Aapnu Gujarat
બ્લોગ

મોદી સરકારનું લોકસભા પહેલાનું બજેટ ખેડૂતલક્ષી હશે

અરુણ જેટલી સારવાર માટે અમેરિકા ગયા છે, પણ સમયસર પરત ફરી જશે અને બજેટ રજૂ કરશે એમ જણાવાઈ રહ્યું છે. આ વખતનું બજેટ મોદી સરકારનું પાંચમું અને છેલ્લું બજેટ છે. બજેટના બદલે વૉટ ઓન એકાઉન્ટ પણ હોઈ શકે છે અને પૂર્ણ બજેટ પણ હોઈ શકે છે. ૧૦ ટકા અનામતનું ગતકડું કાઢ્યા પછી હવે બજેટના કોથળામાંથી શું બિલાડું નીકળશે તેની ચર્ચા છે. હજી એક કે બે મોટી જાહેરાતો કરાશે એવી હવા ભાજપના નેતાઓએ ચલાવી છે. બજેટમાં ખેડૂતોને મોટી રાહત અપાશે તેવી વાતો ચાલે છે, પણ તેનાથી ઉલટું થઈ શકે છે.મોદી સરકાર અમીરો અને ઉદ્યોગપતિઓની સરકાર ગણાય છે. નોટબંધીમાં ગરીબ અને મધ્યમ વર્ગના માનવીની કમર તૂટી ગઈ. બીજી બાજુ ધનિક વર્ગ વધારે ધનવાન બન્યો છે. ઓક્ઝફામ નામની સંસ્થાએ ૨૦૧૮ના આંકડાં જાહેર કર્યા તેમાં જણાવાયું છે કે ભારતના અમીરોની રોજની આવકમાં ૨૨૦૦ કરોડનું વધારો થતો રહ્યો હતો. એક તરફ ભારતના પૈસાદાર લોકોની રોજની આવકમાં ૨૨૦૦ કરોડ રૂપિયાનો વધારો થતો હતો, ત્યારે દેશમાં ૨૨ કરોડ લોકો અંદાજે દેશમાં એવા હશે જેમની ૨૦૧૮ના વર્ષમાં રોજની આવકમાં ૨૨૦૦ કરોડનો ઘટાડો રહ્યો હોવો જોઈએ. ૨૨ કરોડ કુટુંબની આવકમાં રોજનો ૧૦૦ રૂપિયાનો ઘટાડો.ઓક્ઝફામે દર વખતની જેમ આ વખતે પણ ટોચના એક ટકા લોકોની સંપત્તિ કેટલી છે તે આંકડો પણ રિપિટ કર્યો છે. અભ્યાસ અનુસાર દેશની સંપત્તિનો ૫૧.૩૩ ટકા હિસ્સો દેશના માત્ર એક ટકા લોકો પાસે છે. ૯૯ ટકા લોકો પાસે ૪૯ ટકા કરતાંય ઓછી મિલકતો છે. ટોચના દસ ટકા ૭૭.૪ ટકા મિલકતો ધરાવે છે, તે રીતે જુઓ તો ૯૦ ટકા લોકો પાસે માત્ર ૩૩ ટકા સંપત્તિ જ છે.