Aapnu Gujarat
ગુજરાત

પાલડીમાં શિવ મંદિર તોડવાનો વિવાદ ગંભીર

ખુદ અમદાવાદ શહેરના મેયર બીજલબહેન પટેલના પાલડી વોર્ડમાં જ ગઇકાલે બપોરે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા વર્ષા ફલેટની પાસેના વર્ષો જૂના નર્મદેશ્વર મહાદેવના મંદિરને જેસીબી મશીન લઇને તોડી પાડતાં ભારે વિવાદ સર્જાયો છે. હજારો શ્રધ્ધાળુઓમાં આ જૂના શિવમંદિરને એકાએક તોડી પડાતાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો છે. ખાસ કરીને હજારો શ્રધ્ધાળુઓએ ભગવાન શિવના આ જૂના અને આસ્થાના પ્રતીકસમા મંદિરના પુનઃ નિર્માણની માંગ મેયર સહિત અમ્યુકો સત્તાવાળાઓ સમક્ષ ઉઠાવી છે. આજે સેંકડો સ્થાનિક શ્રધ્ધાળુઓએ ધરણાં-ઉપવાસ પર બેસી અમ્યુકો સત્તાધીશો સમક્ષ પોતાનો ઉગ્ર આક્રોશ અને વિરોધ વ્યકત કર્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓની શિવમંદિરને જમીનદોસ્ત કરવાની કામગીરી દરમ્યાન શિવલિંગ ઉપરાંત શેષનાગ, શનિદેવ તેમજ હનુમાનજીની મૂર્તિ પણ ખંડિત થવાથી શ્રદ્ધાળુઓમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. ગઇકાલે મેયર સહિતના પદાધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ મ્યુનિસિપલ મુખ્યાલયમાં ઉગ્ર રજુઆત કરનાર સ્થાનિક રહેવાસીઓએ આજે સવારે શિવમંદિરના પુનઃનિર્માણની માગણી સાથે ધરણાં યોજયાં હતાં. પાલડીના વર્ષા ફલેટની પાસે આવેલા સ્કાઉટ ભવનની દીવાલને અડીને છેક વર્ષ ૧૯૭૩ના પુરના સમયથી સ્વયંભૂ સ્થાપિત થયેલાં વર્ષો જૂના નર્મદેશ્વર મહાદેવ મંદિર સાથે આસપાસના રહેવાસીઓ ઉપરાંતના વિસ્તારના રહેવાસીઓની ધાર્મિક લાગણી જોડાયેલી છે. આ શિવમંદિરને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કોઇપણ જાતની સૂચના આપ્યા વગર તોડી પાડતાં સેંકડો શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઇ હોઇ આ બાબતે હવે જોરદાર વિરોધનો વંટોળ ઉઠ્‌યો છે. કોમલ એન્કલેવના રહેવાસી સુનીલ આચાર્ય તેમજ અન્ય સ્થાનિક રહેવાસીઓ જનકસિંહ પરમાર, અશ્વિન મોરી વગેરેેએ ઉગ્ર આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, અમને મેયર બીજલબહેને શિવમંદિરને ફરીથી બાંધી આપવાની ખાતરી આપી હોઇ અમે શિવમંદિરના પુનઃનિર્માણની પ્રતીક્ષા કરીશું. એટલે જ આજે માત્ર ધરણાંનો કાર્યક્રમ યોજ્યો છે. અમારી જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની પણ માગણી છે. આની સાથે સાથે તંત્ર દ્વારા નિર્માણાધીન અંજલિ ચાર રસ્તા ફ્‌લાયઓવર બ્રિજની કામગીરીમાં કપાતમાં ગયેલી મદની મસ્જિદના કેટલાક ભાગનો વિવાદ પણ શિવમંદિરની રજુઆત દરમ્યાન ઉઠ્‌યો હતો સ્થાનિક ધારાસભ્ય રાકેશ શાહ કહે છે, તંત્ર સાથેના સમાધાન ભાગરૂપે મદની મસ્જિદના ઉપરના ભાગમાં વધારાનું બાંધકામ કરવાની છૂટ અપાઇ છે. પરંતુ સ્થાનિક લોકોની રજુઆત મળતાં તે બાબતે મેં પંદર દિવસ પહેલાં અને ગઇકાલે તંત્ર સમક્ષ રજુઆત કરી છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓએ મંજૂરીપાત્ર બાંધકામ ઉપરાંત જો વધારાનું બાંધકામ કરાયું હશે તો તેની સ્થળ તપાસ કરીને તેટલા ભાગને ખુલ્લો કરવાની ખાતરી મને આપી છે. જો આવું બાંધકામ કરાયું હોય તો તેની તપાસ થવી જોઇએ. સ્થાનિક કોર્પોરેટર ડો.સુજય મહેતાએ જણાવ્યું કે, અમારા વોર્ડના કોર્પોરેટર આશિષ શાહ, સ્થાનિક ધારાસભ્ય રાકેશ શાહ ભાજપના નેતા અને વાસણાના કોર્પોરેટર અમિત શાહ વગેરેની સાથે મેં સત્તાધીશો સમક્ષ શિવમંદિરના પુનઃ નિર્માણ મામલે રજુઆત કરી હતી. જો કે શિવ મંદિરને તોડવાની કામગીરીની અમને કોઇને જાણ ન હતી. તો હવે શિવમંદિર કોઇની જાણ બહાર બારોબાર કેવી રીતે અને કોના ઇશારે તોડી પડાયું તે ગંભીર સવાલ સામે આવીને ઉભો છે અને ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો આ મામલે ગંભીર રીતે ગરમાયો છે.

Related posts

90-સોમનાથ ના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા

editor

નર્મદા જિલ્લાના ઔદ્યોગિક એસોસીએશનો / ઉદ્યોગકારોની પડતર નીતિ વિષયક કે વ્યક્તિગત પ્રશ્નોની વિગતો મોકલવા અનુરોધ

aapnugujarat

અમેરિકા-કેનેડા બોર્ડર પર મોતને ભેટેલ ચૌધરી પરિવારના અંતિમ સંસ્કાર કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1