Aapnu Gujarat
ગુજરાત

દિવાળી પહેલા કોંગ્રેસ દ્વારા ૧૦૦ના નામ ફાઇનલ થશે

વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસની સ્ક્રીનીંગ કમીટીની બેઠકોનો દોર આજે પણ ચાલ્યો હતો. સ્ક્રીનીંગ કમીટીના ચેરમેન સહિતના પદાધિકારીઓએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે ઉમેદવારોની પસંદગીના મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરી હતી. આધારભૂત સૂત્રોના મતે, દિવાળી પહેલા કોંગ્રેસ દ્વારા ૧૦૦ ઉમેદવારોના નામોને આખરી ઓપ અપાઇ જશે. એટલું જ નહી, આ વખતે રાજયસભાની ચૂંટણી વખતે પક્ષ સાથે વફાદારી રાખનાર ૪૪ ધારાસભ્યો પૈકી ૩૯ ધારાસભ્યોને રિપીટ કરવાની મંજૂરી મળી ગઇ છે, જયારે પાંચ ધારાસભ્યોના કિસ્સામાં બેઠક બદલવા સહિતના મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે.  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ ચાલુ રહ્યો છે. તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસના નેતાઓ ભરતસિંહ સોલંકી, મોહનસિંહ રાઠવા સહિતના નેતાઓ દિલ્હી ખાતે સ્ક્રીનીંગ કમીટીની બેઠકમાં ઉમેદવારોની પસંદગીના મુદ્દે ભાગ લેવા ગયા હતા પરંતુ આ મામલે કોઇ ખાસ નિર્ણય થઇ શકયો ન હતો. દરમ્યાન હવે સ્ક્રીનીંગ કમીટીના અધ્યક્ષ બાલાસાહેબ થોરાટના વડપણ હેઠળ તા.૧૬,૧૭ અને ૧૮ અમદાવાદમાં જીપીસીસી ખાતે ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે બેઠકોનું આયોજન થયું છે. આજે પણ  પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, સિનિયર નેતાઓ શકિતસિંહ ગોહિલ, અર્જુનભાઇ મોઢવાડિયા સહિતના અગ્રણી નેતાઓ અને આગેવાનો સાથે સ્ક્રીનીંગ કમીટીના પદાધિકારીઓએ ખૂબ જ અગત્યની ચર્ચા વિચારણા હાથ ધરી હતી. જેમાં  ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પર કયા ઉમેદવારોને ઉભા રાખવા અને કઇ બેઠક પર કઇ જ્ઞાતિનું કાર્ડ હુકમનો એક્કો સાબિત થશે તે સહિતની બાબતોને લઇ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. બેઠકમાં ઉમેદવારોની પસંદગીની પ્રાથમિક પ્રક્રિયા હાથ ધરી અમુક નામો પર સર્વસંમંતિ સધાઇ હતી. આધારભૂત સૂત્રોના મતે, કોંગ્રેસ દ્વારા દિવાળી પહેલાં ૧૦૦ ઉમદવારોના નામોને પસંદગી કરી આખરી ઓપ આપી દેવાય તેવી પૂરી શકયતા છે. બીજીબાજુ, જે ૪૪ ધારાસભ્યોએ રાજયસભાની ચૂંટણી ટાણે પક્ષની ઇજ્જત સાચવી હતી, તે વફાદાર ધારાસભ્યો પૈકીના ૩૯ ધારાસભ્યોને રિપીટ કરવાનું નક્કી થઇ ગયું છે અને તેની અધિકૃત મંજૂરી પણ કોંગ્રેસ મોવડી મંડળ તરફથી મળી ગઇ છે. બાકીના પાંચ ધારાસભ્યોના કેસમાં તેમની બેઠક બદલવા સહિતના વિવિધ મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે પરંતુ પક્ષના આગેવાનો સમજાવટ અને ચૂંટણીનો માહોલ પરિસ્થિતિ જોઇને નિર્ણય લેશે. જે નામો ફાઇનલ થઇ જશે તેઓના નામો અધિકૃત રીતે જાહેર નહી કરાય અને ઉમેદવારોને ખાનગીમાં કહી દેવાશે કે જેથી તેઓ તેમના વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી દે. ભાજપ સામે પડેલા પાટીદારોનું ફેકટર ગુજરાતની આ વખતની ચૂંટણીઓમાં બહુ મહત્વનું મનાઇ રહ્યું છે અને કોંગ્રેસ તેનો ફાયદો ઉઠાવવા માંગે છે અને તેથી જ આગામી ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પાટીદારોના ઘણા ઉમેદવારોને ટિકિટની લ્હાણી કરાય તેવી શકયતા છે. કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લામાં એક મહિલાને ટિકિટ ફાળવવાનું પણ આયોજન છે કે જેથી મહિલા મતદારોને આકર્ષી શકાય.

Related posts

કોંગી ધારાસભ્યોના સસ્પેન્શન મુદ્દે ભાજપ-કોંગીમાં સમાધાન

aapnugujarat

ભાજપ પ્રદેશ સંગઠનનું નવું માળખું જાહેર

editor

ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેસાણા કમલમ ખાતે મીડીયા પ્રશિક્ષણ વર્ગ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1