૧૦ ટકા અનામત જાહેર કરીને ભદ્ર વર્ગનું તુષ્ટિકરણ કર્યા પછી અને ભાજપ માત્ર ઉપલા વર્ગના લોકોની જ પાર્ટી છે તે વાતને દૃઢ કર્યા પછી બેલેન્સ કરવા માટે ધનવાન લોકો પરનો ટેક્સ વધારવામાં આવે તેવી પણ શક્યતા છે. ઉદ્યોગપતિઓની સરકારના સતત આક્ષેપ પછી સરકાર સુપર રીચ ટેક્સ, એટલે કે વધુ કમાતા લોકો પર વધુ ટેક્સ લાવશે તેવી વાતો થઈ હતી. ૨૦૧૬-૧૭ના બજેટમાં સુપર રીચ લોકો પર ટેક્સ વધારવાનો દેખાવ કરાયો હતો. માત્ર દેખાવ કરાયો હતો, કેમ કે ટેક્સ ખરા અર્થમાં વધારાયો નહોતો. ઇન્કમ ટેક્સના દરોમાં કોઈ ફેરફાર કર્યા વિના અરુણ જેટલીએ જાહેરાત કરી હતી કે એક કરોડથી વધુ કમાણી કરનારા કરદાતાઓ પર સરચાર્જ વધારાશે. હકીકતમાં ચિદંબરમે છેલ્લા બજેટમાં ૧૦ ટકાનો સરચાર્જ નાખ્યો હતો. જેટલીએ ૨૦૧૫-૧૬ના બજેટમાં તેમાં બે ટકાનો વધારો કર્યો. (પણ વેલ્થ ટેક્સ નાબુદ કર્યો હતો.) ૨૦૧૬-૧૭ના બજેટમાં ત્રણ ટકાનો વધારો કરીને ૧૫ ટકા કરી દીધો. પરંતુ તે પછીના છેલ્લા ૨૦૧૭-૧૮ના બજેટમાં પ્રથમ સ્લેબમાં પાંચ ટકાનો ઘટાડો કર્યો હતો.આ પાંચ ટકાના ઘટાડાની અસર એ થઈ કે એક કરોડથી વધારે કમાણી કરનારાનો ટેક્સ ઉલટાનો ૧૪,૮૧૦ રૂપિયાનો ઘટાડો થઈ ગયો હતો. નાના કરદાતાને થયેલો ફાયદો મામુલી હતી, પણ તેનો લાભ ધનિકને વધારે મળ્યો. તેથી ખેડૂતો માટે મોટી જાહેરાતના બદલે બેલેન્સ કરવા માટે આ વખતે ખરા અર્થમાં એક કરોડથી વધુની આવક ધરાવનારા પર નવો ટેક્સ સ્લેબ દાખલ કરાશે ખરો એવો સવાલ પૂછાઈ રહ્યો છે?
દુનિયાભરમાં ભારત જેવી જ સ્થિતિ છે. ટેક્સમાં ફેરફારો એવી રીતે થતા હોય છે કે ધનવાનોને ફાયદો થાય. મધ્યમ વર્ગે માત્ર રાજી થવાનું હોય છે. મધ્યમ વર્ગને પણ કદાચ રાજી કરાશે એવી શક્યતા છે. ભાજપ સરકારે ઇન્કમ ટેક્સના સ્લેબમાં ખાસ કોઈ ફેરફારો કર્યા નથી. પાંચ લાખ સુધીની આવકને ટેક્સમાંથી કાઢી નાખવાની વાતો લાંબા સમયથી, કોંગ્રેસની સરકાર હતી ત્યારથી, ચાલે છે પણ અમલ થયો નથી. જોકે સરકારે આવકનો વિચાર કરીને નિર્ણય લેવો પડે.
