Aapnu Gujarat
ગુજરાત

લીંબડી ખાતે મંત્રીશ્રી કિરીટસિંહ રાણાનો સન્માન સમારોહ યોજાયો

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ઝાલા માંગુજી શાખા ક્ષત્રિય સમાજ, લીંબડી અને ચુડા રાજપૂત સમાજ, શ્રી દિગ્વિજયસિંહજી રાજપૂત છાત્રાલય-લીંબડી, શ્રી દિગ્વિજયસિંહજી રાજપૂત છાત્રાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ સહિતની સંસ્થાઓ તેમજ રાજપૂત સમાજના વિવિધ આગેવાનો દ્વારા દશેરા પર્વ નિમિત્તે પરંપરાગત શસ્ત્રપૂજન, શોભાયાત્રા અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના સન્માન સમારોહ સહિતના ત્રિવેણી કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ દ્વારા મંત્રીશ્રીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

“દશેરાના આ પાવન પર્વ નિમિત્તે કરવામાં આવેલા મારા વિશેષ સન્માન બદલ હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છુ” તેમ કહી પ્રાસંગિક ઉદબોધન કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ સન્માન તેમનું નહીં પરંતુ તેમને ગુજરાત સરકારના મંત્રી પદ સુધી પહોંચાડવા માટે સહયોગ આપનાર તમામ લોકો તેમજ હરહંમેશ તેમની સાથે ઊભા રહી, સાથ આપનાર સમાજના લોકોનું સન્માન છે. આજ સુધી તેઓ દેશ અને સમાજ ગર્વ કરી શકે તે રીતે કામ કરતાં આવ્યા છે, અને આગળ પણ તેવી જ રીતે લોક ઉપયોગી કાર્યો કરતાં રહેશે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દેશમાં રાજપૂત સમાજનો ઇતિહાસ ખૂબ જ ગૌરવવંતો છે. ઇતિહાસમાં જ્યારે દેશને જરૂર પડી, ત્યારે રાજપૂત સમાજે માતૃભૂમિ માટે હથિયાર ઉપાડ્યા હતા, દેશની આઝાદી પછી જરૂર પડી, ત્યારે દેશની એકતા માટે પોતાના રજવાડા આપી દીધા હતા, અને હવે સમય છે કલમ ઉઠાવવાનો, એટલે કે શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવવાનો. રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓએ આજ સુધીમાં અનેક અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ આપ્યા છે. આવનાર સમયમાં પણ આ સંસ્થાઓ અને સમાજના યુવાનો શિક્ષણ બાબતે જાગૃત થઈ, દેશના વિવિધ ક્ષેત્રોમાં આગળ જાય અને સમાજ સાથે દેશનું નામ પણ રોશન કરે તેવી આશા મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે નરેન્દ્રસિંહ ઝાલા દ્વારા સ્વાગત વિધિ કરવામાં આવી હતી. જ્યારે લીંબડી પ્રાંત અધિકારીશ્રી હર્ષવર્ધનસિંહ સોલંકી તેમજ ડૉ. રુદ્રદત્તસિંહ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરતાં સમાજ અને દેશની પ્રગતિ માટે યુવાનોને શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવવા અહવાહન કર્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન અ.સૌ. રાણીસાહેબ સ્નેહલતા કુમારીબા સંસ્થાની વિદ્યાર્થિનીઓ દ્વારા યોગાસનો તેમજ શ્રી દિગ્વિજયસિંહજી રાજપૂત છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા તલવાર રાસની રજૂઆત કરવામાં આવી હતી.

આ સન્માન સમારોહમાં લીંબડી રાજવી પરિવારના જયદીપસિંહજી રાણા, તમામ સંસ્થાઓ તેમજ રાજપૂત સમાજના આગેવાનશ્રીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

હિંમતનગરના પાણપુર પાટીયા વિસ્તારમાં ગંદકીથી સ્થાનિકો પરેશાન

aapnugujarat

વર્તમાન ભારતવર્ષ સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની દેણ છે : હિમાચલ પ્રદેશના રાજ્યપાલઆચાર્ય દેવવ્રતજી

aapnugujarat

ઝાડા ઉલ્ટીના ૯ દિવસમાં ૭૮ કેસ થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1