ, ડેમના ઉપરવાસના ગામોમાં સંભવતઃ ચાર-પાંચ ગામોની  જુથ્ પાણી પુરવઠા યોજનાની શક્યતા ચકાસવા અને તે દિશામાં આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવા પણ વાસ્મોના યુનીટ મેનેજર શ્રી ગામિતને સૂચના આપી હતી. તદ્ઉપરાંત હાલમાં જિલ્લાની જૂથ પાણી પુરવઠા યોજનાના ગામોમાં નર્મદા યોજનાના અસરગ્રસ્તોની વસાહતોને કનેક્ટીવીટી મળી ન હોય તેવી વસાહતોમાં પાણીની સુવિધા ઉપલબ્ધ થઇ શકે તે માટે સરકારશ્રીમાં કરાયેલી દરખાસ્ત સંદર્ભે ઉચ્ચકક્ષાએ જરૂરી ફોલોઅપ-મોનીટરીંગની કાર્યવાહી થાય તે જોવા પણ તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.

આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી ઉક્ત બેઠકમાં અંદાજે રૂા. ૧૪૦.૧૦ લાખના ખર્ચે મંજૂર થયેલી ૨૪ પાણી પુરવઠા યોજનાઓમાં નાંદોદ તાલુકામાં ઓરી અને થરી, ગરૂડેશ્વર તાલુકામાં નગાધપોર (કબીર), તિલકવાડા તાલુકામાં બુજેઠા, ચુડેશ્વર, ગોધામ, શીરા, નવાપુરા(શીરા) આને ગોચરીયા, દેડીયાપાડા તાલુકામાં ગીચડ, ચોપડી, પાંચઉમર, મોટી સીંગલોટી, બલ, જુના મોઝદા, રાંભવા, બોર, ટીંબાપાડા, મોસ્કુટ (ખાપર) ફળીયુ અને તાબદા (ટેકરા) ફળીયું તેમજ સાગબારા તાલુકામાં ઘોડમુંગ, રછવાડા, પલાસવાડા અને કેલ ગામની નવી પાણી પુરવઠા યોજનાનો સમાવેશ થાય છે.

જિલ્લામાં આજદિન સુધી અંદાજે રૂા.૪૮૪૯.૭૮ લાખના ખર્ચે પૂર્ણ થયેલી ૫૩૮ જેટલી પાણી પુરવઠા યોજનાઓ તેમજ રૂા.૨૩૧.૬૩ લાખના ખર્ચે પ્રગતિ હેઠળની ૨૬ જેટલી યોજનાઓની પણ આ બેઠકમાં સમીક્ષા કરાઇ હતી. પ્રગતિ હેઠળની યોજનાઓ પણ ઝડપથી પૂર્ણ થાય તે જોવાની તાકીદ કરી હતી.

આ બેઠકમાં વાસ્મોના યુનીટ મેનેજરશ્રી અને ગુજરાત પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેરશ્રી એ.એમ. ગામિત, પ્રાયોજના વહિવટદારશ્રી આર.બી. બારીયા, સિંચાઇના કાર્યપાલક ઇજનેરશ્રી આર.ડી. ડામોર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વેકરીયા, નાયબ માહિતી નિયામકશ્રી યાકુબ ગાદીવાલા સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

મહિલાના એકાઉન્ટ હેક કરી હેકરે ખંડણી માંગતા ચકચાર : સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ

aapnugujarat

માથાસુર ગામનાં સરપંચ પલ્લવીબહેન ગ્રામજનો સાથે બેંક મેનેજરને મળ્યાં

aapnugujarat

વડોદરામાં કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૭ મેળવવા સંપર્ક કરો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1