Aapnu Gujarat
Uncategorized

સૌરાષ્ટ્ર કેમીકલ્સ કંપની દ્વારા પોરબંદરના દરિયામાં કેમિકલયુકત પાણી છોડાતાં હજારો માછલીના મોત

નિરમા સંચાલિત સૌરાષ્ટ્ર કેમીકલ્સ કંપની દ્વારા પોરબંદરના દરિયામાં કેમિકલયુક્ત એફલુઅન્ટ અને પાણી છોડાતા હજારો માછલીઓ, સાપ, કરચલા સહિતના દરિયાઇ જીવસૃષ્ટિના મોટાપાયે મોત નીપજતાં ભારે ચકચાર મચી ગઇ છે. ખાસ કરીને માછલી, સાપ, કરચલા સહિત દરિયાઇ જીવસૃષ્ટિના હજારોની સંખ્યામાં મોતને લઇ પર્યાવરણ પ્રેમીઓમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. પર્યાવરણ પ્રેમીઓ દ્વારા નિરમા સંચાલિત સૌરાષ્ટ્ર કેમીકલ્સ કંપની સામે ફોજદારી કાર્યવાહી અને જવાબદાર અધિકારીઓને સામે સખત કાયદેસર પગલા લેવાની ઉગ્ર માંગણી પણ કરાઇ હતી. જેને લઇને હવે સમગ્ર વિવાદ વકર્યો છે. નિરમા સંચાલિત સૌરાષ્ટ્ર કેમીકલ્સની ગંભીર બેદરકારી અને ઇરાદાપૂર્વકની સાજીશના કારણે આ ઘટના બની હોવાનો આક્ષેપ પણ પર્યાવરણ પ્રેમીઓએ કર્યો હતો. એટલું જ નહી, હજારો માછલીઓના મોતને છુપાવવા માટે કંપનીએ પોતાના મજુરને માછીલીઓ દાટી દેવા માટે આપી દીધી હતી અને મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇને હવે સમગ્ર મામલો ગરમાયો છે. મહત્વનું છે કે વર્ષોથી દરિયામાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. મામલાની ગંભીરતા અને કંપનીના ગુનાહિત કૃત્યને લઇ પર્યાવરણ પ્રેમીઓએ હવે ગંભીર સવાલો ઉઠાવ્યા છે કે, માછલીઓના મોત પાછળ જવાબદાર કોણ? કોની મંજુરીથી કેમીકલયુકત એફલુઅન્ટ પાણી દરિયામાં ઠલવાઈ રહ્યા છે? વર્ષોથી પાણી છોડાતુ હોવા છતા જીપીસીબી અને વહીવટી તંત્ર ચુપ કેમ છે? પર્યાવરણ પ્રેમીઓએ આ સમગ્ર પ્રકરણમાં કંપનીના જે કોઇ જવાબદાર ઉચ્ચ અધિકારીઓ કે સત્તાવાળાઓ સંડોવાયેલા હોય તે તમામ સામે ગુનાહિત કૃત્ય બદલ ફોજદારી કાર્યવાહી સહિતની આકરી કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી કરી હતી.

Related posts

ગોંડલમાં પ્રેમીના દુષ્કર્મ, અત્યાચારોથી કંટાળીને સગીરાનો આપઘાત

aapnugujarat

વિસાવદર તાલાલા રોડ રુટ નવી હેરિટેજ ટ્રેનો શરૂ થશે

aapnugujarat

RDD અમદાવાદ આજે દશાડા પાટડીની મુલાકાતે

editor

Leave a Comment

UA-96247877-1