નોટબંધી પછી બેન્કોમાં રોકડા જમા કરાવાયા તેના કારણે ઘણા બધા લોકોને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની ફરજ પડી છે. કરદાતાઓની સંખ્યા ૬ કરોડથી વધી ગઈ છે, પણ તેમાંથી મોટા ભાગના લોકોએ પાંચ લાખથી ઓછી આવક જ બતાવી છે. એક તરફ સરકારનો ઇરાદો ટેક્સ નેટ વધારવાનો છે, પણ જો પાંચ લાખનો સ્લેબ કરી દેવાય તો વળી મોટી સંખ્યામાં કરદાતા ઓછા થઈ જાય.સામી દલીલ એ છે કે મામુલી ટેક્સ મળતો હોય અને વહીવટી ખર્ચ અને ઝંઝટ વધારે થતી હોય તેના બદલે રાહત આપી દેવી વધારે સારી. મધ્યમ વર્ગને તે બહાને રાજી પણ કરી શકાય. બીજી બાજુ સુપર રીચ ટેક્સ થોડો પણ વધારવામાં આવે તો મોટી આવક થઈ શકે છે. ઓક્ઝાફામના આવક અને સંપત્તિના આંકડાં સાથે એવો પણ અંદાજ આપવામાં આવ્યો છે કે સુપર રીચ પર થોડો ટેક્સ વધારવામાં આવે તો પણ ભારતને મોટી આવક થઈ શકે છે. ઓક્ઝાફામના અહેવાલના લેખકોએ એવો અંદાજ મૂક્યો છે કે ભારતના સુપર રીચ પર અડધો ટેક્સ વધારવામાં આવે તો તેમાંથી એટલી આવક થાય કે ભારતનું આરોગ્યનું બજેટ ૫૦ ટકા વધારી શકાય.ચૂંટણી આડે ત્રણ મહિના જ રહ્યા છે ત્યારે દરેક બાબતની અસર તેના પર પડવાની. ઓક્ઝફામનો રિપોર્ટ પણ ચર્ચામાં રહેવાનો, કેમ કે એક તરફ રોજગારી મળતી નથી અને બીજી તરફ ભારતના ધનવાનોની સંપત્તિ રોજના ૨૨૦૦ કરોડ રૂપિયા વધી જાય છે તે આંકડો મધ્યમ અને ગરીબ વર્ગમાં રોષ વધારી શકે છે. પાંચ ઉદ્યોગપતિઓ મોદી સરકાર ચલાવે છે એવું કોંગ્રેસ કહેતી હોય છે. બે પાંચ ધનવાન લોકો ધારે તેવી નીતિઓ અમલમાં લાવીને પોતાને ફાયદો કરાવે તેવા આક્ષેપો નવા નથી. આ વખતના અહેવાલમાંથી એવું પણ તારણ કઢાયું છે કે ભારતના ટોચના ૯ ઉદ્યોગપતિઓ દેશની ૫૦ ટકા સંપત્તિ ધરાવે છે. ડૉલરમાં બિલિયનની વ્યાખ્યા પ્રમાણે ભારતમાં આ વખતે ૧૮ નવા અબજપતિઓ થયા. તે સાથે દેશના કુલ અબજપતિઓની સંખ્યા ૧૧૯ની થઈ છે. આ ૧૧૯માંથી ૯ સૌથી શક્તિશાળી છે, તે કોણ છે કે ટોપ ટેન ધનવાનો યાદી શોધી કાઢો એટલે ખબર પડી જશે.દુનિયામાં પણ આવું જ ચાલે છે. સમગ્ર દુનિયાની અડધોઅડધ સંપત્તિ ફક્ત ૨૬ ઉદ્યોગપતિઓ પાસે છે. દુનિયાના સૌથી ધનવાનોની યાદીમાં હાલમાં નંબર વન પર છે એમેઝોનના જેફ બેઝોસ. તેમની સંપત્તિ વધીને ૧૧૨ અબજ ડૉલરની થઈ છે. આ કેટલી જંગી સંપત્તિ છે તે સમજવા માટે ઇથિયોપિયાના બજેટ સાથે તેની સરખામણી થઈ હતી. ૧૦ કરોડની વસતિ ધરાવતા ઇથિયોપિયાનું આરોગ્ય બજેટ એક તરફ અને જેફ બેઝોસની સંપત્તિનો ફક્ત એક ટકો સામેની તરફ. જેફ એક ટકો રકમ દાનમાં આપી દે તો આખા દેશના દવાખાના તેના પર ચાલી જાય.આવી અસમાનતાને કારણે જ ઓક્ઝાફામે દુનિયાના દેશોને અરજ કરી છે કે સુપર રીચ લોકો પર ટેક્સ વધારવો જરૂરી છે, જેથી સામાજિક આક્રોશ ના ઊભો થાય. સૌની સંપત્તિમાં વધારો થતો હોય ત્યાં સુધી રોષ કાબૂમાં રહેશે, પણ અહેવાલ અનુસાર તળિયાના લોકોની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. વિશ્વના સૌથી ગરીબ, તળિયાના ૩૦૮ કરોડ લોકોની આવકમાં ઘટાડો થયો છે એવો પણ અંદાજ છે.
