Aapnu Gujarat
રાષ્ટ્રીય

સંસદમાં ઘૂસણખોરી : પોલીસે પાંચમા આરોપીને પકડ્યો

Parliament Security Breach: ભારતીય સંસદની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવીને બુધવારે બે લોકો લોકસભામાં કૂદી પડ્યા હતા અને રંગીન ગેસનો સ્પ્રે કર્યો હતો. આ ઘટનામાં પોલીસે કુલ પાંચ લોકોને પકડ્યા છે અને તેમની સામે ત્રાસવાદ વિરોધી UAPA કાયદા હેઠળ કેસ કર્યો છે. આ પાંચેય લોકો અલગ અલગ રાજ્યોમાંથી આવેલા છે અને તેમનો વાસ્તવિક ઈરાદો શું હતો તે જાણવા પ્રયાસ થઈ રહ્યો છે. સંસદમાં વિઝિટર ગેલેરીમાં જવા માટે વ્યક્તિએ અનેક સિક્યોરિટી ચેકમાંથી પસાર થવું પડે છે, પરંતુ ઘૂસણખોરો પગરખામાં સ્મોક બોમ્બ છુપાવીને લોકસભામાં પ્રવેશી ગયા હતા.

બુધવારે જ સંસદની અંદર અને બહારથી કુલ ચાર લોકોને પકડવામાં આવ્યા હતા જેઓ સરકાર વિરોધી નારા લગાવી રહ્યા હતા અને પોતાને બેરોજગાર ગણાવતા હતા. આજે તેમની સાથે સંકળાયેલા પાંચમા યુવકને પણ પકડી લેવામાં આવ્યો છે.
પોલીસ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે તેઓ સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યા હતા અને સંસદમાં ઘૂસણખોરી કરતા અગાઉ આખી બિલ્ડિંગની રેકી કરી હતી. તેમણે સ્મોક બોમ્બ લઈને અંદર કઈ રીતે ઘૂસવું તે પણ જોઈ લીધું હતું. લોકસભામાં ઘૂસી આવેલા બે લોકોને કેટલાક સાંસદોએ માર્યો હોવાના વીડિયો પણ વાઈરલ થયા છે.
વર્ષ 2001માં સંસદ પર ત્રાસવાદી હુમલો થયો હતો તેની 22મી વર્ષગાંઠે જ આ પ્રકારની ઘૂસણખોરી થઈ તેના કારણે સંસદની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો જાગ્યા છે. પોલીસનું કહેવું છે કે કુલ છ વ્યક્તિઓ આ ષડયંત્રમાં સામેલ હતી. તેઓ છેલ્લા ચાર વર્ષથી એકબીજા સાથે સંપર્કમાં હતા. તેમાંથી નીલમ આઝમી નામની યુવતી કેટલાક વિરોધ પ્રદર્શનોમાં પણ ભાગ લઈ ચૂકી છે. તેને જ્યારે આ ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે બેરોજગાર છે અને સરકાર તેમની વાત સાંભળતી નથી.

બુધવારે શૂન્ય કાળ દરમિયાન સાગર શર્મા અને મનોરંજન ડી નામના યુવાનો લોકસભામાં કૂદી પડ્યા હતા. ત્યાર પછી સંસદની બહારથી અમોલ શિંદે અને નીલમને પકડવામાં આવ્યા હતા જેઓ સરકાર વિરોધી પ્રદર્શન કરતા હતા. આ લોકો ગુરુગ્રામમાં લલિત ઝાના નિવાસસ્થાને રહ્યા હતા. આ પાંચની ઓળખ થઈ ગઈ છે જ્યારે છઠ્ઠો આરોપી હજુ ફરાર છે. આ તમામ સામે યુએપીએના કડક કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર ભગત સિંહ ફેન ક્લબ નામે ગ્રૂપ ચલાવે છે. તેઓ દોઢ વર્ષ અગાઉ મૈસુરમાં મળ્યા હતા અને આ પ્લાન પાર પાડવાનો નિર્ણય લીધો હતો.

Related posts

યમુનામાં પાણીની સપાટી ખતરા સ્તરથી ઉપર

aapnugujarat

कश्मीर से लेकर विकास के फ्रंट तक मोदी सरकार फेल : सोनिया गांधी

aapnugujarat

કશ્મીર અને યુપીના ૩૦૦થી વધુ વ્હોટ્‌સએપ ગ્રુપ આતંકીઓના રડાર પર

aapnugujarat
UA-96247877-1