Aapnu Gujarat
ગુજરાત

સોલા સિવિલમાં સુવિધાના અભાવે દર્દીઓને પરેશાની

રાજ્ય સરકારે સોલા સિવિલ હોસ્પિટલને રૂ.ર૪ર કરોડના ખર્ચે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી છે. જો કે, હજુ તેમાં વર્ષો લાગી જાય તેમ છે પરંતુ અત્યારે હોસ્પિટલના વહીવટીતંત્રની લાલિયાવાડીના કારણે લાખો રૂપિયાના ખર્ચે ઊભી કરાયેલી સુવિધાઓ લગભગ ઠપ્પ જેવી છે. દર્દી તથા તેમનાં સગાંસંબંધીઓ ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેને લઇ દર્દીઓમાં હોસ્પિટલના સત્તાધીશો સામે ભારે રોષ પણ પ્રવર્તી રહ્યો છે. સોલા સિવિલ હા?સ્પિટલનાં સત્તાધીશોનાં અણઘડ આયોજન અને ગંભીર બેદરકારીનો હાલ તો ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમનાં સગાંવહાલાઓ ભોગ બની રહ્યાં છે અને ત્રાહિમામ્‌ પોકારી ઊઠ્‌યાં છે, કારણ કે સોલા સિવિલ હોસ્પિટલનાં બી, સી, ડી, ઈ વિભાગ તેમજ કોલેજ કેમ્પસ તથા નર્સ હોસ્ટેલનાં રોડ સાઈડના તમામ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. નવા બિલ્ડિંગમાં દર્દીઓને વિભાગની માહિતી મળી રહે તે માટે એલઇડી ટીવી પણ મૂકવામાં આવ્યાં હતાં, પરંતુ તે પણ બંધ હાલતમાં જોવા મળે છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. આ હોસ્પિટલમાં રૂ.૮૪ લાખના ખર્ચે આઇસીયુ, સ્પેશિયલ રૂમ સાથે વધુ ૧પ૦ પથારીની અદ્યતન સુવિધા સાથેનું ૧૦ માળનું ઓપીડી બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, પરંતુ નવું બિલ્ડિંગ તૈયાર થયું ત્યારથી જ દર્દીઓ હેરાન-પરેશાન થઇ રહ્યાં છે. કારણ કે નવા બિલ્ડિંગમાં લિફ્‌ટની બહાર માત્ર સ્ટાફે જ લિફ્‌ટનો ઉપયોગ કરવો તેવું બોર્ડ મારવામાં આવ્યું છે ત્યારે દર્દીઓને ચેક કરવા માટે સીડીઓ ચઢીને જવું પડે છે. નવા બિલ્ડિંગમાં દર્દીઓમાં માટે પણ લિફ્‌ટની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ તે હાલમાં બંધ થઇ ગઈ છે. આખી હોસ્પિટલનાં જૂના બિલ્ડિંગ અને નવા બિલ્ડિંગમાં અંદાજે ૪૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવ્યાં છે, પરંતુ તેમાંથી ર૦૦થી વધુ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળે છે અને હજુ સુધી સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી ચાલી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલ કેમ્પસ બહાર તેમજ હોસ્પિટલના તમામ વિભાગમાં સીસીટીવી કેમેરા તો લગાવ્યા છે, પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે, કારણ કે અનેક વખત સોલા સિવિલ હોસ્પિટલમાં ચોરી-મારામારી જેવા અનેક બનાવ છાશવારે બનતા હોય છે અને હોસ્પિટલમાં છેલ્લાં છ મહિનામાં ૧પ વધુ ચોરી પણ થઇ છે, જેમાં ડોક્ટરનાં બાઈક, સિક્યોરિટીનાં બાઈક, કેમ્પસમાંથી રિક્ષા ચોરી તેમજ હોસ્ટેલમાંથી લેપટોપ સહિતની ચીજવસ્તુઓની ચોરી થઈ ચૂકી છે. જેનો ભેદ ઉકેલવામાં પોલીસ લાચાર બની જાય છે, જેનું કારણ માત્ર બંધ પડેલા સીસીટીવી કેમેરા છે ત્યારે નવા બિલ્ડિંગમાં મુકાયેલ સીસીટીવી કેમેરા માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા જેવા લાગે છે. નવા બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા મૂકેલા છે, પરંતુ કેબલ નાખ્યો નથી, જેથી મોટા ભાગના સીસીટીવી કેમેરા બંધ જોવા મળે છે તો સોલા સિવિલના જૂના બિલ્ડિંગમાં લિફ્‌ટ આવેલી છે, પરંતુ તે પૈકી માત્ર ને માત્ર બે જ ચાલુ છે અને એક લિફ્‌ટ તો છ માળ સુધી જ જાય છે. એક તરફ આ હોસ્પિટલમાં દર્દીઓને સારી સુવિધા મળી રહે તે માટે સરકાર તમામ પ્રયાસ કરે છે, પરંતુ સોલા સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની ગંભીર ઉદાસીનતા અને બેદરકારીના કારણે ગરીબ અને દર્દીઓ અને તેમનાં સગાંવહાલાંઓે હાલાકીનો ભોગ બની રહ્યાં છે.

Related posts

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભાજપ-કોંગ્રેસની તૈયારીઓ શરૂ

editor

વીરપુરમાં જલારામ બાપાની જન્મ જ્યંતિની સાદગીપૂર્ણ ઉજવણી

editor

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આમોદર ગામ પાસે કારની ટકકરે ટુ વ્હીલર ઉપર જતા બેના થયેલા કરૂણ મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1