Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગર લોકસભા બેઠક : નારાજ પાટીદારને મનાવવા માટે ભાજપના પ્રયાસ

ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે ભાજપથી નારાજ પાટીદારોને મનાવવા માટે સ્થાનિક આગેવાનોએ જોરશોરથી ઓપરેશન પાટીદાર શરૂ કર્યું છે જેના ભાગરૂપે પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવતી ઘાટલોડિયા, નારણપુરા અને સાબરમતી વિધાનસભા મતક્ષેત્રમાં પ્રતિષ્ઠિત પાટીદાર આગેવાનો સાથે ખાનગી બેઠકો કરીને પાટીદારોને ભાજપ તરફી મતદાન કરાવવા માટેના પ્રયાસો શરૂ કર્યાં છે. ખાસ કરીને ઘાટલોડિયા, નારણપુરા, સાબરમતી સહિતના વિસ્તારોના પાટીદારોની ગાંધીનગર લોકસભા બેઠકના મતદાનમાં નિર્ણાયક અને મહત્વની ભૂમિકા હોઇ ભાજપે તેમને મનાવવાના છેલ્લી ઘડીના પ્રયાસો આદર્યા છે. આ માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા આ વિસ્તારોની સોસાયટીના સ્થાનિક હોદ્દેદારો અને પાટીદાર આગેવાનોને કામે લગાડાયા છે.
પાટીદાર અનામત આંદોલન દરમ્યાન પાટીદારો પરના અત્યાચાર ખાસ કરીને પાટીદાર મહિલાઓ સાથે બિભત્સ વર્તન અને જાતીય સતામણીના કિસ્સાઓને લઇ ગુજરાતના પાટીદારો છેલ્લા કેટલાક સમયથી ભાજપથી નારાજ થયા હતા. તેમાં પણ ખાસ કરી અમિત શાહ સામે સાથે વધુ નારાજગી હોવાની સ્થિતિ સામે આવી હતી. જો પાટીદારો અમિત શાહના કારણે ભાજપને મત ન આપે તો ભાજપ માટે ભારે નુકસાનકારક સાબિત થઇ શકે તેમ છે. ભાજપને નુકસાનથી બચાવવા નારાજ પાટીદારોને મનાવવા માટે ઘાટલોડિયા, નારણપુરા, સાબરમતીના પાટીદાર આગેવાનો અને કેટલીક મોટી સોસાયટીઓ કે, જ્યાં પાટીદારો મતદારો વધુ છે, ત્યાંના ચેરમેન અને સેક્રેટરીઓને મળીને પાટીદારોનું મતદાન વધે તે માટેના પ્રયાસો ભાજપ દ્વારા શરૂ કરી દેવાયા છે. ખાસ કરીને પાટીદાર પ્રભુત્વ ધરાવતી ઘાટલોડિયા નારણપુરા અને સાબરમતી વિધાનસભામાં કડવા પાટીદારોની સંખ્યા સૌથી હોવાથી ભાજપ દ્વારા સ્થાનિક પાટીદાર આગેવાનો ઉપરાંત કડવા પાટીદાર સમાજના આગેવાનોને આગળ કરીને ગ્રુપ મીટિંગ બોલાવી ભાજપ તરફી મતદાન કરવા માટેના મનામણા ચાલુ કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી લોકસભા હોય કે વિધાનસભા ઘાટલોડિયા નારણપુરા અને સાબરમતી વિધાનસભામાં સૌથી વધુ મતદાન થતું આવ્યું છે અને તેમાં પણ પાટીદાર સમાજ એક બનીને ભાજપ તરફી મતદાન કરતો આવ્યો છે. પરંતુ આ વખતે પાટીદાર સમાજ નારાજ હોવાથી જો ભાજપને મત ન આપે અને નિષ્ક્રિય રહે અથવા તો નોટામાં મત નાંખી દે તો ભાજપને એટલે કે અમિત શાહને જંગી લીડ મળવી મુશ્કેલ થઈ શકે છે, જ્યારે ભાજપનો ટાર્ગેટ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સમગ્ર દેશમાં સૌથી વધુ લીડ અપાવવાનો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૪ લોકસભા ચૂંટણીના પરિણામો ઉપર નજર નાખીએ તો ભાજપના ઉમેદવાર એલ.કે.અડવાણીને સૌથી વધુ મત ૧,૭૮,૯૩૧ ઘાટલોડિયા વિસ્તારમાંથી મળ્યા હતા અને સૌથી ઓછા મત ૭૩,૭૮૬ કલોલ વિસ્તારમાંથી મળ્યા હતા. આ પરિણામોમાં ગાંધીનગર મતવિસ્તારની હદમાં આવતા અમદાવાદના વિધાનસભા વિસ્તારો નિર્ણાયક રહ્યા હતા. આમ, અમિત શાહ માટે જંગી લીડથી ગાંધીનગર લોકસભા બેઠક પરથી જીતવુ એ તેમના માટે પણ એક પ્રતિષ્ઠાની વાત બની ગઇ છે.

Related posts

કોતરપુર વિસ્તારમાં યુવકની ગળે ટૂંપો દઇને ઘાતકી હત્યા

aapnugujarat

જમાલપુરમાં ગટર સાફ કરવા ઉતરેલા મજદૂરનું મોત

aapnugujarat

CM congratulates Minister of State for Women and Child Welfare for successful organisation of Mega Medical Camp

aapnugujarat

Leave a Comment

UA-96247877-1