Aapnu Gujarat
ગુજરાત

ચૂંટણીમાં દિવ્યાંગની ઉપેક્ષા રાજકીય પાર્ટીને ભારે પડશે : ભારતીય દિવ્યાંગ સંગઠન

દેશમાં હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં રાજકીય દળ એક-એક સીટ જીતવા માટે ખુબ જ મહેનત કરી રહ્યાં છે અને અન્ય દળની નીતિઓ પર આકરા પ્રહાર કરી રહ્યાં છે. રાજકીય વિચારધારાઓના વિરોધાભાસી વાતાવરણ વચ્ચે,ભારતીય દિવ્યાંગ સંગઠને તમામ રાજકીય પક્ષો અને તેમાં પણ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાસક પક્ષ, ભાજપને અનુરોધ કર્યો છે કે, તેઓ ત્રણ ટકા વસ્તી ધરાવતાં દિવ્યાંગોને રાજકીય મુખ્યધારાનો હિસ્સો બનાવે. ભારતીય દિવ્યાંગ સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ અમિત કુમારે આજે અમદાવાદની મુલાકાત દરમ્યાન દરેક રાજકીય પક્ષોને ઓછામાં ઓછા બે દિવ્યાંગ ઉમેદવારોને લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપવાની અપીલ કરી હતી. સાથે સાથે દિવ્યાંગોને પણ ભારતીય રાજનીતિમાં એકસમાન સ્થાન આપવા માંગણી કરી હતી. તેમણે જો રાજકીય પક્ષો દ્વારા દિવ્યાંગોની ઉપેક્ષા કરવામાં આવશે તો તે ચૂંટણીમાં તેઓને ભારે પડી શકે છે એવી ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારી હતી. ભારતીય દિવ્યાંગ સંસ્થાનના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત કુમારે વધુમાં જણાવ્યું હતું કે, દિવ્યાંગો એ સમાજનું એક અભિન્ન અંગ છે અને તેઓને પણ સામાન્ય માણસની જેમ તમામ ક્ષેત્રમાં તમામ રીતે એકસમાન તક અને હક્ક પ્રાપ્ત કરવાનો અધિકાર છે. ચૂંટણી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો પસાર થઇ રહ્યોં છે, પરંતુ હજી કોઈપણ પાર્ટીએ એક પણ દિવ્યાંગને પોતાનો ઉમેદવાર બનાવ્યો નથી. દિવ્યાંગોને છોડી દેવામાં આવે તો ઘણા ૮ અને ૧૦ ધોરણ પાસ લોકોને રાજકીય દળોએ પોતાના ઉમેદવાર બનાવીને હાસ્યાસ્પદ સ્થિતિ સર્જી છે. વડાપ્રધાન મોદી કેમ દિવ્યાંગોને પણ રાજનીતિમાં મુખ્યધારામાં સમાવવા પ્રયત્નશીલ નથી બનતાં તે સવાલ તેમણે ઉઠાવ્યો હતો. દિવ્યાંગ મતદારોના આંકડા અને તેના કારણે ચૂંટણીના પરિણામો પર અસર પડી શકે છે તેનું વિશ્લેષણ આપતાં અમિત કુમારે જણાવ્યું હતું કે, તેમણે પોતે દિવ્યાંગ હોવાછતાં દેશના ૩૫૦ થી વધુ જિલ્લાઓનો પ્રવાસ કર્યો છે અને દરેક જિલ્લામાં ૧૫થી ૨૦ હજાર દિવ્યાંગો હોવાનું માલૂમ પડયું છે. આ સાથે તેમના પરિવારોની ગણતરી કરીએ તો, એકાદ લાખની આસપાસ એક જિલ્લામાં દિવ્યાંગ કેટેગરીના લોકો અને તેમના પરિવારજનો તેમ જ તેમની સાથે સંકળાયેલા લોકો છે.,જેઓ ચૂંટણીના પરિણામો પર સીધી અસર કરી શકે તેમ છે. આ સંજોગોમાં રાજકીય પક્ષો દ્વારા દિવ્યાંગોની ઉપેક્ષા કરવી તેઓને ભારે પડી શકે તેમ છે. ભારતીય દિવ્યાંગ સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ અમિત કુમારે વેધક સવાલ કર્યો હતો કે, શું વિકલાંગ અને અપંગ લોકોને ફક્ત દિવ્યાંગ નામ આપવું જ પૂરતું છે? આજે નેતા એક-એક ટકા વોટની લડાઈ લડવામાં દરેક પ્રકારના પ્રયત્નો કરી રહ્યાં છે, પરંતુ ૩ ટકા દિવ્યાંગોને ટિકિટ આપવા અને વિકલાંગતા ધરાવતાં ૧૦ ટકા પરિવારોને તેમનો હક આપવામાં કોઈ પ્રયત્ન નથી કરી રહ્યાં. ભારતીય દિવ્યાંગ સંગઠને મોદી સરકાર પાસે વિકલાંગતાના પ્રમાણને આધારે દિવ્યાંગોને પેંશન આપવા, દિવ્યાંગ કાર્ડ પૂરા પાડવા, તેમના પ્રાઈમરીથી લઈને ગ્રેજ્યુએશન સુધીના શિક્ષણ ફ્રી આપવા અને ફ્રી અનાજ આપવા સહિતની માંગ કરી છે. રાજકીય પક્ષો દ્વારા દિવ્યાંગોને ટિકિટ નહી ફાળવાય તો, તા.૭મીએ આ મામલે મહત્વની જાહેરાત કરવાની ચીમકી પણ અમિત કુમારે ઉચ્ચારી હતી.

Related posts

અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતી દ્વારા નારી સંરક્ષણ કેન્દ્ર શરૂ કરવા માંગ

editor

अल्पेश का मंत्री बनने का सपना चकना चूर, भाजपा में मात्र कार्यकर्ता का दिया स्थान

aapnugujarat

સાબરમતી જેલમાંથી સીમકાર્ડ અને ચાર્જર મળતાં ખળભળાટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1