Aapnu Gujarat
બ્લોગ

તામિલનાડુ બે ભાઇઓ માટે રણભૂમિ બની રહેશે

નાનો ભાઇ અલ્લડ હોય તેવું મોટા ભાગે આપણે સાંભળ્યું છે. નાનો ધમાલ કરે, પણ મોટો સંભાળી લે. પણ રાજકારણમાં મોટો ભાઇ એ કહેવાય જેની સાથે કાર્યકરો હોય. દ્વવિડ મુનેત્ર કળગમ (ડીએમકે)માં બે ભાઇઓ વચ્ચેની લડાઇ જૂની છે, પણ તેમના પિતા અને ડીએમકેના સર્વેસર્વાના અવસાન પછી બંને ભાઇઓ ફરી આમનેસામને છે. શિવસેનાના સર્વેસર્વા બાલાસાહેબ ઠાકરે જીવતા હતા ત્યાં સુધી બે ભાઇઓ વચ્ચેની લડાઇ સુષુપ્તાવસ્તામાં રહી હતી. અહીં પણ નાનો ભાઇ અલ્લડગીરી કરે છે એવી છાપ પાડવાની કોશિશ કરી અને મોટો ભાઇ ધીરગંભીર હોવાથી વારસાદાર તરીકે તે રહેશે એવું સ્પષ્ટ થવા લાગ્યું હતું. મોટો ભાઇ આગળ જતા નાના ભાઇને સંભાળી લેશે, પણ એવું થયું નહોતું. નાના ભાઇએ અલગ પક્ષ કરવો પડ્યો હતો. નાના ભાઇએ થોડી રાજકીય તાકાત દેખાડી, પણ એટલી નહીં કે સમગ્ર પક્ષ તેના કબજામાં આવે.ડીએમકેમાં અલાગીરી મોટો પુત્ર અને સ્ટાલિન નાનો પુત્ર. બંને વચ્ચે પિતાની હાજરીમાં જ લડાઇ વધી હતી. અહીં નાનો પુત્ર સ્ટાલિન વધારે ધીરગંભીર હતો, જ્યારે મોટો અલાગીરી અલ્લડગીરી કરતો હતો. દક્ષિણ તામિલનાડુના મદુરાઇ વિસ્તારમાં તેના તોફાનો તામિલનાડુના રાજકારણમાં જાણીતા છે. તેથી જ તેને ચેન્નઇથી દૂર મદુરાઇમાં જ વધારે રાખવામાં આવતો હતો. આમ છતાં તેની અવળચંડાઇ વધી અને સ્ટાલિનને આગળ કરવાની વાતમાં તેની આડખીલી વધવા લાગી ત્યારે પક્ષમાંથી અલાગીરીની હકાલપટ્ટી કરવામાં આવી. આ રીતે પિતાની હાજરીમાં જ નિર્ણય લેવાઈ ગયો હતો કે ડીએમકેનું સૂકાન સ્ટાલિનના હાથમાં આવશે. કરુણાનિધિની તબિયત લથડવા લાગી ત્યારથી જ સ્ટાલિનને કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી સ્વીકારી પણ લીધી હતી.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં બંને ભાઇઓ વચ્ચે ખેંચતાણ થઈ હતી. પોતાના ટેકેદારોને ટિકિટ અપાવવાના મુદ્દે ઝઘડો વધી ગયો હતો. પરિણામો પણ ચોંકાવનારા આવ્યા હતા. ડીએમકેને એક પણ બેઠક મળી નહોતી. જયલલિતાએ બીજી વાર મુખ્યપ્રધાન બન્યા પછી લોકસભામાં પણ પક્ષની પકડ મજબૂત બનાવીને ૩૯ બેઠકો મેળવી લીધી હતી. અલાગીરીની હકાલપટ્ટી થઈ અને તેના કારણે જ પક્ષ હાર્યો હતો તેમ હવે તેના ટેકેદારો કહી રહ્યાછે. હવે ૨૦૧૯ની ચૂંટણી નજીક છે ત્યારે અલાગીરીને ફરી પક્ષમાં લેવો જોઈએ એવી માગણી કરવામાં આવી છે. અલાગીરીના ટેકેદારોનો સોશ્યલ મીડિયામાં એવી હવા ઊભી કરવાની કોશિશ કરી રહ્યા છે કે ૨૦૧૪માં ઉમેદવારોની ખોટી પસંદગી તરફ અલાગીરીએ ધ્યાન દોર્યું હતું. અલાગીરીની વાત આ વખતે માનો નહીં તો ૨૦૧૯માં પણ એકેય બેઠક નહીં મળે.