Aapnu Gujarat
ગુજરાત

વડતાલધામમાં મ્યુઝિયમ અક્ષરભુવનની શિલાન્યાસ વિધિ સંપન્ન

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ગઈકાલે રામનવમીના શુભ દિને અભિજિત મુહૂર્તમાં રૂપિયા દોઢસો કરોડના ખર્ચે નિર્માણ પામનાર દિવ્ય અને ભવ્ય મ્યુઝિયમ-અક્ષરભુવનની શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી. આ વિધિ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ તથા સંપ્રદાયના વરિષ્ઠ સંતોના વરદ હસ્તે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે વિવિધ ધામમાંથી પધારેલા 108 સંતો તથા 108 હરિભક્તોએ શિલાઓનું પૂજન કર્યું હતું. આ દિવ્ય દર્શનનો હજારો સંતો તથા હરિભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી. આ અંગે વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી હરિએ જ્યાં જ્યાં વિચરણ કર્યું હતું અને જે વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો તેવી પ્રસાદીની વસ્તુઓ સંતો તથા હરિભક્તોએ પોતાની નવી પેઢી માટે સંગ્રહિત કરી હતી. આ પ્રસાદીની વસ્તુઓના સર્વ હરિભક્તો દર્શન કરી શકે તે માટે આચાર્ય લક્ષ્મી પ્રસાદજી મહારાજના વરદ હસ્તે મંદિર પરિસરમાં આવેલા અક્ષરભુવનનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું‌, જ્યાં પ્રસાદીની ચીજ વસ્તુઓ મુકવામાં આવેલી છે. આ પ્રસાદીની વસ્તુઓના સર્વ હરિભક્તો દર્શન કરી શકે તે માટે ગોમતી કિનારે રૂપિયા દોઢસો કરોડના ખર્ચે ગુલાબી પથ્થરમાંથી દિવ્ય અને ભવ્ય વર્લ્ડ ક્લાસ નૂતન અક્ષરભુવન નિર્માણ પામશે. જેની ખાતમુહૂર્ત વિધિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ સંપ્રદાયના વરિષ્ઠ સંતો મહંતો તથા હરિભકતોની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. આચાર્ય મહારાજ તથા સંતો દ્વારા શિલાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહારાજ તથા સંતો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધામધામથી સંતો દ્વારા લાવવામાં આવેલી ઇંટો તથા વિવિધ નદીઓના પવિત્ર જળથી શિલાઓનું પૂજન કરી આરતી ઉતારવામાં આવી હતી‌. આ પ્રસંગે સંપ્રદાયના પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી કુંડળવાળા એ અક્ષરભુવનનો મહિમા વર્ણવ્યો હતો‌. શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજીએ પોતાની પરંપરામાં મળેલી ભગવાન શ્રી હરિનું પ્રસાદીનું પીતાંબર નૂતન અક્ષરભુવનમાં દર્શનાર્થીઓ માટે આચાર્યને અર્પણ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સંપ્રદાયના વડીલ સંતોએ તથા માજી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. પૂજ્ય લાલજી સૌરભપ્રસાદજીએ જણાવ્યું હતું કે વડતાલ ધામમાં તૈયાર થનારા નૂતન અક્ષરભુવન વિશ્વનું નજરાણારૂપ મ્યુઝિયમ બનશે. જેમાં ભગવાન શ્રી હરિની પ્રસાદીની વસ્તુઓ 2000 વર્ષ સુધી આપણી આગામી પેઢીઓ દર્શન કરી ધન્યતા અનુભવશે. આ પ્રસંગે આચાર્ય મહારાજે આશીર્વચન પાઠવતા જણાવેલું કે ભગવાનનો મહિમા સમજાય તો ક્યારે અભાવ આવે નહિ, સંતો એ સંપ્રદાયનું ચાલક બળ છે. ભગવાન શ્રી હરિ કહેતા કે જે મનુષ્ય અહંકાર કરે તે ક્યારેય ગમતું નથી, જે હરિભક્તોએ આ નૂતન અક્ષરભુવનના નિર્માણમાં નાની મોટી સેવા કરી છે તેનું શ્રી હરિ મંગળ વિસ્તારે તેવા આશિષ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામ વલ્લભ સ્વામી તથા નાર ગુરુકુળના હરીકૃષ્ણ સ્વામી અને પ્રિયદર્શન સ્વામી પીજ વાળાએ સંભાળ્યું હતું.

Related posts

કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરાઈ

aapnugujarat

નરેન્દ્ર મોદી સામેની ઝાકિયા જાફરીની અરજી ફગાવાઈ

aapnugujarat

અડાલજ વાવ જોવા પ્રવાસીને રૂપિયા ૨૫ ચૂકવવાના રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1