Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસને વોટ આપશે તો રાહુલની અને ભાજપને વોટ આપશો તો શાહના પુત્રની પ્રગતિ થશે : ARVIND KEJRIWAL

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ત્રણેય પક્ષોના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ, રોડ શો કરી રહ્યા છે. આજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં હજુ ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી પરંતુ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે.
આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમે સભા માટે જે સ્થળ માંગીએ ત્યાં કેન્સલ કરાવે છે. ગુજરાતમાં આ ગુંડાગર્દીનોં જવાબ જનતા આપશે. અમારી ૧૨ સભાઓ રદ્દ કરાવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતને ૨૭ વર્ષ બાદ હવે કંઈક નવું મળશે. સોનિયા ગાંધીને વોટ આપશે તો રાહુલ ગાંધીની પ્રગતિ થશે. ભાજપને વોટ આપશો તો અમિત શાહના દીકરાની પ્રગતિ થશે. આ લોકો ગુજરાતની પ્રગતિ જોઈ શકતા નથી. મને આતંકવાદ સાથે સરખાવી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, આજે મને રાજ્યની બહેનના આંસુ જોઇ મારું હ્રદય પણ દ્રવિત થયું. પરંતુ હું વિશ્વાસ અપાવું છું કે અમે ગુજરાતમાં યુવાનોને રડવા નહી છોડીએ. ભગતસિંહે નહોતું વિચાર્યું કે દેશ આઝાદ થયા પછી આ સ્થિતિ હશે. ૨૭ વર્ષ માં લોકોને રોજગાર નથી મળ્યો, સરકારી શાળા ખરાબ, પેપર ફુટવા જેવી ઘટનાઓ બની રહી છે તો આ લોકોને વોટ શુ કામ આપો છો? કોંગ્રેસ ભાજપ કરતાં પણ વધારે ખરાબ છે, તેમને વોટ ન આપવો પડે એટલે ભાજપને વોટ આપો છે. પરંતુ આજે મારે ઉમેરવું છે કે હવે તમારી પાસે મજબુત વિકલ્પ છે કટ્ટર રાષ્ટ્રવાદી પાર્ટી.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હીમાં ૫ વર્ષમાં ૧૨ લાખ લોકો માટે રોજગારની વ્યવસ્થા કરી. જ્યા સુધી રોજગારી ઉભી નહી કરીએ ત્યાં સુધી બેરોજગાર યુવાનોને ૩ હજાર બેરોજગારી ભથ્થું આપીશું. જો અમારી સરકાર બનશે તો ભાજપા અને મોદીના નારા લગાડવા વાળા લોકોને પણ ભથ્થું અને રોજગારી આપીશું. આજે રાજ્યમાં એટલો ભ્રષ્ટાચાર વધ્યો છે કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓની પ્રોપર્ટી વેચી દેવામાં આવે તો પણ ગુજરાતનું દેવું ઉતરી જાય. ગુજરાતના શિક્ષણ અને આરોગ્યમાં લાખો રોજગાર ઉત્પન્ન થશે. ગુજરાતમાં ૨૦ હજાર મહોલ્લા ક્લીનીક ખોલીશું જેમાં ૧ લાખ રોજગાર પેદા થશે.
કેજરીવાલે જણાવ્યું કે પંજાબમાં અમે રાશનની હોમ ડીલીવરી શરૂ કરી એ પ્રકારે ગુજરાતમાં શરૂ કરી નવી નોકરી પેદા કરાશે. આ પ્રમાણે ચાલીએ તો ગુજરાતમાં પાંચ વર્ષમાં ૨૦ લાખ રોજગાર ઉત્પન્ન થશે. તેમણે ઉમેર્યું કે પેપર ગુજરાતમાં લીંક થાય છે અને સીબીઆઇની રેડ મનિષ સિસોદિયાના ઘરે થાય છે. ગુજરાતમાં પેપર એટલા માટે ફુટે છે કે તેમાં બધા મળેલા છે તેની તપાસ થશે અને નેતાઓને જેલ ભેગા કરીશુ. પેપર ફુટવા અંગે કાયદો બનાવી ૧૦ વર્ષની જેલનો કાયદો બનાવીશું.
પંજાબના સીએમ ભગવંત માન આજે ગુજરાતના પ્રવાસે છે અને તેઓ નરોડામાં એક સભા કરી હતી. તેમણે જણાવ્યું કે પંજાબમાં મેડિકલ સેવા સારી મળી રહી છે. ૨૦ હજારથી વધુ લોકોને રોજગારી આપી છે. શિક્ષણ પ્રગતિના પંથે છે, હવે ગુજરાતમાં આ તમામ યોજના લાગુ થશે. ઉધોગોમાં વિકાસ થઈ રહ્યો છે. પંજાબમાં જનતાની સરકાર છે, ચંદીગઢ એરપોર્ટનું નામ ભગતસિંહ નામ કરાશે. વડાપ્રધાન મોદીએ મન કી બાત મા અમારી રજુઆત સ્વીકારી છે હું આભાર માનુ છું.
પંજાબના સીએમ ભગવંત માને જણાવ્યું કે, અમે ભાષણ નથી કરતા તમારી સાથે સંવાદ કરીએ છીએ. વાર્તાલાપમાં વિચારોનું આદાન પ્રદાન થાય છે અમે લોકોને સાંભળીએ છીએ. ભાજપ વાળા માત્ર બોલે છે મનની વાત કરે છે. તેઓ ખેડુતોની બેઠકમાં વિજ્ઞાન ભવન અને ડોક્ટરની બેઠક કૃષી ભવનમાં કરે છે. તેમણે લોકોને જણાવ્યું કે તમારી તાકાતનો પોઝીટીવ ઉપયોગ કરો અને તમારી સરકાર લાવો. તમામ વર્ગના લોકો અમારી પાર્ટીમાં છે અન્ય પાર્ટીના કાઢેલા નથી.
ભગવંત માને વધુમાં જણાવ્યું હતું કે, પંજાબમાં ૨૬ વર્ષના ધારાસભ્ય છે, બીજી પાર્ટી વાળા લોકો તાલુકાનો પ્રમુખ પણ બનાવતા નથી. તેમનો પરિવાર જ પુરો થતો નથી કે બીજાનો વારો આવે. નવા આઈડીયા યુથ પાસેથી આવે છે. દેશનું યુવા ધન ટેલેન્ટેડ અને તાકાતવર છે, માત્ર દિશા બતાવવાની જરૂર છે. પૈસાથી મત નહી મળે હવે માત્ર કામથી મત મળશે. ભગવંત માને જણાવ્યું કે પંજાબમાં ૮૪૦૦ શિક્ષકને કાયમી કર્યા છે. ૨૦ હજાર નવી નોકરી માટેની ભરતી શરૂ કરી. પંજાબનાં એક ધારાસભ્ય એક પેન્શન યોજના દાખલ કરી. અત્યારે સમય આમ આદમી પાર્ટીનો છે તેની સાથે ચાલો. આ લોકોને ધારાસભ્ય ખરીદવાની ટેવ છે. દિલ્હીમાં અને પંજાબમાં પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી.

Related posts

લો ગાર્ડન ફૂડ સ્ટ્રીટ એકાદ મહિનામાં ફરી ધમધમશે

aapnugujarat

દેશી બનાવટની પિસ્તોલની સાથે એક શખ્સની ધરપકડ

aapnugujarat

सरसपुर में इतिहास में पहली बार रथ दो घंटे तक रुके

aapnugujarat

Leave a Comment

UA-96247877-1