Aapnu Gujarat
રાષ્ટ્રીય

પ્રસિદ્ધ ભારતીય સંતુર વાદક શિવકુમાર શર્માનું ૮૪ વર્ષની વયે અવસાન

વિખ્યાત સંતુર વાદક શિવકુમાર શર્માનું આજે અવસાન થયું છે. મળતી માહિતી મુજબ ભારતીય સંગીતકાર અને સંતુર વાદક પંડિત શિવકુમાર શર્માનું મુંબઈમાં હાર્ટએટેકને કારણે અવસાન થયું છે. પંડિત શિવકુમાર શર્મા ૮૪ વર્ષના હતાં. છેલ્લા છ મહિનાથી કીડની સંબંધિત સમસ્યાઓથી તેઓ પીડાતા હતા અને ડાયાલીસીસ ઉપર હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંડિત શિવકુમાર શર્માના અવસાનને સાંસ્કૃતિક દુનિયાની ખોટ જણાવતા લખ્યું છે કે, “તેમણે સંતુરને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવ્યું. તેમનું સંગીત આવનારી પેઢીઓને મંત્રમુગ્ધ કરતુ રહેશે. મને તેમની સાથેની મારી વાતચીત સારી રીતે યાદ છે. તેમના પરિવાર અને પ્રશંશકો પ્રત્યે સંવેદના.”

પંડિત શિવકુમાર શર્માએ માત્ર 13 વર્ષની ઉંમરમાં જ સંતુરનું વાદન શરુ કરી દીધું હતું. તેમણે ૧૯૫૫ માં મુંબઈમાં તેમની પહેલી પ્રસ્તુતિ રજુ કરી હતી. ૧૯૯૧માં પ્રદ્મશ્રી અને પછી ૨૦૦૧માં પદ્મ વિભૂષણથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

પંડિત શિવ કુમાર શર્માએ સંતુરને વિશ્વવિખ્યાત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. સંતુર વાદ્ય એક સમયે કાશ્મીરનું ઓછું જાણીતું વાદ્ય હતું, પરંતુ પંડિત શર્માના યોગદાનથી સંતુરને એક શાસ્ત્રીય વાદ્યનો દરજ્જો મળ્યો અને તેને અન્ય પારંપરિક અને પ્રસિદ્ધ વાદ્ય યંત્રો જેવા કે સિતાર અને સરોદની સાથે ઊંચાઈ ઉપર પહોચાડ્યું. શિવકુમાર શર્માએ સિલસિલા, લમ્હે અને ચાંદની જેવી ફિલ્મો માટે વાંસળી વાદક પંડિત હરિપ્રસાદ ચોરસિયાની સાથે સંગીત તૈયાર કર્યું હતું. સંગીત પ્રેમીઓમાં તેઓ શિવ-હરીની જોડીના નામે જાણીતાં હતાં.

તેઓએ તેમની સંગીત તાલીમ પાંચ વર્ષની ઉંમરે તેમના પિતા પાસે કંઠ્ય સંગીત અને તબલા શીખવાથી શરુ કરી હતી. તેમના એક ઇન્ટરવ્યુંમાં તેઓએ જણાવ્યું છે કે તેઓ શરૂઆતમાં સંતુરને વગાડવા માટે તૈયાર નહોતા. તેઓ તબલા શીખી રહ્યા હતાં. પણ તેમના પિતાનો વિચાર હતો કે સંતુરને ભારતીય શાસ્ત્રીય સંગીત વાદ્યની શૈલીમાં તેઓ વગાડે અને તેમની રીસર્ચ બાદ જ્યારે તેમણે સંતુર શરુ કર્યું ત્યારે પ્રકૃતિ તેમની સૌપ્રથમ પ્રેરણા હતી જે દ્વારા તેઓ સુંદર સંગીતની રચના કરી શક્યા. તેઓએ એક વખતે કહ્યું હતું કે, “કારણકે હું શાસ્ત્રીય સંગીતમાં છું તો એને લીધે અન્ય સંગીતથી દુરી રાખવી એ યોગ્ય નથી. હું લોકસંગીત, પાશ્ચાત્ય સંગીત અને સંગીતના તમામ પ્રકારોને સંભાળતો રહ્યો છું. ઘણા લોકો એમ કહેતા હતાં કે સંતુરને શાસ્ત્રીય વાદ્ય તરીકે તૈયાર કરવાનું અશક્ય છે અને હું એ વાતને જ મારી પ્રેરણા કહું છું. અને જયારે જ્યારે સંતુર વિષે આ વાત સાંભળું ત્યારે એ મને સંતુર પ્રત્યે વધુને વધુ પ્રેરિત કરતી રહી છે.

