Aapnu Gujarat
બ્લોગ

મીડિયા વર્સિસ સોશિયલ મીડિયા

ભારતીય ઈલેક્ટ્રોનિક મીડિયાની વિશ્વસનિયતાનો ગ્રાફ છેલ્લા ઘણા સમયથી સતત ન્યૂટને શોધેલા ગુરૂત્વાકર્ષણના નિયમને અનુસરી રહ્યો છે. જોકે એના માટે ન્યૂટન બિલકુલ જવાબદાર નથી, ન્યૂટને કદાચ ગુરૂત્વાકર્ષણનો નિયમ ના શોધ્યો હોત તો લોકો કાંઈ જમીનથી અદ્ધર ના ચાલતા હોત, પણ એક સમયે જેને લોકશાહીનો ચોથા સ્તંભ હોવાનું સન્માન આપવામાં આવ્યું છે એ સામુહિક માધ્યમો પોતે માનસિક રીતે પોતે ચોથી જાગીર હોવાના કેફમાં જરૂર છે પણ છેલ્લા ઘણા સમયથી વારંવાર એનો ચહેરો ખુલ્લો પડતો રહ્યો છે અને એવું દેખાઇ રહ્યું છે કે એનું પતન તો ગુરૂત્વાકર્ષણનો નિયમ તો ઠીક પણ ગુરૂત્વાકર્ષણ ના હોત તો પણ નિશ્ચિત હતું કારણ કે એના પાયામાં ક્યારનોયે હરામની કમાણીના પૈસાનો લુણો લાગી ચૂક્યો છે અને છાપાં અને ટીવીના કમનસીબે, સોશ્યલ મીડિયાનું છત્ર બહુ ઝડપથી અને વિકરાળ રીતે વિસ્તરતું જાય છે.
અલબત્ત, એ વાત ખરી કે સોશ્યલ મીડિયાના આવ્યા પછી મીડિયાનાં જૂનાં અને પરંપરાગત માધ્યમોની પોલ વારંવાર ખુલતી રહી છે અને ખુલતી રહે છે એનો અર્થ એ નથી કે સોશ્યલ મીડિયા દૂધે ધોયેલું અને પવિત્ર છે! રોજેરોજ અનેક ઘટનાઓ એવી બને છે જેનાથી સોશ્યલ મીડિયાત્નો દુરૂપયોગ અને ઘાતકતા સામે આવતા રહે છે. આજે સોશ્યલ મીડિયાના પ્રસારની સાથે દરેક માણસ વ્યક્તિગત રીતે એક મીની મીડિયા બની ગયો છે ત્યારે એની અંદર વધારે સડો પેસે એ એકદમ સ્વાભાવિક છે સાથે સા્‌થે એક બહુ અગત્યની બાબત એ છે કે જે રીતે સોશ્યલ મીડિયા સાથે જોડાયેલા લોકોમાં બીજાં માધ્યમનોની વિશ્વસનિયતા ઘટી છે અને અળખામણાં થયાં એજ રીતે સોશ્યલ મીડિયા સાથે જોડાયેલો જણ સોશ્યલ મીડિયા પર આવતી માહિતી અંગે પણ પૂરેપૂરો સાશંક રહે છે અને નિરક્ષીર વિવેકનો ઉપયોગ કરીને સાચું શું અને ખોટું શું એ તારવતાં શીખી ગયો છે અમુક અંશે. જ્યારે ટીવી ચેનલ્સ દર્શકો અને છાપાંઓના વાચકો (જે સોશ્યલ મીડિયા સાથે જોડાયેલા નથી) એમની પાસે સત્યને ચાળવાની ચાળણી હોવાની સંભાવના બહુ ઓછી થઈ જાય છે અને મોટા ભાગે છપાયેલું કે પછી દેખાડાયેલું ને સંભળાવાયેલું માની લેવા સિવાય એની પાસે બીજો કોઇ વિકલ્પ નથી.
