Aapnu Gujarat
Uncategorized

ગીર ગઢડા ૧૫ અને ઉનામાં ૧૦ ઈંચ વરસાદ

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના પંથકોમાં મેઘતાંડવ જારી રહ્યો છે. આજે પણ અતિ ભારે વરસાદના પરિણામ સ્વરૂપે ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની નદીઓમાં પુરની સ્થિતિ પ્રવર્તી રહી છે. આજે ગીર સોમનાથ જિલ્લામાં ગીરગઢડામાં માત્ર છ કલાકમાં જ ૧૫ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે ઉનાના ગુંદાળા અને ઉમેજ ખાતે ૧૦થી ૧૫ ઇંચ, સુરતના ઓલપાડ સહિતના પંથકોમાં સાત ઇઁચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ વચ્ચે તબાહી અને તારાજીની દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આજે ટુંકા ગાળામાં જ જાફરાબાદમાં પાંચ ઈંચથી વધુ, મહુવામાં ચાર ઈંચથી વધુ, આણંદમાં ચાર ઈંચથી વધુ, રાજુલામાં ચાર ઈંચથી વધુ, પારડીમાં ચાર ઈંચથી વધુ, ખાંભામાં ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. બીજી બાજુ ધરમપુરમાં ત્રણ, વાગરામાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. પાણીમાં ગરકાવ કેટલાય પંથકોમાંથી સેંકડો લોકોના સ્થળાંતર કરાવવાની ફરજ પડી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકની નદીઓમાં પૂરની સ્થિતિ છે. જેને લઇ તંત્રને એકદમ હાઇએલર્ટ પર મૂકી દેવાયું છે. વરસાદી કહેરના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યારસુધી ૨૬થી વધુ લોકોના મોત નોંધાયા છે, જયારે ૧૨૫થી વધુ પશુઓના મોત થયા છે. જયારે આ ક્ષેત્રના રાજયના પાંચ સ્ટેટ હાઇવે સહિત ૧૩૦થી વધુ રસ્તાઓ બંધ થયા છે. મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે આ ક્ષેત્રોમાં અઢી હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાને મેઘરાજાએ બાનમાં લીધા હોય તેમ છેલ્લા છ-સાત દિવસથી રોજ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢમાં સીઝનનો ૫૦ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ત્યારે આજે સોમવારે સવારથી જ ઉના તાલુકામાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ઉનાના ગુદાળા ગામમાં ૬ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર પંથક બેટમાં ફેરવાયો હતો. ઉનામાં શહેરમાં પણ સવારના ૫થી ૧૨ વાગ્યા સુધીમાં ૧૪ ઇંચ વરસાદ પડયો હતો. ઉનાના ૩૦થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.
ઉનાના ઉમેજ ગામે આજરોજ વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બપોરના ૧૨ વાગ્યા સુધીમાં ૧૫ ઇંચ વરસાદ નોંધાયો હતો.
ગામના નીચાણવાળા વિસ્તારમાંથી સંખ્યાબંધ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વેરાવળ-કોડિનાર નેશનલ હાઇવે પર સોમત નદીનું પાણી ફરી વળતા રસ્તો બ્લોક થયો હતો. ગીરગઢડામાં આભ ફાટ્યું હોય તેમ માત્ર છ કલાકમાં ૧૫ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર અને પૂરની સ્થિતિ સર્જાઇ હતી. ગીરગઢડાનું કાનકીયા ગામ બેટમાં ફેરવાયું હતું અને ગામમાં કેટલાક મકાન પણ ધરાશયી થયા હતા. ગામમાંથી અનેક પશુઓ તણાયાના સમાચાર સામે આવ્યા છે. જામવાળા ગીરનો શીંગોડા ડેમ ઓવરફ્‌લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. ગીરગઢડાનું હરમડીયા ગામ પાણીમાં ડૂબ્યું છે, ગામમાં ૧૨ ફૂટ સુધી પાણી ભરાયા છે. હરમડીયા ગામમાં પણ બે મકાન ધરાશાયી થયાનું જાણવા મળી રહ્યું છે. તેમજ સિલોજ ગામ પણ બેટમાં ફેરવાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તો, ભાવનગરના જેસર સહિતના પંથકોમાં પણ અતિ ભારે વરસાદ નોંધાતા જેસર સહિતના ગામો પાણીના બેટમાં ફેરવાયા હતા. જેસરમાં રસ્તાઓ પર પાણીનો પ્રવાહ એટલો ધસમસતો હતો કે, બે યુવકો બાઇક સાથે તણાયા હતા. આ પંથકોમાંથી સેંકડો લોકોનું સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી. ભારે વરસાદના કારણે બગદાણા-તળાજા હાઇવે બંધ કરવાની ફરજ પડી હતી કારણ કે, આ માર્ગને ભારે નુકસાન થયું હતુ, જેને પગલે વાહનવ્યવહાર ખોરવાયો હતો. બગદાણાના ગામોમાં તો વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. અમરેલી જિલ્લામાં પણ જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા, રાજુલા, સેમસીયા, સોખડા સહિતના પંથકોમાં અતિ ભારે વરસાદ નોંધાયો હતો. સોખડા ગામ તો ભારે વરસાદના કારણે જળબંબાકારમાં ગરકાવ બનતાં બેટમાં ફેરવાયું હતું.
ભારે વરસાદ અને ઉપવાસમાંથી આવતા પાણીના મોટા પ્રવાહને કારણે ગીરસોમનાથ જિલ્લાના મુખ્ય હિરણ-૨ ડેમના બે દરવાજા અડધા ફૂટ સુધી ખોલવામાં આવતા નીચાણવાળા ગામડાઓને સાવચેત કરાયા હતા. ઉના તાલુકો બેટમાં ફેરવાયો હતો. ગીરગઢડા તાલુકાના હરમડિયા, નવાગામ, જામવાળા, ફાટસર, ઇટવાય, કોદીયા, સનવાવ, ધ્રાબાવડ, કાણકીયા, કારેણી, આંબાવાડ, ફૂલકા, ખિલાવડ બાબરીયા, વેલાકોટ ઝાંઝરીયા, નવા ઉગલા ગામોમાં પાણીમાં ગરકાવ બન્યા છે. ઉનાના વાવરડા ગામમાં ૩૦૦ લોકો પાણીમાં ફસાયા હતા, જેઓને બચાવવાની કામગીરી ચાલી રહી છે.
રામનગરના ખારા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. દેલવાડા ગામના તરણેશ્વર મહાદેવને મછુન્દ્રી નદીએ જાણે જળાભિષેક કર્યો હતો. આ જ પ્રકારે રાજકોટ પંથકમાં પણ ગોંડલ, કોટડાસાંગાણી, શાપર વેરાવળ સહિતના પંથકોમાં બેથી ચાર ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાતા ખેતરો, રસ્તાઓ અને નદી-નાળા પાણીથી છલકાયા હતા.

Related posts

વડોદરા ખાતે સમાજમાં થતા છૂટાછેડા અટકાવવા એક દિવસીય ચિન્તન શિબિર યોજાઈ

aapnugujarat

ઉપલેટાના મોટી પાનેલીમાં કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા અંગે સમજણ આપતો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

editor

पहली बार तीन शेर राजुला के शहरी क्षेत्र में घुस गये

aapnugujarat

Leave a Comment

UA-96247877-1