Aapnu Gujarat
ગુજરાત

પાટણમાં દલિત યુવકનો અંગૂઠો કાપી નાખવાના કેસમાં બે શખસોની ધરપકડ

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલા કાકોશી ગામમાં એક વિચિત્ર ઘટના બની હતી. અહીં રવિવારે ઊંચી જાતિના સાત લોકોએ એક ૩૦ વર્ષીય દલિત યુવકનો કથિત રીતે અંગૂઠો તલવારથી કાપી નાખ્યો હતો. ૩૦ વર્ષીય કિર્તી પરમાર પર આ હુમલો કરવા પાછળનું કારણ એ હતું કે, તેમનો ભાઈ ધીરજને ઊચ્ચ જાતિના સમુદાયના સભ્યોએ તેના ભત્રીજા એ શાળાના મેદાનમાં રમતી વખતે ક્રિકેટ બોલ ઉપાડતા ઠપકો આપ્યો હતો. જે બાદ ધીરજ પરમારે સોમવારે કાકોશી પોલીસ સ્ટેશનમાં કુલદીપસિંહ રાજપૂત, સિદ્ધરાજસિંહ રાજપૂત, રાજદીપસિંહ દરબાર, જસવંતસિંહ રાજપૂત,ચકુભા લક્ષ્મણજી, મહેન્દ્રસિંહ રાજપૂત (તમામ રહેવાસી સિદ્ધપુર) અને એક અજાણ્યા શખસ વિરુદ્ધ કિર્તી પરમાર પર હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે ધીરજે જણાવ્યું કે, કુલદીપ અને અન્ય જ્યારે આઈડી સેલિયા હાઈસ્કૂલના મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારે કુલદીપે તેના ભત્રીજાને બોલ ઉપાડવા બદલ ઠપકો આપ્યો હતો. ધીરજે આ અંગે દરમિયાનગીરી કરીને કુલદીપને તેના ભત્રીજાને ઠપકો આપતા અટકાવ્યો હતો. એ પછી વિવાદ વધ્યો અને ઝપાઝપી સુધી પહોંચ્યો હતો. એ પછી તેઓએ ધીરજનો મોબાઈલ નંબર લીધો હતો અને કહ્યું કે, મેચ પછી તેઓ તેને પાઠ ભણાવશે. એ પછી આ ઘટના બની હતી. મેચ પૂરી થયા બાદ કુલદીપ અને અન્ય ૧૦ જેટલાં લોકો ધીરજ અને કિર્તી પાસે ગયા હતા અને તેમની સાથે મારપીટ કરી હતી. અન્ય લોકો વચ્ચે પડ્યા હતા અને પરમાર તથા કુલદીપ વચ્ચે સમાધાન થયું હતું. ત્યારબાદ કુલદીપ અને તેની સાથે આવેલા શખસો ત્યાંથી ચાલ્યા ગયા હતા. ધીરજ અને તેનો ભત્રીજો પણ ચાલ્યા ગયા હતા, પણ કિર્તી ત્યાં જ એક ચાની કિટલી પર રોકાયો હતો. રવિવારે લગભગ સાંજે સાડા છ વાગ્યાની આસપાસ કુલદીપ અને છ જેટલાં શખસો તલવાર તથા લાકડીઓ લઈને વાહનો પર પાછા આવ્યા હતા. અહીં કિર્તી પરમારને એકલો જોઈને આ શખસોએ તલવારથી તેમના પર હુમલો કર્યો હતો. બાદમાં કિર્તી પરમારનો ડાબા હાથનો અંગૂઠો કાપી નાખ્યો હતો અને જમણાં હાથ પર ઘા માર્યા હતા. તેઓએ કિર્તી પરમારને ખૂબ જ માર મારતા તે ત્યાં જ બેભાન થઈ ગયા હતા. આ ઘટના જોઈને એક દુકાનદારે ધીરજને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જે બાદ ધીરજ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કિર્તી પરમારને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર માટે કિર્તી પરમારને અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત હાલ સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પાટણના ઈન્ચાર્જ એસપી વિશાખા ડબરાલે જણાવ્યું કે, આ ઘટનામાં બે શખસોની ધરપકડ કરવામાં આવી છે અને તેમાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા માટે પોલીસની ટીમ બનાવવામાં આવી છે. કાકોશી પોલીસે એસસી-એસટી એક્ટ સહિત હુલ્લડ, સ્વૈચ્છિક રીતે ખતરનાક હથિયારોથી ઈજા પહોંચાડવી, ઈજા પહોંચાડવી, ધાકધમકી આપવી અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી હતી.

Related posts

અમદાવાદમાં પત્નીએ કરી પતિની ક્રુર હત્યા

aapnugujarat

જુમલાવાળી સરકારનું અંતિમ જુમલા બજેટ : અમિત ચાવડા

aapnugujarat

સરખેજ સહિતના વિસ્તારોમાં કોર્પોરેશનનો સપાટો ફાયર : સફ્ટી વિના ૧૦થી વધુ ઓઇલ ગોડાઉન સીલ કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1