કરુણાનિધિના અવસાન પછી ચેન્નઇના પ્રસિદ્ધ મરીના બીચ પર પેરિયારના સ્મારક પાસે જ તેમનું સ્મારક બનવું જોઈએ કે નહિ તે મુદ્દે ભારે વિવાદ ચાલ્યો હતો. તે દરમિયાન સ્ટાલિને મક્કમતા દાખવી તેના કારણે કાર્યકરોમાં તેમની નેતા તરીકેની છાપ વધારે મજબૂત બની હતી. તે સમગ્ર પ્રસંગ દરમિયાન, કરુણાનિધિની અંતિમયાત્રા દરમિયાન અલાગીરીની હાજરી દેખાતી નહોતી.જોકે એવું પણ ધારવામાં આવતું હતું કે બિનજરૂરી વિવાદ ટાળવા માટે અલાગીરી જાહેરમાં દેખાયા નહોતા. તેમણે સંયમ રાખ્યો તેના કારણે એવી પણ એક શક્યતા વ્યક્ત થવા લાગી કે કદાચ અલાગીરીને પક્ષમાં પરત લઇ લેવાશે અને ભાઇઓ વચ્ચે, કુટુંબ વચ્ચે સુલેહ થઈ જશે. તેવી કોઈ સુલેહ થાય તેમ નથી તે તરત જ સ્પષ્ટ થઈ ગયું. અંતિમવિદાય પછીના થોડા દિવસ બાદ અલાગીરીએ સમાધિસ્થળની મુલાકાત લઈને અલગથી તેમના પિતાને શ્રદ્ધાંજલિ આપી. તેમણે નિવેદનો પણ આપ્યા કે ડીએમકેના કાર્યકરો તેમને સમર્થન આપી રહ્યા છે. જોકે સ્ટાલિને સમજદારી દાખવીને પક્ષના પ્રવક્તાઓને સૂચના આપી હતી કે અલાગીરી વિરુદ્ધ એક પણ નિવેદન આપવું નહીં. હવે ફરીથી અલાગીરીએ પોતાને વ્યાપક સમર્થન છે તેવી દેખાડી દેવાની તૈયારીઓ કરી છે. પાંચમી સપ્ટેમ્બરે કરુણાનિધિને શ્રદ્ધાંજલિ માટે સ્મરણ યાત્રાનું આયોજન કરવાની જાહેરાત અલાગીરીએ કરી છે. અન્નાની પ્રતિમાથી શરૂ કરીને કરુણાનિધિની સમાધી સુધી મૌન યાત્રા કાઢવામાં આવશે. અલાગીરીની ગણતરી આ સ્મરણ યાત્રામાં વધુમાં વધુ લોકોને એકઠા કરીને તાકાત પ્રદર્શન કરવાની છે.૨૪ ઑગસ્ટે મદુરાઇમાં અલાગીરીના ટેકેદારોની બેઠક મળી હતી. તેમાં કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. ૧૦થી ૧૫ હજાર કાર્યકરો એકઠા કરવાની કોશિશ થઈ રહી છે, જેથી શક્તિપ્રદર્શન થઈ શકે. જોકે મદુરાઇ અને તેની આસપાસના એક બે જિલ્લામાં જ અલાગીરીના ટેકેદારો છે. ઘણા વર્ષોથી તેમણે મદુરાઇને પોતાની કર્મભૂમિ બનાવી છે. દક્ષિણ તામિલનાડુમાંથી વધુમાં વધુ કાર્યકરોને સ્મરણ યાત્રામાં એકઠા કરવાની ગણતરી છે.જોકે જાણકારો કહે છે કે માત્ર બે કે ત્રણ જિલ્લામાં થોડા ટેકેદારોને કારણે અલાગીરી ડીએમકેમાં ચેલેન્જ ઊભી કરવા માગતા હોય તેની બહુ અસર થવાની નથી. કરુણાનિધિની હાજરીમાં જ નિર્ણય લેવાઈ ગયો તો કે સ્ટાલિન રાજકીય વારસો સંભાળશે. કનીમોઝી અને કરુણાનિધિના ભત્રીજાના પુત્રો મારન પરિવાર પણ મહદ અંસે સ્ટાલિન સાથે રહેવા માગે છે. એ સંજોગોમાં અલાગીરી શક્તિ પ્રદર્શન કરીને શું દર્શાવવા માગે છે તે સમજવું મુશ્કેલ છે. ધાર્યા પ્રમાણે યાત્રામાં મેદની એકઠી ના થઈ તો આપોઆપ અલાગીરીના દાવા પોકળ સાબિત થઈ જશે.