એક રસપ્રદ બાબત એ છે કે સોશ્યલ મીડ્યા સાથે જોડાયેલા મોટા ભાગના લોકો, લગભગ તમામ લોકો, મીડિયાના અન્ય દ્રશ્ય-શ્રાવ્ય અને વાચ્ય માધ્યમો સાથે પણ જોડાયેલા છે અને પોતાના હાથમાં સોશ્યલ મીડિયા નામનું બ્રહ્માસ્ત્ર હોવાના ગુમાન સાથે (અને કારણે) બીજાં માધ્યમોને આલોચકની તીખી નજરે જોતા રહે છે અને જેવો મોકો મળે કે તરતજ સોશ્યલ મીડિયા પર અન્ય માધ્યમોનું વસ્ત્રાહરણ કરતા રહે છે. પરંતુ આપણા દેશમાં જ્યાં ઈન્ટરનેટ અને કમ્પ્યુટરનો વપરાશ હજુ વિકસિત દેશોના પ્રમાણમાં પાપા પગલી ભરે છે ત્યારે સ્વાભાવિક કે છે દેશના ઘણા વિસ્તારો હજુ ટીવીથી પણ વંચિત છે એ સંજોગોમાં એમના માટે છાપાં અને રેડિયો બોલે એ બ્રહ્મવાક્ય છે જ્યારે જ્યાં સુધી સોશ્યલમીડિયા નથી પહોંચ્યું ત્યાં જે ટીવી દેખાડે એજ સનાતન સત્ય છે. એટલે જે રીતે સોશ્યલ મીડિયા સાથે જોડાયેલા તમામ લોકો અન્ય માધ્યમોની પણ જાણકારી રાખે છે એનાથી ઉલ્ટું, ટીવી અને સમાચારપત્રો સાથે જોડાયેલી દેશની મોટાભાગની વસ્તી સોશ્યલ મીડિયાથી વંચિત છે! મતલબ કે દેશમાં બહુ ઓછો વર્ગ એવો છે કે જેની પાસે સોશ્યલ મીડિયા નામનું એરણ છે જેની કસોટીએ ચડાવીને એ અન્ય માધ્યમો દ્વારા પિરસાતી સામગ્રીની યથાર્થતાને ચકાસી શકે. ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા પાસે મનમાની કરવાનું આ સૌથી મોટું કારણ છે!સોશ્યલ મીડિયા પર સોશ્યલ મીડિયા વિરૂદ્ધ અન્ય માધ્યમોનો જંગ સતત ચાલતો રહે છે અને અન્ય માધ્યમો સોશ્યલ મીડિયાને તુચ્છ કીડી સમાન અને પોતાને મદમસ્ત હાથી માનીને પોતાની મસ્તીમાંજ ચાલતા રહે છે ને વારંવાર એવું થતું રહે છે કે આ તુચ્છ ચીંટી હાથીના કાનમાં ઘુસી જઈને એના મર્મસ્થાન પર ચોટ પહોંચાડી એને હચમચાવી મૂકે છે. વર્તમાન સમયનું સૌથી મોટું ઉદાહરણ અભિષેક મનુ સિંઘવી વાળી ઘટના છે જ્યારે તમામ અન્ય મીડિયાના મોઢામાં હજાર હજારની નોટના ડટ્ટાઓ ઠૂંસી દેવામાં આવેલા એટલે એ બિચારું કશું બોલી નહોતા શકતું એ સંજોગોમાં સોશ્યલ મીડિયાએ પોતાની તાકાત દેખાડી અને અભિષેક મનુ સિંઘવીની ફિલમ રિલીઝ થઈ ગઈ ને અન્ય માધ્યમોની ફિલમ ઉતરી ગઈ! પછીતો કહેવુંજ શું, પોતાનું વસ્ત્રાહરણ થતાં ધુંધવાયેલું અને ગિન્નાએલું ઈલેક્ટ્રોનિક મીડિયા એક થઈને સોશ્યલ મીડિયા પર તૂટી પડેલું. સોશ્યલ મીડિયા નિરંકુશ છે, ઘાતક છે, અંકુશ જરૂરી છે બ્લા બ્લા બ્લા..ડિબેટો દિવસો સુધી ચાલેલી ને છેવટે સમય નામની બર્નોલે એની અગન શાંત પાડેલ! તાજેતરની એક ઘટનામાં અમેરિકામાં ભારતના એક પત્રકારે ત્યાંના નાગરિકો સાથે કરેલી બદતમીઝીના વીડિયોને એડિટ કરી પોતાને અનુકુળ આવે એટલી ફિલમ બતાવી મીડિયાએ સમાજને પોતાના ચશ્મા પહેરાવીને દેખાડવાની ભરપૂર કોશીશ કરી પણ અહીં પણ વળી પાછું સોશ્યલ મીડિયાએ બનેલી ઘટનાની આખી ફિલ્મ રીલીઝ કરીને લાગતા વળગતાઓની પોલ ખોલી નાખેલી!