Aapnu Gujarat
બ્લોગ

ઉદાસીનતા લઇ વાતાવરણમાં વિષ ફેલાવવાનો તમને હક છે ખરો ?

ઓફિસમાં સકારાત્મક અભિગમ ધરાવતા એક કર્મચારીએ તેના ઉપરી અધિકારીને કહ્યુ ,’સર,મારે એક સમસ્યા છે.’ હંમેશા પોઝિટીવ રહેતા એ કર્મચારીની ટીખળ કરતા અધિકારીએ પ્રત્યુતર પાઠવ્યો, ‘ઓહ ઓ, તમને પણ સમસ્યા નડી શકે છે ? તમે પોતે જ સમસ્યા માટે સમસ્યારૂપ છો.’
જી હા, મિત્રો, મુશ્કેલી, પડકારો, હતાશા, નિરાશા આવે તો કહેવુ કે આ બધી મુશ્કેલીઓ માટે હું મુશ્કેલીરૂપ છું. સમસ્યા શું આપણને પરેશાન કરતી હતી. આપણે સમસ્યાઓનો એવો મક્કમતાપૂર્વક અને હિંમતપૂર્વક સામનો કરીએ કે સમસ્યા આપણાથી ડરીને ભાગી જાય.
જે માણસ પ્રતિકૂળ સંજોગોમાં પણ હસી શકે છે, જ્યારે પ્રત્યેક વસ્તુ પોતાની વિરૂદ્ધ જતી જણાય ત્યારે પણ જે માણસ હસી શકે છે તે જ પોતાને વિજ્યશાળી માણસ સિધ્ધ કરે છે, કારણ કે સાધારણ માણસ એમ કરી શકતો નથી.
કાર્લાઇલ તો એવું કહે છે કે, કેટલાક માણસો દુઃખી થવાની સ્થિતિને જ શ્રીમંતાઇ માનતા હોય છે. આવા માણસો માનસિક વિષ ફેલાવનારા છે. તમે તેમની ઉદાસીનમાંથી બચવા ગમે તેટલા પ્રયત્ન કરો તો પણ તેઓ તમારા મનમાં તેમની ઉદાસી દાખલ કરશે.
પણ યાદ રાખજો મિત્રો, કોઇ પણ માણસ દુઃખી થવા માટે, જગતમાં ઉદાસી લાવવા માટે અથવા અન્યોને દુઃખી કરવા માટે આ જગતમાં જન્મે એવો કશો જ ઇશ્વરનો હેતુ નથી. આપણે નિત્યાનંદમાં, નિજાનંદમાં રહીએ એવો જ ઇશ્વરનો હેતુ છે.
જેવી રીતે તમારા માનવબંધુઓના શરીર પર ઇજા કરવાનો તમને કોઇ પણ હક્ક નથી તેવી રીતે ઉદાસ મુખ રાખી માનસિક વિષનું વાતાવરણ ફેલાવી , ભય અને નિરાશાનો પ્રચાર કરવાનો પણ આપણને હક નથી. કોઇ વ્યક્તિને વિષ આપવાનો કે, તેમના આનંદનો નાશ કરવાનો આપણને કશો હક્ક નથી.
ઘણા લોકો હંમેશા નિરાશાની જ વાતો કરતા રહેતા હોય છે. તેઓ પર આવતી આપત્તિઓનું જ વર્ણન કરે છે. પોતાના દુઃખોના રોદણાં જ રડયા કરે છે. પ્રત્યેક વ્યક્તિને કહેતી ફરે છે કે, જુઓ હું કેવી કમનસીબ છું. ખરું જોતા તો આવી વ્યક્તિ પોતાને કશી જ મદદ નથી કરતી ઉલટુ પોતાના દુઃખની વાત અન્યને જણાવીને વધુ દુઃખદાયક પરિસ્થિતિને આમંત્રે છે.
આકર્ષણના નિયમ મુજબ તમે જેવા વિચાર કરો છો એ વિચાર એના જેવા જ બીજા વિચારોને આકર્ષે છે. આનો સીધો અર્થ એ જ થયો કે તમે દુઃખની વાત કરશો તો તમે દુઃખરૂપ ઘટનાને જ તમારા જીવનમાં આમંત્રણ આપશો.
ઇશ્વર આપણને આ સુંદર પૃથ્વી પર આનંદ માટે જન્મ આપ્યો છે. દુઃખી થવા અથવા બબડાટ કરવા, ફરિયાદ કરવા, નિરાશા ફેલાવવા અને આપણા માનવબંધુઓમાં દુઃખ ફેલાવવા જન્મ આપ્યો નથી.
ઘણીવાર કોઇ પોતાના દુઃખની વાત કહેતુ હોય છે ત્યારે આપણે લાગણીવશ થઇને તેને સાંભળીએ છીએ. ખરેખર એને સાંભળીને આપણે એને કોઇ જ પ્રકારની મદદ નથી કરતા ઉલટુ એના જીવનમાં વધુ ખરાબ પરિસ્થિતિને આમંત્રીએ છીએ.ન માત્ર એના જીવનમાં પણ આપણે આપણા જીવનમાં પણ એવી સ્થિતિને આમંત્રીએ છીએ. આકર્ષણનો નિયમ કહે છે કે તમે જ્યારે કોઇ વાત સાથે ભાવનાત્મક રીતે જોડાવ છો ત્યારે તે સ્થિતિને આમંત્રો છો.
કોઇ ગીતકારે કહ્યુ છે ને કે, હતાશા-નિરાશાથી આપણે ઘર આપણુ બચાવીએ, મિત્રો, આપણે પણ હતાશા-નિરાશાને ટાટા-બાય બાય કદી દઇએ અને આશા-ઉમંગનું તોરણ ઘરના અને મનના બારણે બાંધીએ.

લેખિકા :- મનિષા વાઘેલા

Related posts

યુનિફોર્મ ગારમેન્ટ અને હોમ ટેક્ષ્ટાઈલ ફેર ૨૦૧૮ ૨૭મીથી સોલાપુરમાં યોજાશે

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

મફલર બની રહ્યાં છે વિન્ટર સેન્સેશન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1