મદુરાઇની આસપાસની થોડી બેઠકો સિવાય વધારે અલાગીરી નડતરરૂપ થઈ શકે તેવી શક્યતા પણ દેખાતી નથી. આમ છતાં અલાગીરી ચૂપચાપ તૈયારીઓ કરી રહ્યા છે તેથી કેટલીક શક્યતાઓની ચર્ચાઓ થઈ રહી છે. તામિલનાડુમાં જયલલિતા પછી કરુણાનિધિએ પણ વિદાય લીધી છે. સ્ટાલિને પોતાની તાકાત દેખાડવાની બાકી છે. ૨૦૧૪માં સ્ટાલિનને સફળતા મળી નહોતી, પણ તે વખતે કદાચ સંજોગો જુદા હતા. પરંતુ તે પછી સ્ટાલિન એકલે હાથે કેટલું ગજું કરશે તે જોવાનું છે.બીજી બાજુ હરીફ એઆઇએડીએમકેમાં પણ જૂથબંધી બંધ થઈ નથી. શશીકલાનો ભત્રીજો પેટાચૂંટણીમાં જીતી ગયો છે. તેમની મન્નારગુડી ગેંગ પોતાના વિસ્તારમાં પકડ ધરાવે છે તેવો ખ્યાલ આવ્યો છે. પન્નીરસેલ્વમ અને પલાનીસામી વચ્ચે હાલમાં સમાધાન થયેલું લાગે છે, પણ તેની પાછળ કેન્દ્ર સરકારનું દબાણ અને ભાજપનો દોરીસંચાર વધારે છે. જૂથબંધીમાં ભાજપ કોને ટેકો આપશે તે નક્કી નથી ત્યાં સુધી જ બંને જૂથો ચૂપ બેઠા છે. પન્નીરસેલ્વમ જયલલિતાની પસંદગી હતા, જ્યારે પલાનીસામી શશીકલાની. પણ પલાનીસામીએ જ આખરે ભાજપને કહેવા પ્રમાણે શશીકલાને પડતા મૂક્યા તેના કારણે ભાજપની નીકટ હોવાનું કહી શકે. પરંતુ શશીકલાએ તેમને પન્નીરસેલ્વમની સામે પસંદ કર્યા હતા તે ભાજપ ભૂલી ના શકે. તેથી જયલલિતાની પસંદગીના નેતા પન્નીરસેલ્વમ પણ ભાજપને વધારે પસંદ પડી શકે છે.ત્રીજું પરિબળ તામિલનાડુમાં ઊભું થશે તે પણ સ્પષ્ટ થઈ ગયું છે. રજનીકાંતે રાજકીય પક્ષની જાહેરાત કરી છે. કમલ હાસન તૈયારીમાં છે. બે દિગ્ગજ ફિલ્મ સ્ટાર પણ મેદાનમાં આવી ગયા છે ત્યારે સ્ટાલિને માત્ર એઆઇએડીએમકેનો સામનો નથી કરવાનું તે પણ નક્કી થઈ ગયું છે. રજનીકાંત અને કમલ હાસન સામસામે રહેશે તે લગભગ નક્કી છે, પણ કોણ ક્યાં ઊભું રહેશે તે સ્પષ્ટ થતું નથી. રજનીકાંત ભાજપ તરફી દેખાઈ રહ્યા છે, પણ તેમની ફિલ્મો દ્વારા તેમણે દ્રવિડ રાજકારણને જ વધારે મહત્ત્વ આપ્યું છે. કમલ હાસન કરુણાનિધિની જેમ નાસ્તિક અને આર્ય વિચારધારા અને ધર્મનો વિરોધ કરનારા છે.આ સંજોગોમાં તામિલનાડુનું રાજકારણ કેવી રીતે આકાર લે છે તે સમજવું અઘરું બન્યું છે. ૨૦૧૪ની ચૂંટણીમાં જયલલિતા છવાઇ ગયા હતા. એકલે હાથે ૩૯ બેઠકો મેળવી હતી તે હાલમાં એનડીએને બહુ ઉપયોગી લાગી હતી. ભાજપે ગયા વખતે એક બેઠક સાથે ખાતું ખોલાવ્યું હતું, પણ હજીય તામિલનાડુમાં તેણે એઆઇએડીએમકેનો જ આધાર લેવાનો છે ત્યારે ૨૦૧૯માં શું થશે તે સ્પષ્ટ નથી. સ્ટાલિનને ગયા વખતની હારને ધ્યાનમાં રાખીને આયોજન નથી કરવાનું. આ વખતની સ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યૂહ ઘડવાનો છે.

Related posts

બોલીવુડમાં હવે ખાન ત્રિપુટીની ચમક ઝંખવાઇ

aapnugujarat

कांग्रेस : निजी दुकान बने पार्टी

aapnugujarat

વૈશ્વિક સ્તરે વાહનોના ધૂમાડાથી ૩,૮૫,૦૦૦ લોકોનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1