Aapnu Gujarat
ગુજરાત

આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે

લાખો શ્રદ્ધાળુઓ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રયયાત્રા આવતીકાલે શનિવારના દિવસે ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ વચ્ચે નીકળશે. આ વખતે રથયાત્રામાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભારતીય અખાડા પરિષદના મોટા સંતો-મહંતો અને કુંભમેળાના સાધુ-સંતો હાજરી આપનાર છે. જે બહુ નોંધનીય વાત છે. આ વર્ષે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ માટે બનારસ, વૃંદાવન સહિતના પવિત્ર સ્થળોએથી સુંદર અંલકારિક વસ્ત્રો, પાઘડી અને તેને અનુરૂપ વાઘા-વસ્ત્રો અને સાજ શણગાર તૈયાર કરાયા છે. આવતીકાલે રથયાત્રાના દિવસે સવારે ચાર વાગ્યે મંગળાઆરતી યોજાનાર છે જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહેશે, જયારે સાત વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે પહિંદવિધિ બાદ તેઓ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે. રથયાત્રાનો આ એક જ દિવસ એવો હોય છે જેમાં ખુદ જગતનો નાથ નગરચર્યાએ નીકળી તેના ભકતોને ઘેરબેઠા દર્શન આપે છે. ભારતીય લોક સંસ્કૃતિનું રથયાત્રા સર્વોચ્ચ પ્રતીક છે. રથયાત્રાના અગ્રભાગમાં ૧૯ શણગારેલા ગજરાજો, ત્યારપછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળીઓ સાથે ત્રણ બેન્ડબાજાવાળા આકર્ષણનું કેન્દ્ર બનશે. સાધુ-સંતો, શ્રધ્ધાળુ ભકતો સાથે ૧૨૦૦થી ૧૫૦૦ જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચતા રહેશે. આ રથયાત્રામાં ભાગ લેવા દેશભરમાંથી ૨૦૦૦થી વધુ સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિતના સ્થાનોએથી પધારશે. રથયાત્રાના દિવસે તા.૧૪મી જૂલાઇએ વહેલી સવારે ૪-૦૦ વાગ્યે ભગવાનની મંગળાઆરતી કરાશે, ત્યારબાદ આદિવાસી નૃત્ય અને રાસગરબાનો પરંપરાગત કાર્યક્રમ યોજાશે. એ પછી ભગવાનના આંખે બાંધેલા પાટા ખોલવાની શાસ્ત્રોક્ત વિધિ બાદ ૫-૪૫ કલાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ત્રણેય રથોમાં સવાર કરાશે. સવારે ૭-૦૦ વાગ્યે પહિંદવિધિ બાદ રથયાત્રાનો શુભારંભ થશે. રથયાત્રાના દિવસે વહેલી સવારે ભગવાનને વિશિષ્ટ ભોગ ધરાવાય છે, જેમાં પરંપરા મુજબ, ખીચડી, કોળા-ગવારફળીનું શાક અને દહીં હોય છે. રથયાત્રા દરમ્યાન ૩૦ હજાર કિલોથી વધુ મગ, ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા બે લાખ ઉર્પણા પ્રસાદમાં વિતરણ કરાશે. આ વખતની રથયાત્રામાં સૌપ્રથમવાર ભારતીય અખાડા પરિષદના સાધુ સંતો અને મહંતો ખાસ હાજરી આપશે. જેમાં ભારતીય અખાડા પરિષદના પ્રમુખ નરેન્દ્રગીરીજી મહારાજ, જગદ્‌ગુરુ રામાનંદાચાર્ય એવા હંસદેવાચાર્યજી મહારાજ અને જૂનાગઢના હીરીગીરીજી મહારાજ સહિતના દિગ્ગજ સંતો પધારશે. તો, સાથે સાથે કુંભમેળાના દિવ્ય સાધુ-સંતો અને મહંતો પણ હાજરી આપશે. ભગવાન જગન્નાથના મંદિર જમાલપુર ખાતે છેલ્લા કેટલાક દિવસથી પ્રસાદ માટે મગ અને અન્ય ચીજવસ્તુઓને સાફ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. હવે પ્રસાદ તૈયાર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાીં આવી છે. પોલીસ તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જગન્નાથની પ્રતિષ્ઠા સાંજે કરવામાં આવ્યા બાદ રથયાત્રાને લઇને ઉત્સાહ વધી ગયો હતો. આવતીકાલે શહેરના જુદા જુદા માર્ગો ઉપરથી રથયાત્રા પસાર થશે જેમાં સંવેદનશીલ વિસ્તારોનો સમાવેશ થાય છે. ઐતિહાસિક રથયાત્રાને લઇને તમામ તૈયારીઓ પહેલાથી જ પૂર્ણ કરી લેવામાં આવી છે. રથયાત્રા રૂટ ઉપર સુરક્ષા જવાનો પણ ગોઠવાઈ ગયા છે. કોઇપણ અનિચ્છનીય બનાવને ટાળવા તથા રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે પસાર કરવા તંત્રએ કમરકસી લીધી છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં પોલીસ જવાનો મોરચા સંભાળી ચુક્યા છે. સમગ્ર યાત્રા દરમિયાન સીસીટીવી, નેત્ર અને કન્ટ્રોલરૂમ મારફતે આખી રથયાત્રાનું મોનીટરીંગ કરવામાં આવશે. ભવ્ય રથયાત્રાને શાંતિપૂર્ણરીતે પાર પાડવા સાવચેતીના તમામ પગલા લેવાયા છે. આવતીકાલે રથયાત્રા જગન્નાથ મંદિરેથી નીકળીને જમાલપુર ચકલા, વૈશ્ય સભા, ગોળ લીમડા ,આસ્ટોડીયા ચકલા, મદન ગોપાલની હવેલીથી, રાયપુર ચકલા, ખાડિયા ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલથી કાલુપુર બ્રીજ થઈને સરસપુર જશે. સરસપુરમાં વિરામ બાદ કાલુપુર બ્રીજ, કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, જોર્ડન રોડ, દિલ્હી દરવાજા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, ઘીકાંટા રોડ, પાનકોર નાકા, માણેકચોક થઈને ગોળ લીમડા, ખમાસા થઈને નીજ મંદિરે પાછી ફરશે. નિજમંદિર પરત ફર્યા બાદ જ તંત્રને રાહત થશે. રથયાત્રામાં હાથી, ટ્રકો, જુદા જુદા શણગારેલા રથ હશે જેના મારફતે લોકોને જુદા જુદા વિસ્તારોમાં પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. તમામ માર્ગો પર મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરવા માટે જમા થનાર છે.

Related posts

ગુજરાતમાં ભાજપના મળતીયાઓ દ્વારા કરોડોની છેતરપીંડી થાય છે : અમિત ચાવડા

aapnugujarat

गदंगी करनेवाले को अब ई-ओटो रिक्शा द्वारा जुर्माने का निर्णय

aapnugujarat

ધાનાણી-હાર્દિકની મુલાકાત ફિક્સ મેચ છે : ભરત પંડ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1