Aapnu Gujarat
ગુજરાત

કોરોના દર્દીને રિક્ષામાં ઓક્સિજન અપાઈ રહ્યો છે

રાજ્યમાં કોરોના વાયરસના વધી રહેલા કેસથી મહાનગર જ નહીં, જિલ્લા-તાલુકાઓમાં ભયનો માહોલ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના પરિસરમાં પથ્થર દિલ માણસની આંખમાં પણ આસું આવી જાય એવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે. બીજી તરફ સ્મશાન જતા રસ્તાઓ પર શબવાહિનીઓ લાઈનમાં છે. જાણે નજર સામે નરક જોવા મળતું હોય એવું ચિત્ર છે.
રાજકોટ શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક વ્યક્તિનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પણ ૧૦૮ કે અન્ય સંસ્થાની એમ્બ્યુલન્સ ન મળતા સામાન ભરવાની જીપમાં સુવડાવીને રાજકોટ સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો. વધુ પડતો તડકો ન લાગે એ માટે દેશી પદ્ધતિથી છાયડો કરવામાં આવ્યો છે. એક સ્વજન છાંયો થાય એ માટે મોટા કપડાનો કટકો એના પર નાંખીને ટાઢક આપી રહ્યા છે. બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પથારીઓ ખાલી ન હોવાને કારણે ચૌધરી ગ્રાઉન્ડમાં દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. જે વાહનમાં દર્દીઓ આવે છે એ જ વાહનોમાં દર્દીને ઑક્સિજન સપ્લાય આપવામાં આવી રહી છે.
રાજકોટ તાલુકામાં યુદ્ધના ધોરણે ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૮ લોકોનાં મોત નીપજ્યા છે. રાજકોટમાં આરોગ્ય વિભાગે બહાર પાડેલી એક યાદી અનુસાર છેલ્લા બે દિવસમાં રાજકોટમાંથી કુલ ૧૨૦ લોકોનાં મોત નીપજ્યા છે. કોરના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નાઈટ કર્ફ્યૂ બાદ જુદા જુદા વેપારી સંગઠન તથા ઉદ્યોગ સંગઠનોએ વીકએન્ડમાં સ્વૈચ્છિક લોકડાઉન રાખવા નિર્ણય કર્યો છે. જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
અમદાવાદમાં જ્યારે ઈમરજન્સી માટે ૧૦૮ને ફોન કરીએ તો ૪થી ૫ કલાકનું લાંબુ વેઈટિંગ હોવાનું જાણવા મળ્યું છે. આવી સ્થિતિ વચ્ચે કોવિડના એક દર્દીને રિક્ષામાં હોસ્પિટલ ખસેડાયો હતો. રિક્ષામાં જ એને ઑક્સિજન આપીને હોસ્પિટલ સુધી લઈ જવાયો હતો. આવી તસવીર સામે આવતા પરિસ્થિતિ હદથી વધારે ગંભીર હોવાનું પુરવાર થાય છે. બીજી તરફ અમદાવાદના કાલુપુર બજાર, માણેક ચોક, મણિનગર સિંધી માર્કેટના વેપારીઓએ સંક્રમણને કાબુ કરવા માટે શનિવાર અને રવિવારે સ્વૈચ્છિક લોકડાઉનનું એલાન કર્યું છે. આ બંને દિવસ આ તમામ માર્કેટની દુકાન બંધ રહેશે. જેની અસર શનિવારે પણ જોવા મળી હતી. આ સિવાય ખોખરા વિસ્તારમાં આવેલા મોલમાં ૨૦૦થી વધારે દુકાન બંધ રહી હતી. આ ઉપરાંત જમાલપુર શાકભાજી માર્કેટ પણ આ બે દિવસ બંધ રહેવાની છે.

Related posts

कोतरपुर क्षेत्र से युवक का शव मिलने से भारी सनसनी

aapnugujarat

અમદાવાદમાં કમળાના ૨૮૯ કેસો નોંધાયા

aapnugujarat

ગુજરાતમાં ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત થાય તેવી પૂરી સંભાવના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1