Aapnu Gujarat
બ્લોગ

મહેલ જેવા બંગલા ખાલી ન કરવાના ખેલ

નેતાઓ જનતાને સત્તામાં હોય ત્યારે ભારે પડે જ છે, સત્તા પરથી ઉતરી જાય પછીય તેનો બોજ પ્રજાએ ખભા પર વેંઢારવો પડે છે. સરકારે કર્મચારીઓના પેન્શન બંધ કરી દીધા છે. પ્રાઇવેટ સેક્ટરમાં પેન્શન ક્યારેય હતું નહીં. તેના બદલે પેન્શન ફંડમાં તમારે રોકાણ કરવાનું. તમારા જ પૈસા અને તમારું જ રોકાણ અને તેમાંથી આવક થાય એ તમારી થઈ. એ કંઈ સરકારે આપેલું પેન્શન નથી. એ પેન્શન પણ આઠથી દસ ટકાના મામૂલી વ્યાજ પર મળવાનું છે. તેની સામે એકવાર ધારાસભ્ય થઈ ગયેલો નેતા જિંદગીભર પેન્શન પર જલસા કરે છે.મુખ્ય પ્રધાનોને ઓર બખ્ખાં છે. મુખ્યપ્રધાન બને ત્યારે પસંદ કરીને એક બંગલો શોધે અને તેની પાછળ કરોડો રૂપિયા ખર્ચીને તેને સજાવે. માયાવતી ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન બન્યા ત્યારે તેમણે ૧૦૩ કરોડ રૂપિયાનો ખર્ચો કરીને પોતાના નિવાસસ્થાને સજાવ્યું હતું. બે એકરના વિશાળ વિસ્તારમાં માયાવતીનો વૈભવી આવાસ આવેલો છે. લખનૌમાં પોતાનું વૈભવી અને કાયમી નિવાસસ્થાન બનાવવા માટે પ્લોટ પસંદ કરાયો અને તેની બાજુમાં રહેલી જૂની પણ મજબૂત ઇમારતને તોડી નખાઈ હતી. બાજુમાં જ એક સરકારી કાર્યાલય હતું. શેરડી નિગમની ઓફિસ ત્યાં હતી તે હટાવીને તે પ્લોટને પણ ભેળવી દેવાયો હતો.આ રીતે વિશાળ પ્લોટ તૈયાર કરીને પછી તેમાં ૧૦૩ કરોડના ખર્ચે આલિશાન આધુનિક મહેલ તૈયાર કર્યો હતો. આ મહેલ હવે છોડવાનો વારો આવે તેમ છે એટલે નેતાઓ માંડ્યા છે દોડવા. બધા ભેગા મળીને એવો કઈ ખેલ પાડવા માગે છે, જેના કારણે સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદા છતાં આ વૈભવી આવાસો છોડવા ન પડે.બધા જ રાજ્યોમાં માજી મુખ્યપ્રધાનોને બંગલો ફાળવવામાં આવે છે. ગાંધીનગરમાં સેક્ટર ૧૯માં આજેય કેશુભાઇ પટેલ રહે છે. ફરક એટલો છે કે આ બંગલાઓ અત્યંત વિશાળ નથી. વિશાળ હોય કે ના હોય, માજી મુખ્યપ્રધાનોને શા માટે આજીવન સરકારી બંગલા ફાળવી દેવા જોઈએ તે સવાલ નાગરિકોને મૂંઝવે છે. તમે ધારાસભ્ય બનો એટલે ગાંધીનગરમાં તમને મોટો પ્લોટ રાહત દરે મળી જાય છે. એ રીતે કેશુભાઇ સહિતના બધા જ ધારાસભ્યો અને માજી મુખ્યપ્રધાનોને પ્લોટ મળેલા છે. એકવાર સરકારી પ્લોટ લીધો હોય, પછી મુખ્યપ્રધાનના નામે બંગલો આજીવન પચાવી પાડવો પ્રામાણિકતા નથી.પ્રામાણિકતા નામનો શબ્દ નેતાઓના શબ્દકોષમાં નથી. માયાવતીની જેમ અખિલેષ યાદવે પણ પોતાનું નિવાસસ્થાન ભવ્ય બનાવવા માટે ૬૦ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. અખિલેષના લખનૌના વૈભવી આવાસની બાજુમાં જ વિક્રમાદિત્ય માર્ગ પર આવેલા ૨૫,૦૦૦ ચોરસફૂટના વૈભવી બંગલામાં તેમના પિતા મુલાયમસિંહ રહે છે. ભાજપના બે માજી મુખ્યપ્રધાનો રાજનાથ સિંહ અને કલ્યાણ સિંહ પણ વૈભવી બંગલાઓ પચાવી પાડીને બેઠા છે. કોંગ્રેસના એન. ડી. તિવારી દાયકાથી લખનૌનો સરકારી બંગલો પચાવી પાડીને બેઠા છે.આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો એટલે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે કે આ બંગલા ખાલી કરાવો. એકવાર મુખ્યપ્રધાન બની ગયા, કર્ણાટકમાં અઢી દિવસ માટે યેદિયુરપ્પા મુખ્યપ્રધાન બની ગયા એટલે જિંદગીભર બેંગાલુરુમાં વૈભવી બંગલો પચાવી પાડીને રહેશે. એ જુદી વાત છે કે યેદિયુરપ્પા ભૂતકાળમાં પણ સીએમ હતા, પરંતુ મધુ કોડા જેવા ચાર સભ્યો સાથે સીએમ બની ગયેલા અને ૪૦૦ કરોડનું કૌભાંડ કરીને જતા રહેલા. તેમના જેવા કૌભાંડી અને ભ્રષ્ટાચારી નેતાઓ પણ આજીવન સરકારી બંગલા પચાવી પાડે છે.સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે યુપીના છએ છ માજી મુખ્યપ્રધાનોના બંગલા ખાલી કરાવો. આ રેલો બીજા રાજ્યોના માજી મુખ્યપ્રધાનો સુધી આવવાનો છે. પરંતુ રેલો આગળ વધે તે પહેલાં નેતાઓ એક બીજાને મળીને કુલડીમાં ગોળ ભાંગવા લાગ્યા છે. યુપીના મુખ્યપ્રધાન બનેલા આદિત્યનાથનો પોતાનો એકરોમાં ફેલાયેલો મઠ ગોરખપુરમાં છે. પણ તેઓ પહેલેથી જ રાજકીય માણસ છે અને એકવાર મુખ્યપ્રધાન બન્યા પછી તેમનેય કાયમી અડ્ડો લખનૌમાં જમાવવા માટે વિશાળ સરકારી બંગલો આજીવન મળે તે લલચાવે તેવી વાત છે.તેથી કશીક છટકબારી શોધવા માટેની તૈયારીઓ થઈ રહી છે. આ તૈયારીમાં મુલાયમસિંહ યાદવ ખાનગીમાં યોગીને મળી આવ્યા, બોલો. આ વાત મીડિયામાં જાહેર થઈ ગઈ કે મુલાયમ અને યોગી આદિત્ય નાથ મળ્યા હતા. વાતનું વતેસર ના થાય તે માટે સૂત્રોએ એવી ચોખવટ કરી કે સરકારી બંગલા ખાલી કરવાના મામલે મુલાકાત થઈ હતી. કોઈ રાજકીય મુલાકાત નથી.જોકે બંગલો ખાલી ના કરવો પડે તે માટે મુલાકાત થઈ તે જાણીને નાગરિકો ઉલટાના વધારે ચોંક્યા હતા. તેનો અર્થ એ કે આ નેતાઓ ભેગા મળીને સુપ્રીમ કોર્ટને પણ છેતરવા માગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લાંબા ગાળાનો કોઇ ઉકેલ લાવવા માટે સમય જોઈશે, પણ તાત્કાલિક બંગલા ખાલી ના કરવા પડે તે માટે ગોઠવણ થઈ ગઈ હતી. હવે મુલાકાત જાહેર થઈ ગઈ એટલે શું થશે તે નક્કી નથી, પણ એક ચાલાકી કરવાનું વિચારી લેવાયું હતું.ચાલાકી એવી હતી કે છએ છ મુખ્યપ્રધાનો પાસે પોતાના બંગલા અકબંધ રહે. આમાંથી જોકે રાજનાથ સિંહે જાહેરમાં એવું કહ્યું છે કે પોતે લખનૌનો સરકારી બંગલો ખાલી કરી દેશે. કલ્યાણસિંહ બંગલો ખાલી કરવા માગતા નથી. મુલાયમ અને અખિલેષ બંને પોતપોતાના બંગલા રાખવા માગે છે અને માયાવતી ૧૦૩ કરોડ રૂપિયા ખર્ચીને તૈયાર કરેલા મહેલને છોડી દેવા માગતા નથી. તેથી એવો રસ્તો વિચારાયેલો કે યુપી વિધાનસભામાં અને વિધાન પરિષદમાં એસપીના ધારાસભ્યો વિપક્ષના નેતા તરીકે છે. વિપક્ષના નેતા રામ ગોવિંદ ચૌધરી અને વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અહમદ હસન બંને પાસે પોતાના નિવાસસ્થાન છે. તેથી આ બંને નેતાને મુલાયમ અને અખિલેષના બંગલા ફાળવી દેવામાં આવે. નામ ચૌધરી અને હસનનું હોય, પણ તેમાં નિવાસ મુલાયમ અને અખિલેષ કરે.યોગી આદિત્યનાથને પણ ભાવતું હતું ને વૈદ્યે કહ્યું એવું થયું. પોતાના નેતાઓના બદલે વિપક્ષમાંથી દરખાસ્ત આવી એટલે તેમને પણ કલ્યાણ સિંહને રાજી રાખવાની તક મળી ગઈ. કલ્યાણ સિંહ અને રાજનાથ સિંહ (તેમણે પાછળથી ખાલી કરવાનું કહ્યું છે) બંનેના બંગલા પણ બચી જાય તેવી શક્યતા હતી. તિવારીનો બંગલો બચે એટલે કોંગ્રેસ પણ વિરોધ કરવાની નહોતી.