પોતાના પર જરા સરખું નિયંત્રણ આવતાં ’કટોકટી’ ’ફાસીઝમ’ ’સરમુખ્યારશાહી’ જેવા શબ્દોની ફેંકાફેંકી કરીને કાગારોળ કરી મૂકતું મીડિયા, સોશ્યલ મીડિયા પર નિયંત્રણ મૂકવાની વકિલાત કરે છે! અલબત્ત, સોશ્યલ મીડિયાએ પણ છેલ્લા કેટલાક સમયમાં પોતાનો જે ચહેરો અને ચાલચલગત બતાવી છે એ કોઇ પણ સમજદાર માણસને એ માનવા પ્રેરે કે આ નિરંકુશ માધ્યમને પણ કોઇ અંકૂશની જરૂર તો છેજ. મ્યાનમારમાં બનેલી ઘટનાઓને કારણે મુંબઈને પેટમાં પીડા ઉપડતી હોય કે યુપીના મુઝફ્ફરનગરમાં બનતી ઘટનાઓ પાછળ, જેને કાંઈ લાગતું વળગતું નથી એવી વીડિયો ક્લીપ જવાબદાર હોય, ત્યારે આ સોશ્યલ મીડિયાનો વિકૃત ચહેરો સામે આવ્યો છે. બેંગલુરુથી ઝડપાયેલ મહેંદી મસરૂર જે છેલ્લા ઘણા સમયથી દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠનનું ટ્‌વીટર એકાઉન્ટ ચલાવતો હતો એ ઘટનાએ સોશ્યલ મીડિયાના દુરુપયોગ અને અંકૂશ અંગે બહુ ગંભીરતાથી વિચારવાની ફરજ પાડી છે. જોકે એ હકીકત સ્વીકારવી જોઇએ કે જેના સર્વરનું નિયંત્રણ વિદેશથી થાય છે એવી સોશ્યલ સાઈટો પર સરકાર સંપૂર્ણ નિયંત્રણ કરી શકે એ શક્ય નથી, પણ એટલું જરૂર કરી શકાય કે જે રીતે અન્ય જગ્યાએ કેવાયસી ડોક્યુમેન્ટસનું વેરીફિકેશન જરૂરી છે એ રીતે સોશ્યલ મીડિયા પર એકાઉન્ટ ઓપન કરવા માટે પણ ફોટો આઈડી અને સરનામું જેવા પુરાવાઓ ફરજીયાત કરી દેવા જોઇએ. આનાથી ઘણાખરા અંશે સોશ્યલ મીડિયા પર અંકૂશ ચોક્કસ રાખી શકાશે. બાકી ટેલિવિઝ્‌ન અને પ્રિન્ટ મીડિયા જે પ્રકારનું નિયંત્રણ સોશ્યલ મીડિયા પર ઈચ્છે છે એતો કોઇ પણ સંજોગોમાં શક્ય નથી! સોશ્યલ મીડિયા પર નિયંત્રણ આવે કે ન આવે પણ એટલું ચોક્કસ છે કે આગામી સમયમાં ઈલેક્ટ્રોનિક-પ્રિન્ટ મીડિયાએ પોતાનું વલણ બદલવું પડશે, સુધરવું પડશે અને સમજી લેવું પડશે કે હવે ધનના ઢગલા નીચે સત્યને દબાવી દેવું શક્ય નથી, કારણકે આવનારા સમયમાં સ્માર્ટ ફોનના વપરાશની સાથે સાથે સોશ્યલ મીડિયાનો વ્યાપ વધીને ઘર ઘર સુધી પહોંચવાનો છે અને સ્માર્ટ ફોન ધરાવનાર હરતો ફરતો દરેક વ્યક્તિ એક મીડિયા બનીજ ગયો છે!

Related posts

NICE LINE

aapnugujarat

નિતંબની નજાકતની માવજત

aapnugujarat

किसानों पर घटिया राजनीति

editor

Leave a Comment

UA-96247877-1