13 વર્ષની ઉંમરે સંતુર હાથમાં લીધું અને તેને અન્ય ક્લાસિકલ તાર વાદ્યોની કોપી નહિ પરંતુ સંતુરની પોતાની આગવી રેન્જમાં પાંચ દસ વર્ષના સતત પ્રયત્નો દ્વારા આત્મસાત કર્યું અને તેમાંથી શાસ્ત્રીય સંગીતના સુરો રેલાવ્યા. એક સમયે પોતાના ૧૦૦ તારની બનાવટને લીધે શત તંત્રી વીણાના નામે જાણીતું સંતુર તેમણે મોડીફાય કર્યું.

૨૦૧૩માં રાજ્યસભા ટીવીના ઈન્ટરવ્યું કાર્યક્રમ શક્શિયતમાં તેઓ જણાવે છે કે, “૧૯૫૫માં જનક જનક પાયલ બાજે ફિલ્મ બની રહી હતી. તેમાં મને સંતુર વગાડવાનો મોકો મળ્યો. અને મેઈન મારા સંગીતના ટુકડા પોતે જ તૈયાર કર્યા હતાં. પહેલી વાર સંતુરનો ઉપયોગ ફિલ્મ સંગીતમાં આ રીતે શરુ થયો.

તેમના કોલ ઓફ ધ વેલી અને માઉન્ટેન જેવા આલ્બમ ખુબ પ્રસિદ્ધ થયા. જેની પ્રપોઝલ આવી ત્યારે તેમના કહેવા મુજબ તેમણે પહાડ અને વેલી યાદ આવ્યા હતાં અને એટલે જ તેમના અલ્બમ્સના નામ એ રાખ્યા હતાં. તેમનું ગમતું ગીત હતું લમ્હે ફિલ્મનું ગીત, “કભી મે કહું…”

પંડિત શિવકુમાર શર્માએ એક વખત એક ઈન્ટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે તેમના પિતા ઇચ્છતા હતાં કે જમ્મુ અથવા શ્રીનગરની આકાશવાણીમાં તેઓ કામ કરે. પિતા એમ ઇચ્છતા હતાં કે દીકરો સરકારી નોકરી દ્વારા પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી લે. તેઓએ જવાબ આપ્યો હતો કે સંગીતનું કામ પણ જો નોકરી રૂપે કરવાનું હોય તો એ ગુલામી છે અને એ મારાથી નહિ થાય. પિતાએ આપેલા ૫૦૦ રૂપિયા લઈને મુંબઈ આવી ગયા અને અહીંયા તેમની ફિલ્મી સંગીતની સફર પણ શરુ થઇ, જે તેમના કહેવા મુજબ તેમણે વિચારેલી નહોતી.

– મયુરિકા માયા, અમદાવાદ

Related posts

SC will hear petition challenging 10% reservation for general category on July 16

aapnugujarat

Arvind Sawant Resign From Modi’s Cabinet

aapnugujarat

किसान मानधन योजना 12 सितंबर को होगी लांच

aapnugujarat

Leave a Comment

UA-96247877-1