Aapnu Gujarat
રમતગમત

ઈંગ્લૅન્ડ ટી-૨૦ વર્લ્ડ ચૅમ્પિયન

જોસ બટલરની આગેવાનીવાળી ઈંગ્લેન્ડ ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતાં ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ જીતી લીધો છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ફાઈનલમાં લાજવાબ બોલિંગ પ્રદર્શન બાદ બેન સ્ટોક્સની મહત્વની ઈનિંગ્સની મદદથી ઈંગ્લેન્ડે પાકિસ્તાનને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે જ ઈંગ્લેન્ડે ૧૯૯૨ના વન-ડે વર્લ્ડ કપની ફાઈનલનો હિસાબ ચૂકતે કર્યો છે. ૧૯૯૨ના વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને પાકિસ્તાન ચેમ્પિયન બન્યું હતું. ઈંગ્લેન્ડે ટોસ જીતીને બાબર આઝમની ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૩૭ રનનો સ્કોર જ નોંધાવી શકી હતી. જોકે, પાકિસ્તાને વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો અને શરૂઆતમાં મહત્વની વિકેટો ઝડપીને ઈંગ્લેન્ડને દબાણમાં લાવી દીધું હતું. પરંતુ બેન સ્ટોક્સે એક છેડો જાળવી રાખ્યો હતો અને અણનમ અડધી સદી ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. ઈંગ્લેન્ડે ૧૯ ઓવરમાં પાંચ વિકેટે ૧૩૮ રન નોંધાવીને મેચ અને ટી૨૦ વર્લ્ડ કપ ટ્રોફી જીતી લીધી હતી.
ઈંગ્લેન્ડ સામે ૧૩૮ રનનો લક્ષ્યાંક હતો અને સેમિફાઈનલમાં ભારત સામે એલેક્સ હેલ્સ અને કેપ્ટન જોસ બટલરે જે અંદાજમાં બેટિંગ કરી હતી જે તે જોતા આટલો લક્ષ્યાંક તેમના માટે આસાન હતો. જોકે, પાકિસ્તાની બોલર્સે વળતી લડત આપી હતી. શાહીન આફ્રિદીએ એલેક્સ હેલ્સની એક રને પેવેલિયન ભેગો કરી દીધો હતો. ત્યારબાદ ફિલેપ સોલ્ટ પણ ૧૦ રન નોંધાવીને આઉટ થયો હતો. જોસ બટલરે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હેરિસ રૌફે તેને પેવેલિયન ભેગો કરીને ઈંગ્લેન્ડને બેકફૂટ પર મૂકી દીધું હતું. બટલરે ૧૭ બોલમાં ૨૬ રન નોંધાવ્યા હતા જેમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી.
ઈંગ્લેન્ડ માટે બોલર્સે દમદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ બેન સ્ટોક્સે બેટિંગમાં ઉમદા પ્રદર્શન કર્યું હતું. તેણે અંત સુધી એક છેડો જાળવી રાખ્યો હતો અને ઈંગ્લેન્ડ માટે મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી. સામે છેડે તેને હેરી બ્રૂક અને મોઈન અલીનો પણ સારો સાથ મળ્યો હતો. આ બંને બેટર મોટી ઈનિંગ્સ રમી શક્યા ન હતા પરંતુ સ્ટોક્સની સાથે મળીને ટીમને વિજય સુધી દોરી ગયા હતા. હેરી બ્રૂકે ૨૩ બોલમાં ૨૦ રનની ઈનિંગ્સ રમી હતી જ્યારે મોઈન અલીએ ત્રણ ચોગ્ગા સાથે ૧૩ બોલમાં ૧૯ રનનું યોગદાન આપ્યું હતું. બેન સ્ટોક્સે ૪૯ બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી અણનમ ૫૨ રન ફટકાર્યા હતા. પાકિસ્તાન માટે હેરિસ રૌફે બે વિકેટ ઝડપી હતી જ્યારે શાહીન આફ્રિદી, શાદાબ ખાન અને મોહમ્મદ વસીમ જૂનિયરને એક-એક સફળતા મળી હતી.
પાકિસ્તાની ટીમને પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યું હતું. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની ઓપનિંગ જોડીએ પ્રમાણમાં સારી શરૂઆત કરી હતી. જોકે, બાદમાં ઈંગ્લિશ બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પાકિસ્તાને નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. જેના કારણે મોટો સ્કોર થઈ શક્યો ન હતો. સેમ કરને રિઝવાનને આઉટ કરીને પાકિસ્તાનને પ્રથમ ઝટકો આપ્યો હતો. તેણે ૧૫ રનની ઈનિંગ્સ રમી હતી. ત્યારબાદ આદિલ રાશિદે અત્યંત ચુસ્ત બોલિંગ કરી હતી અને બે મહત્વની વિકેટ પણ ઝડપી હતી. આદિલ રાશિદે મોહમ્મદ હેરિસને આઉટ કર્યો હતો જેણે આઠ રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ તેણે પાકિસ્તાની સુકાની બાબર આઝમને આઉટ કરીને ટીમને મોટી સફળતા અપાવી હતી. બાબરે ૨૮ બોલમાં બે ચોગ્ગા સાથે ૩૨ રન ફટકાર્યા હતા. ઈફ્તિખાર અહેમદ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ટીમ માટે શાન મસૂદે સૌથી વધુ ૩૮ રન નોંધાવ્યા હતા. તેણે ૨૮ બોલની ઈનિંગ્સમાં બે ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. આ ઉપરાંત શાદાબ ખાને ૧૪ બોલમાં ૨૦ રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ માટે સેમ કરને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે આદિલ રાશિદ અને ક્રિસ જોર્ડને બે-બે વિકેટ ખેરવી હતી. જ્યારે બેન સ્ટોક્સને એક સફળતા મળી હતી.

Related posts

Australia squad announced for South Africa tour

aapnugujarat

अरुण जेटली स्टेडियम के नाम से जाना जाएगा फिरोजशाह कोटला : DDCA

aapnugujarat

न्यूजीलैंड के बल्लेबाजी कोच बने ल्यूक रोंची

editor

Leave a Comment

UA-96247877-1