ભારતમાં પણ આ સ્થિતિ વિકરાળ બની છે. ખેડૂતોની આવકમાં હકીકતમાં ઘટાડો થયો છે તેમ ઘણા જાણકારો કહી રહ્યા છે. તે જ રીતે નોટબંધી પછી ગરીબ માણસોની આવકમાં ઉલટાનો ઘટાડો થયો છે. દેશનો જીડીપી છેલ્લા બે વર્ષમાં વધ્યો છે અને ગરીબ રેખાની નીચે જીવતા લોકોની સંખ્યા પણ ઘટી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે રોજગારી વધવાને બદલે ઘટી છે. ખેડૂતો માટે ખાતર, બિયારણ અને દવાના ભાવ વધ્યા છે, જ્યારે ગરીબો માટે રોજબરોજની વસ્તુઓના, શિક્ષણ અને આરોગ્યના ખર્ચા વધ્યા છે, જ્યારે આવકમાં વધારો થયો નથી. વધારો થયો હોય ત્યાં એટલો ઓછો છે વધેલા ખર્ચ સામે બચત ઓછી થઈ છે.
આ સ્થિતિ સરકાર વાકેફ છે કે કેમ અને વાકેફ હોય તો પણ કેફમાં રહીને તેની અવગણના કરવા માગે છે કે કેમ તે જોવાનું રહે છે. ખેડૂતોની દેવા માફી નહી થાય તેમ વડાપ્રધાને વર્ષના પ્રથમ દિવસે પ્રચાર માટે આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું. તેથી ખેડૂતોને એકર દીઠ વાર્ષિક સહાયની યોજનાની જાહેરાત થશે તેવી અપેક્ષા છે. સાથે જ પોતે અમીરતરફી નહિ, પણ વિરોધી છે તેવું દેખાડવા માટે સુપર રીચ ટેક્સ પણ લાદવામાં આવશે તેવી ગણતરી છે.વર્ષ ૨૦૧૯માં દેશભરમાં ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શેરબજાર અને કોમોડિટી બજાર માટે ભાજપા સરકારનું ચાલુ ટર્મનું નવા વર્ષ માટેનું અંતિમ બજેટ કેવું હશે તેની ઉપર મીટ મંડાઈ છે. રોકાણકારો, જ્વેલર્સ, ખેડૂતો, વેપારીઓ માટે નવીન બજેટમાં કેટલી અને કેવી રાહતો આપવામાં આવશે તે સંદર્ભે અપેક્ષાઓનો ઢગલો પડયો છે. મોદી સરકારના આગમન બાદ દરેક ક્ષેત્રે વિલીનીકરણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. મોટા ભાગની રાષ્ટ્રીયકૃત બેંકોને પણ મર્જ કરવાનું કામ ચાલી રહ્યું છે. વાયદાના વેપારમાં તમામ શેરબજારો અને કોમોડિટી બજારોમાં એક્સચેન્જોનું વિલીનીકરણ કરી દરેક એક્સચેન્જોને તમામના વેપાર માટે લીલી ઝંડી આપી છે. આ બજેટ ખેડૂતો માટે સૌથી મોટી ખુશીઓ લઇને આવે તેવી સંભાવના છે. મોદીએ કોંગ્રેસને પાછળ રાખવી હશે તો ખેડૂતોને ખુશ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. ખેડૂતો સૌથી મોટી વોટબેંક હોવાથી મોદી કોઈ પણ સંજોગોમાં તેમની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.