ભાજપના માજી મુખ્યપ્રધાન અને હાલમાં રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહ માટે આ યોજના વધારે બંધબેસતી હતી. તેમના પૌત્રને ભાજપે ટિકિટ આપી હતી. તે જીતી ગયા અને અત્યારે યોગી સરકારમાં પ્રધાન છે. તેમને કલ્યાણસિંહનો બંગલો ફાળવી દેવામાં આવે એટલે તેમનું કામ પણ થઈ જાય. માયાવતી માટે આવી જ રીતે કોઈના નામે બંગળો ફાળવી દેવાયો હોત, પણ કબજો તો માયાવતી પાસે જ રહ્યો હોત.હવે દાણા વેરાઈ ગયા, કેમ કે યોગી અને મુલાયમની મુલાકાતની વાત લીક થઈ ગઈ. આ મામલે સીએમ કાર્યાલયના બે જુનિયર કર્મચારીઓને બલિના બકરા બનાવી તેમનો ભોગ લેવાઈ ગયો, પણ નુકસાન એ થયું કે આ યોજનામાં હવે તાત્કાલિક આગળ વધી શકાય તેમ નથી. જોકે નફ્ફટ નેતાઓ વાત જાહેર થઈ ગયા પછી પણ આ યોજનાનો અમલ કરે તેવી શક્યતા છે. કેમ કે શરમ નામની ચીજ નેતાઓમાં કદી હોતી નથી. તેમને ટીકા થવાની ચિંતા નથી હોતી, બંગલા જતા રહે તેની ચિંતા હોય છે. ટીકા તો ચોવીસે કલાક ચાલવાની છે અને ચામડી એટલી જાડી હોય કે અડે પણ નહિ.
યુપીમાં અત્યંત વૈભવી આવાસો કઈ રીતે પચાવી પડાયા છે તે યુપીના એક નિવૃત્ત આઇએએસ ઓફિસર જાણતા હતા. એસ. એન. શુક્લ નામના આ અધિકારી હવે લોક પ્રહરી નામે એનજીઓ ચલાવે છે. તેમણે જ સુપ્રીમ કોર્ટમાં જાહેર જનતાના નાણાંના દુર્વ્યયનો આ મામલો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યો હતો.સરકારી તીજોરીની લૂંટ નેતાઓ કરતાં રહે તેવો આ મામલો માત્ર યુપીનો નથી. દરેક રાજ્યમાં આ સ્થિતિ છે. ગુજરાતમાં આગળ કહ્યું તેમ ધારાસભ્ય બનો એટલે સસ્તામાં પ્લોટ મળી જાય અને માજી મુખ્યપ્રધાન તરીકે આજીવન બંગલો પણ ફાળવી દેવાય છે. ગુજરાતમાં ફરક એટલો છે કે મુખ્યપ્રધાનનું નિવાસસ્થાન નિશ્ચિત કરીને રખાયું છે એટલે તેમાં સમયાંતરે કરોડોનો ખર્ચ થાય છે, પણ દરેક નવા સીએમ માટે સેંકડો કરોડોના ખર્ચે નવો બંગલો બનાવવો પડતો નથી.વર્તમાન ધારાસભ્યો માટે મકાનો અને પ્રધાનો માટે બંગલા એ બધી સગવડો પાછળ અબજો રૂપિયાનો ખર્ચ થાય છે. પેલી સંસદની કેન્ટિનમાં દેશમાં સૌથી સસ્તુ ભોજન મળે છે અને બહાર ગરીબોને ખાવાનું નથી મળતું તે વિરોધાભાસ ઘણી વાર ટીકાકારો દેખાડતા હોય છે. આ વિરોધાભાસ સાવ દૂર કરી શકાય તેમ નથી. પણ એક તરફ નાગરિકોને પીવાનું પાણી પણ ના મળતું હોય અને ગાંધીનગરમાં નેતાઓ અને અમલદારો તેમના બગીચામાં અને વાહનોને વારેવારે ધોવામાં રોજ હજારો લીટર પાણી વેડફી નાખે તે ચલાવી લેવાય નહિ. એક મર્યાદા નક્કી કરવી જરૂરી છે. આવાસ મળે પણ વૈભવી નહિ, નિવૃત્ત થયા એટલે વાત પૂરી. હારી ગયા એટલે વાત પૂરી. તમે તમારા રસ્તે. પેન્શન આપવાની વાત વાહિયાત છે.

Related posts

MORNING TWEET

aapnugujarat

મંગળ ગ્રહની યાત્રા અને ભારતની મંગળસિદ્ધિ

aapnugujarat

ઇમ્યુનિટી વધારવા નારંગી અને મોસંબીની માંગમાં વધારો

editor

Leave a Comment

UA-96247877-1