Aapnu Gujarat
ગુજરાત

હજારો આરસી બુક બેકલોગ કલિયર થયા વિના પડી રહ્યો

આરટીઓમાં લગભગ છેલ્લા એક સપ્તાહથી આર.સી.બુકનું સર્વર ખોટવાયેલુ બંધ હાલતમાં છે, જેના કારણે આરટીઓ કચેરીમાં હજારો આર.સી બુકનો બેકલોગ કલિયર થયા વિના ભરાવો થઇને પડી રહ્યો છે. તો, જીસ્વાન કનેકટીવીટી સ્લો ચાલવાના કારણે વાહનોના રજિસ્ટ્રેશન, પાસીંગ સહિતની કામગીરી પણ ગોકળગાય ગતિએ ચાલી રહી છે અને અટવાઇ રહી છે. નવરાત્રિ-દશેરાના તહેવાર હમણાં જ પૂર્ણ થયા છે અને હવે દિવાળીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હજારોની સંખ્યામાં વાહનોનું વેચાણ થઇ રહ્યું છે ત્યારે આરટીઓ તંત્રના ધાંધિયા અને લાલિયાવાળીથી હજારો નાગરિકો ત્રાહિમામ્‌ પોકારી ગયા છે. નવા વાહનોના રજિસ્ટ્રેશન, પાસીંગ અને ટેક્સ સહિતની કામગીરી પર સીધી અસરો પડી રહી છે. આરટીઓ કચેરીને મોડલ બનાવવાના બણગાં ફુકતાં ઉચ્ચ અધિકારીઓએ પહેલાં નાગરિકોને સરળ, ઝડપી અને બિનખર્ચાળ સેવા પૂરી પાડવાનું વ્યવસ્થાતંત્ર ગોઠવવું જોઇએ અને કચેરીની સીસ્ટમને પહેલાં તો ક્ષતિરહિત ફુલપ્રુફ બનાવવી જોઇએ. આ અંગે અમદાવાદ મોટર વાહન ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ આરટીઓ કચેરીમાં છેલ્લા કેટલાક સમયથી જીસ્વાન કનેકટીવીટી અને સ્લો સ્પીડના પ્રોબ્લેમના કારણે હજારો નાગરિકો હેરાન-પરેશાન થઇ ગયા છે. ઘણીવાર સવારે ૧૧-૦૦ વાગ્યાથી કનેકટીવીટી છોડી દે તો બપોરે ૩-૦૦ વાગ્યે ચાલુ થાય, ઘણીવાર સ્પીડ એટલી ઓછી હોય કે, નાગરિકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ કંટાળીને પોતાનું કામ અધૂરું છોડીને જતા રહે છે. લોકો ભયંકર હદે કંટાળી ગયા છે કારણ કે, વાહન રજિસ્ટ્રેશન, પાસીંગ સહિતની કામગીરી અટવાઇ જાય છે. તો બીજીબાજુ, આર.સી.બુકનું સર્વર પણ છેલ્લા એકાદ સપ્તાહથી ઠપ્પ છે, જેના કારણે હજારો આરસી બુક કેએમસી કર્યા વિના ભરાવો થઇને પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી આરટીઓ કચેરીમાં હજારો આરસી બુકનો બેકલોગનો ભરાવો થઇ ગયો હોવાછતાં હજુ સુધી સર્વરના પ્રોબ્લેમનું કોઇ જ સોલ્યુશન સત્તાવાળાઓ દ્વારા લાવવામાં આવ્યું નથી. એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ એક ગંભીર મુદ્દા પરત્વે ધ્યાન દોરતાં જણાવ્યું કે, આરટીઓ કચેરીમાં ટ્રાન્સપોર્ટ શાખા, નોન ટ્રાન્સપોર્ટ, પરમીટ સહિતની શાખાઓમાં આરટીઓ કર્મચારીઓ તેમની ડેટા એન્ટ્રી સહિતની કામગીરી માટે બહારના કોમ્પ્યુટરના માણસો રાખતા હોય છે, જેના કારણે કચેરીની વિશ્વસનીયતા, ગુપ્તતા અને અધિકૃતતાને લઇને ગંભીર સવાલો ઉઠયા છે. ખરેખર તો, આ આરટીઓ કર્મચારીઓએ ડેટા એન્ટ્રી, વાહનનું એપ્રુવલ, ફીટનેસ સર્ટિફિકેટ સહિતની કામગીરી કરવાની હોય છે પરંતુ તેઓ સવારે પોતાના કોમ્પ્યુટરના પાસવર્ડ ખોલી કચેરીના સરકારી કોમ્પ્યુટર આ બહારના માણસોને હવાલે કરી દેતા હોય છે. જેના લીધે આરટીઓના મહત્વના ડેટા, ફાઇલ સહિતની ચોરી, ભ્રષ્ટાચાર, અનઅધિકૃતતા સહિતના ગંભીર સવાલો ઉભા થયા છે અને જો કંઇ અનિચ્છનીય ઘટના ઘટે તો તે માટે જવાબદારી કોની  તે પણ સૌથી મોટો સવાલ છે. ખુદ આરટીઓ અધિકારી સહિતના સત્તાવાળાઓની જાણકારીમાં આ બાબતો હોવાછતાં કોઇ પગલાં લેવાતા નથી તે બાબત પણ ગંભીર સૂચક મનાય છે. (અનુસંધાન નીચેના પાને)

Related posts

શાહીબાગ પોલીસ હેડકવાર્ટસમાં ચાલતા જુગારધામ પકડી પડાયું

aapnugujarat

ભદ્ર પ્લાઝાના પે એન્ડ પાર્કમાં થયેલ દબાણ ઇદ પછી દૂર થશે

aapnugujarat

ગાંધીનગર ખાતે દીપડો દેખા દીધા બાદ સફળ ઓપરેશન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1