જો કે ભાજપ સરકારના આગમન બાદ કૃષિ ક્ષેત્રે બજેટમાં સતત વધારો થતો રહ્યો છે. વર્ષ ૨૦૧૪ના બજેટમાં મોદી સરકારે આપેલા વાયદાઓ પૂર્ણ કરવા કૃષિ ક્ષેત્રના વિકાસ માટે નાણાંની ફાળવણીમાં નોંધપાત્ર વધારા કર્યા હતા જેમાં કૃષિ ચીજોના ભાવોની સ્થિરતા માટે ૫૦૦કરોડ, સિંચાઈ માટે ૧૦૦૦ કરોડ, નવા કૃષિ વિદ્યાલયો, વેરહાઉસીંગ, ગ્રામીણ ઇન્ટરનેટ કનેક્ટીવીટી વધારવા જેવા અનેક પગલાંનો સમાવેશ કર્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૫ના બજેટમાં કૃષિ લોનોની મર્યાદામાં વધારો કરી ૫૦ હજાર કરોડથી લંબાવીને સાડા આઠ લાખ કરોડ કરવામાં આવી તેમજ સિંચાઈ માટે મર્યાદા વધારી ૫૩૦૦ કરોડની બજેટમાં ફાળવણી કરવામાં આવી હતી.
માફીની સાથે સાથે અલગ અલગ રાજ્યોમાં ચાલતી ખેડૂત લક્ષ્મી યોજનાઓનો સઘન અભ્યાસ ચાલી રહ્યો છે. ખાસ કરીને મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા ચાલતી ભાવાંતર યોજના તેમજ તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા ચાલતી રૈયત બંધુ યોજના ઉપર કેન્દ્ર સરકારે સવિશેષ રસ દાખવ્યો છે.
વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાના ભાજપા મોદી સરકારના લક્ષ્યાંકને પૂર્ણ કરી લોકસભાની ચૂંટણીઓ પહેલાં ખેડૂતોની નારાજગી દૂર કરવા સરકારે કમર કસી છે.ખેડૂતોને ખુશ કરવા માટે સરકારે વિચારેલા અલગ અલગ પૈકી પ્રથમ વિકલ્પમાં ભાવાંતર યોજના પ્રમાણે ખેડૂતોના ખાતામાં નાણાં સીધા જમા કરાવવાનો છે. જેમાં બજારભાવ અને ટેકાના ભાવોના વચ્ચેના ડિફરન્સના નાણાં ખેડૂતોને આપવાના છે.
યોજના અન્વયે પ્રતિ એકર રૂા. ૧૭૦૦/-ની રકમ ખેડૂતોને આપવાનો પ્રસ્તાવ છે. જેમાં વર્ષે દહાડે ૫૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેમાં સરકાર આગળ વધી શકે તેમ છે.
બીજા વિકલ્પમાં તેલંગાણા મોડલ પ્રમાણે વારંવાર અગાઉ પ્રતિ એકર ચોક્કસ સહાય આપવાની છે. જેમાં વર્ષે દહાડે એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા થઈ રહી છે. અને ત્રીજા વિકલ્પમાં એક લાખ રૂપિયા સુધી દેવું ખેડૂતોને માફ કરવા બાબતે છે. જેમાં લગભગ ૩.૩ લાખ કરોડનો ખર્ચ થવાની વકી છે.
ત્રણ રાજ્યોમાં સરકાર ગુમાવ્યા બાદ ભાજપા કેન્દ્ર સરકારે હાલમાં ખેડૂતોને હાથ ઉપર લેવા માટે બરાબરની હરકતમાં આવી છે. ખેડૂતોને કેવી રીતે અને કેટલી સહાય આપવી તે બાબતે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. લોકસભાની ચૂંટણી અગાઉ કેન્દ્ર સરકાર ખેડૂતોને નવા વર્ષની ભેટ આપવા તલપાપડ બની છે.
