Aapnu Gujarat
ગુજરાત

બિસ્માર રસ્તા : અમ્યુકોની કામગીરીથી હાઇકોર્ટ ખફા

અમદાવાદ શહેરના બિસ્માર રસ્તાઓના મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીની સુનાવણી દરમ્યાન આજે ગુજરાત હાઇકોર્ટે ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ અને સરકારપક્ષની આકરી ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓનો રીતસરનો ઉધડો લેતાં જણાવ્યું હતું કે, બિસ્માર રસ્તાઓને લઇ અમ્યુકો તંત્રની કોઇ અસરકારક કે આંખે ઉડીને વળગે તેવી કામગીરી જોવા મળતી નથી. તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં જ આવતી ના હોય તેમ જણાય છે. રસ્તા અને બિલ્ડીંગ કન્સ્ટ્રકશનને લઇ અમ્યુકો દ્વારા કોઇ માઇક્રોપ્લાનીંગ થાય છે ખરૂ? એવો વેધક સવાલ પણ હાઇકોર્ટે સત્તાવાળાઓને કર્યો હતો. હાઇકોર્ટે સત્તાવાળાઓની ગંભીર ટીકા કરતાં જણાવ્યું હતું કે, એક-બે દિવસ લોકોને રાહત લાગે અને ફરી પાછી જેવી હતી તેવી પરિસ્થિતિ જોવા મળે છે. શહેરના બિસ્માર રસ્તાઓને લઇ દર વખતની સુનાવણીમાં હાઇકોર્ટે અગાઉ પણ અમ્યુકો સત્તાવાળાઓને રસ્તાઓના રીસરફેસથી લઇ રીપેરીંગ અને મેટ્રો રૂટની બંને બાજુના ખાડા ખોડી કઢાયેલા રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવા સહિતના અનેક આદેશો કરતી આવી છે અને તેનો રિપોર્ટ દર મુદતે માંગે છે પરંતુ અમ્યુકો સત્તાવાળાઓ તરફથી રજૂ થતા રિપોર્ટ અને રજૂઆત પરત્વે હાઇકોર્ટને સંતોષ થતો નથી કારણ કે, હાઇકોર્ટ શહેરીજનોની હાલાકીને લઇ ચિંતિત છે અને તેથી આ વખતની સુનાવણીમાં હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓને આડા હાથે લીધા હતા. હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓને ઝાટકતાં જણાવ્યું હતું કે, રસ્તાઓના રીપેરીંગ કે તેના કાયમી નિરાકરણ માટે કેમ કોઇ નક્કર કે અસરકારક પગલાં ભરાતા નથી. નાગરિકોને સારા રોડ-રસ્તાઓ પૂરા પાડવાની તમારી નૈતિક અને વૈધાનિક ફરજ છે. હાઇકોર્ટે શહેરના રોડ રસ્તા અને બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનમાં માઇક્રોપ્લાનીંગના અભાવને લઇને પણ અમ્યુકો સત્તાવાળાઓને ખખડાવ્યા હતા. દરમ્યાન અરજદારપક્ષ તરફથી એવો મુદ્દો ઉપસ્થિત કરાયો હતો કે, શહેરના બિસ્માર રસ્તાઓ અને આ સમગ્ર મામલામાં ચાલતા ભ્રષ્ટાચારમાં નાના કર્મચારીઓને જ કેમ બલિનો બકરો બનાવાય છે, વાસ્તવમાં આ જવાબદારી તો, ઉચ્ચ અધિકારીઓની છે. તો, અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા શા માટે ઉચ્ચ અધિકારીઓની જવાબદારી નક્કી કરી તેઓની વિરૂદ્ધ શિક્ષાત્મક અને કાયદાનુસાર કાર્યવાહી કરવામાં આવતી નથી. હાઇકોર્ટે આ મામલે પણ અમ્યુકોને પૃચ્છા કરી હતી અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી હતી.

Related posts

એલ.જી.હોસ્પિટલમાં પીડિયાટ્રીક વોર્ડનો ડોકટર પીધેલી હાલતમાં ઝડપાયો : સારવાર વેળા બાળકીનું મોત થતાં ચકચાર

aapnugujarat

ભાવનગર શહેરમાં વેપારીને બે શખ્સોએ મોતને ઘાટ ઉતારી દીધો

aapnugujarat

GITA JAYANTI MAHOTSAV AT HARE KRISHNA MANDIR, BHADAJ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1