Aapnu Gujarat
ગુજરાત

રાજ્યભરમાં ૩૦૦ નવા સીએનજી પંપ ખોલાશે, ૧૦૦૦ રૂપિયામાં પીએનજી ગેસ જોડાણ : મુખ્યમંત્રી રૂપાણી

રાજ્યના સીએનજી વાહનધારકોને સરળતાથી સીએનજી ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેવા હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા સીએનજી પંપ શરૂ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. આ સંદર્ભમાં મુખ્યપ્રધાન વિજય રુપાણીએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં ૩૦૦થી વધારે નવા સીએનજી સ્ટેશન ‘સીએનજી સહભાગી યોજના’ અંતર્ગત રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન છે.આ સીએનજી સ્ટેશનની સ્થાપના રાજ્યના વિવિધ શહેરો તેમ જ ધોરીમાર્ગ પર કરવામાં આવશે એટલું જ નહીં, ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા રાજ્યના ઉદ્યોગ સાહસિકોને આ ‘સીએનજી સહભાગી યોજના’ અન્વયે સીએનજી આધારિત હરિયાળી ક્રાંતિમાં સહભાગી થઈ મોટું વળતર મેળવવાની તક મળવાની છે.રાજ્યમાં હાલ જ્યાં પેટ્રોલ પંપ કાર્યરત હોય તેવા પેટ્રોલ પંપ ધારકો પણ સરળતાએ સીએનજી પંપ શરૂ કરી શકશે. આ માટે તેમણે કોઇ વધારાની પરવાનગીઓ સરકારમાંથી લેવાની રહેશે નહીં.આ ‘સીએનજી સહભાગી યોજના’ અન્વયે શહેરી-નગરપાલિકા વિસ્તાર તથા હાઈવે પર સહભાગીદારી મોડેલ પદ્ધતિ અંતર્ગત સીએનજી ફ્રેન્ચાઈઝી (સ્વસંચાલિત ડિલર) મોડલ અને પીએસયુ- ઓએમસી ડીલર એમ બે પ્રકારના સીએનજી સ્ટેશનોનો સમાવેશ થાય છે. પીએસયુ-ઓએમસી ડીલર અંતર્ગત ઓનલાઈન સીએનજી સ્ટેશન (પાઈપલાઈન દ્વારા) અથવા ડોટર બુસ્ટર સીએનજી સ્ટેશન (પાઈપલાઈન વિના)નો સમાવેશ થાય છે.નવા સીએનજી સ્ટેશનનો પ્રારંભ કરવા માટે મુખ્ય સાધનો કંપની દ્વારા પૂરા પાડવામાં આવશે તેમજ અન્ય કાર્ય માટે સહયોગ પણ પૂરો પાડવામાં આવશે. એનઓસી અને સિવિલ કામ અરજીકર્તાએ કરવાનું રહેશે. અરજીકર્તા જે સ્થળે સીએનજી સ્ટેશન સ્થાપવા ઈચ્છતા હોય તે જગ્યાની માલિકી અરજીકર્તાની હોવી આવશ્યક છે, તેમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું.રાજ્યમાં પાછલા ૨૩ વર્ષમાં ૫૪૨ સીએનજી સ્ટેશન ઊભા કરાયા છે, તેની સામે આગામી બે વર્ષમાં જ નવા ૩૦૦ સીએનજી સ્ટેશન ઊભા કરાશે. સાથે જ ઘરેલું વપરાશકારો ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા ગેસ માટે પીએનજી નેટવર્કને પણ વ્યાપક બનાવાશે.તદઅનુસાર, હાલ ૧૩.૫૦ લાખ ઘરોમાં પીએનજી ગેસનો ઉપયોગ થાય છે તે વધારીને આગામી ૩ વર્ષમાં વધુ ૪.૫૦ લાખ ઘરોમાં વિસ્તારી ૨૦૨૨ સુધીમાં ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા ૧૮ લાખ ઘરોને પીએનજી ગેસથી સાંકળી લેવાના આયોજનને પણ ઓપ આપવામાં આવ્યો હતો.રાજ્યમાં ઘરેલું વપરાશકર્તાઓ સંપૂર્ણતઃ પીએનજી નેટવર્કનો ઉપયોગ કરતા થાય તે માટે વાર્ષિક બે લાખ સુધીની આવક ધરાવતા પરિવારો માટે પીએનજી કનેક્શનની ડિપોઝિટ રૂ. ૧ હજાર તથા બે લાખથી વધુ વાર્ષિક આવક ધરાવતા પરિવારો માટે રૂ. પાંચ હજાર ડિપોઝિટ લેવાય તે અંગે પણ સૂચન કર્યું હતું.આ વર્ષે ઇન્ડસ્ટ્રિયલ સેક્ટરના ગેસ વેચાણમાં બે ગણી એટલે કે ૪૦ લાખ એસસીએમડીથી વધીને ૮૦ લાખ એસસીએમડીની વૃદ્ધિ થઈ છે. ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય છે જેના તમામ જિલ્લાઓમાં સિટી ગેસના વિતરણ માટેની અધિકૃત મંજૂરીઓ મળેલી છે.સમગ્ર દેશમાં ૧૭૬૨ સીએનજી સ્ટેશનો સ્થપાયાં છે, તેમાંથી ૩૧ ટકા એટલેકે ૫૪૨ સીએનજી સ્ટેશન સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે.આ ૫૪૨ સ્ટેશનમાંથી ૩૪૪ સ્ટેશન એટલે કે ૬૨ ટકા સ્ટેશન્સ ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ સંચાલિત છે. આ સીએનજી સ્ટેશન દ્વારા અંદાજે ૩.૫૦ લાખથી વધુ સીએનજી વાહનોને રોજનો ૧૭.૪૦ લાખ કિ.ગ્રા. સીએનજી ગેસ સરળતાએ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સીએનજી ફ્રેન્ચાઇઝી પ્રક્રિયાને ઝડપી અને પારદર્શી બનાવવા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવશે.

Related posts

તસ્કરો એટીમ ઉઠાવી જતાં ચકચાર

aapnugujarat

પાસપોર્ટ વેરીફેકશ માટે પોલીસ ઘરે નહીં આવે

aapnugujarat

ભીલોડીયા ગામે કરણી સેનાનું સ્નેહ સંમેલન યોજાયું

editor

Leave a Comment

UA-96247877-1