સરકાર ખેડૂતોની કૃષિ લોનોનું વ્યાજ તેમજ કૃષિ પાક વીમા યોજનામાં પ્રિમિયમમાં પણ સહાય કરવા વિચાર કરી રહી છે. જે ખેડૂતો સમયસર કૃષિ લોન તથા વ્યાજની ભરપાઈ કરતા તેવાઓે લોનનું વ્યાજ માફ કરી શકે છે. જેમાં સરકારી તિજોરી પર ૧૫૦૦૦ કરોડ રૂપિયાનો બોજો પડે તેમ છે. સાથે કૃષિ પાક વીમામાં પણ ખેડૂતોને ભરવું પડતું પ્રિમિયમમાં રાહતની સાથે સાથે મુક્તિ આપવા સુધી સરકાર આગળ વધી શકે છે.ચાલુ નાણાંકીય વર્ષમાં ખેડૂતો માટે ૧૧ લાખ કરોડની રકમ કૃષિ લોન માટે બજેટમાં વ્યવસ્થા સાથે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગત વર્ષે સરકારે ૧૦ લાખ કરોડ કૃષિ લોનની ફાળવણીની સામે ૧૧.૬૯ લાખ કરોડ રૂપિયાની કૃષિ લોનો આવી હતી.સમયસર લોનો ભરપાઈ કરતા ખેડૂતોને કૃષિ લોનની વ્યાજની રકમ બરાબર સબસીડી પણ આપવામાં આવે તો સરકારને ૩૦ હજાર કરોડનો બોજો પડતો હોવાથી સરકાર આ મામલે પણ આગળ વધી શકે તેમ છે.સેબીએ મંજૂરી આપતા ગોલ્ગ મીનીમાં ૧૦૦ ગ્રામ, ગવાર સીડ તથા ગવાર ગમ માટે દશ- દશ ટનની લોટ સાઇઝ નક્કી કરી શેરબજારે કોમોડિટીના વેપાર શરૂ કરવા કવાયત હાથ ધરી છે. દરેક ક્ષેત્રમાં કોઈ એકનો ઇજારો ખત્મ કરી દરેકને હરિફાઈમાં મૂકી દીધા છે.ત્યારબાદ ૨૦૧૬ના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે મોદી સરકારે ૮૪ ટકાના વધારા સાથે ૪૮,૦૦૦ કરોડની આસપાસની જંગી ફાળવણી કરી હતી જેમાં કૃષિ લોનનું લક્ષ્ય વધારી નવ લાખ કરોડ કરવામાં આવ્યું હતું. સાથે સાથે નાબાર્ડને પણ ૨૦ હજાર કરોડની ફાળવણી કરી હતી. ઉપરોક્ત વધારેલા બજેટને સમતોલ કરવા ટેક્સની આવકમાં ૦.૫ ટકા કૃષિ કલ્યાણ સેસ લાદવાનો પણ પ્રસ્તાવ કર્યો હતો. વર્ષ ૨૦૧૮ના બજેટમાં સરકારે ખેડૂતોને સીધા ફાયદો થાય તે માટે ટેકાના ભાવમાં દોઢ ગણો વધારો કરવાની સાથે સાથે કૃષિ લોનનો લક્ષ્યાંક ૧૧ લાખ કરોડનો કરવામાં આવ્યો હતો. હવે વર્ષ ૨૦૧૯ના અંતિમ બજેટમાં સરકાર કેવી કેટલી રાહતો આપે છે તેની ઉપર મીટ મંડાઈ છે.

Related posts

MORNING TWEET

aapnugujarat

पी.वी. सिन्धु : बेटी का सम्मान हो, “भारत रत्न” से अलंकृत हो…!

aapnugujarat

વાયુ પ્રદૂષણને કારણે ગુણાકાર,ભાગાકાર કરવાની ક્ષમતા ઘટે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1